મિડલ ઇસ્ટમાં વધતા તણાવને પગલે ગેસ અને ક્રૂડ ઓઇલને લઇને ચિંતા વધી રહી છે. હોર્મુઝ સ્ટ્રેટ બંધ છે. જો કે ઇરાનના જે મિત્ર દેશો છે તેઓના જહાજને પસાર થવાની મંજૂરી આપી હોવાના સમાચાર છે. ભારતના ફસાયેલા 20 જહાજો ભારત પરત ફરવાના છે. તો બીજી તરફ દેશના કેટલાક રાજ્યોમાં પેટ્રોલ ડીઝલની અછત હોવાના સમાચાર વહેતા થતા લોકોએ પેટ્રોલ પંપ પર લાઇનો લગાવી દીધી હતી.

પેટ્રોલ ડીઝલની અછત નથી- પેટ્રોલિયમ મંત્રાલય 

બે બે કલાકની લાઇનમાં ઉભા રહીને લોકો પેટ્રોલ પૂરાવા મજબૂર થયા હતા. જો કે પેટ્રોલ ડીઝલની કોઇ અછત નથી. બધી જ અફવા હતી. ત્યારે હવે ભારત સરકારે પણ દેશના નાગરિકોને નોંધપાત્ર રાહત આપી છે. પેટ્રોલિયમ મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે દેશમાં ક્રૂડ ઓઇલ અને ઇંધણનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે. તેથી ડરીને ખરીદી કરવાની કોઈ જરૂર નથી. સરકારે ખાતરી આપી છે કે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી.  ગેસનો પુરવઠો 100% પર અવિરત ચાલુ રહેશે.

વિદેશ મંત્રાલયે શું કહ્યું ? 

 વિદેશ મંત્રાલયે અહેવાલ આપ્યો છે કે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની વાતચીત દરમિયાન, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હોર્મુઝ સ્ટ્રેટ જેવા મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગો ખુલ્લા રાખવા અને તણાવ ઓછો કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

https://twitter.com/ANI/status/2036747270709014858

દેશમાં ક્રૂડ ઓઇલનો પૂરતો સ્ટોક- પેટ્રોલિયમ મંત્રાલય 

પેટ્રોલિયમ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ જણાવ્યું હતું કે દેશમાં ક્રૂડ ઓઇલનો પૂરતો સ્ટોક છે. "આપણી પાસે પેટ્રોલિયમ અને ડીઝલનો પૂરતો સ્ટોક છે. ક્યાંય પણ કોઈ અછત નથી. કૃપા કરીને ગભરાટમાં ખરીદી કરવાનું ટાળો. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ વધારો થયો નથી.


સુજાતા શર્માએ જણાવ્યું હતું કે, "ગભરાટના કારણે ખરીદીમાં વધારો થવાને કારણે, છેલ્લા બે દિવસમાં અનેક સ્થળોએ પેટ્રોલ પંપ અને રિટેલ આઉટલેટ્સની બહાર લાંબી કતારો જોવા મળી છે. અમે સ્પષ્ટ કરવા માંગીએ છીએ કે દેશમાં ક્રૂડ ઓઇલનો પૂરતો સ્ટોક છે. અમારી પાસે વાર્ષિક આશરે 26 કરોડ ટન ક્રૂડ ઓઇલ રિફાઇન કરવાની ક્ષમતા છે.


PNG (પાઇપ્ડ નેચરલ ગેસ) અને CNG (કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ) બંનેનો પુરવઠો 100% પર જાળવવામાં આવી રહ્યો છે. તેઓએ  વધુમાં ઉમેર્યું કે પેટ્રોલિયમ મંત્રાલયે ગઈકાલે એક સત્તાવાર ગેઝેટ સૂચના જાહેર કરી હતી. સરકાર PNG નેટવર્કના વિસ્તરણ પર સક્રિયપણે કામ કરી રહી છે; 250,000 નવા PNG કનેક્શન નોંધાયા છે, અને 220,000 ગ્રાહકોએ LPG થી PNG માં સફળતાપૂર્વક શિફ્ટ  કર્યું છે.

ઉલ્લેખનીય છે કે  ઇઝરાયલ અને અમેરિકા વચ્ચે ઇરાન સામેના સંઘર્ષનો 26મો દિવસ છે. યુદ્ધને કારણે, હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા તેલ અને ગેસનો પુરવઠો ખોરવાઈ ગયો છે. ભારત તેની ક્રૂડ ઓઇલની જરૂરિયાતોના 50% અને તેની LNG ની 54% આ માર્ગ દ્વારા આયાત કરે છે.


આ પણ વાંચો: ભારતના કયા રાજ્યમાં તેલના સૌથી વધારે કૂવા ?