ભારતીય રિઝર્વ બેંક (RBI) ની મોનેટરી પોલિસી કમિટી (MPC) ની બેઠકના નિષ્કર્ષો જાહેર કરવામાં આવ્યા છે. રિઝર્વ બેંકના ગવર્નરે જાહેરાત કરી છે કે આ વખતે પણ રેપો રેટ (Repo Rate) માં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. રેપો રેટને 5.25% પર યથાવત રાખવામાં આવ્યો છે. આરબીઆઈના આ નિર્ણયથી સામાન્ય જનતા, ખાસ કરીને મધ્યમ વર્ગના લોન ધારકો જેઓ વ્યાજદરમાં ઘટાડાની આશા રાખતા હતા, તેમને કોઈ તાત્કાલિક રાહત મળી નથી.
લોન ધારકો પર અસર
રિઝર્વ બેંકે વ્યાજદરમાં કોઈ ઘટાડો ન કરતા, બેંક લોન ધારકો માટે હોમ લોન, કાર લોન કે પર્સનલ લોનની EMI હાલમાં ઘટશે નહીં. જોકે, રાહતની વાત એ પણ છે કે વ્યાજદરમાં વધારો ન થવાથી EMI માં વધારો પણ નહીં થાય. પરંતુ બજારના નિષ્ણાતો માની રહ્યા હતા કે મોંઘવારીના અંકુશ વચ્ચે આરબીઆઈ વ્યાજદરમાં કદાચ ઘટાડો કરી શકે છે, જેથી રિયલ એસ્ટેટ અને ઓટો સેક્ટરમાં તેજી આવે. લોન સસ્તી નહીં થવાના કારણે નવા ઘર કે વાહન ખરીદનારાઓએ હજુ થોડો સમય ઊંચા વ્યાજદરનો સામનો કરવો પડશે.
