22 સપ્ટેમ્બરના રોજ GST 2.0 લાગુ થાય તે પહેલાં ભારતીય રેલ્વેએ પ્લેટફોર્મ અને ટ્રેનોમાં ઉપલબ્ધ રેલ નીર પાણીની બોટલની કિંમત ઘટાડી દીધી છે. રેલ નીરની 1 લીટર બોટલ પહેલા રૂપિયા 15માં મળતી હતી, પરંતુ હવે તેની કિંમત 14 કરવામાં આવી છે. વધુમાં રેલ નીરની પાણીની 500 ML પાણીની બોટલ પહેલા 10 રૂપિયામાં મળતી હતી, પરંતુ હવે તેની કિંમત 9 રૂપિયા કરવામાં આવી છે.

https://twitter.com/RailMinIndia/status/1969333905200206245

રેલવે મંત્રાલયે સત્તાવાર રીતે કરી જાહેરાત

રેલ મંત્રાલયના એક સત્તાવાર નિવેદનમાં જણાવાયું છે કે પેકેજ્ડ પીવાના પાણીની બોટલ, રેલ નીરની મહત્તમ કિંમત રૂપિયા 15થી ઘટાડીને રૂપિયા 14 પ્રતિ 1 લીટર અને રૂપિયા 10થી ઘટાડીને રૂપિયા 9 ​​પ્રતિ 500 મિલી કરવામાં આવશે. આ ઘટાડેલા ભાવ 22 સપ્ટેમ્બરથી અમલમાં આવશે. આ નવા ભાવ રેલ્વે પરિસરમાં અને ટ્રેનોમાં વેચાતી અન્ય બ્રાન્ડની પેકેજ્ડ પાણીની બોટલો પર પણ લાગુ થશે.

22મી તારીખથી નવા GST દરો લાગુ થશે

દેશમાં 22 સપ્ટેમ્બરથી નવા GST દરો લાગુ થવા જઈ રહ્યા છે. અત્યાર સુધી વર્તમાન GST સિસ્ટમમાં 4 સ્લેબ હતા, જેમાંથી 12 અને 28 ટકાના સ્લેબ નાબૂદ કરવામાં આવ્યા છે. હવે ફક્ત 5% અને 18%ના બે સ્લેબ બાકી છે. આનો અર્થ એ થયો કે GST પહેલા કરતા ઘણો સરળ બની ગયો છે. સેસ પણ નાબૂદ કરવામાં આવ્યો છે. સાબુ, ટૂથપેસ્ટ અને બ્રેડ જેવી આવશ્યક ઘરગથ્થુ વસ્તુઓ પરનો ટેક્સ 5% અથવા 0% સુધી ઘટાડી દેવામાં આવ્યો છે. જીવનરક્ષક દવાઓ પરનો ટેક્સ 12%થી ઘટાડીને 0% અથવા 5% કરવામાં આવ્યો છે, જેનાથી સારવાર સસ્તી થશે.

રેલ નીરની પાણીની બોટલ કોણ બનાવે છે?

તમને જણાવી દઈએ કે ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC) તેના સૌથી મોટા રેલ નીર પ્લાન્ટની ઉત્પાદન ક્ષમતા લગભગ બમણી કરવા માટે તૈયાર છે. પશ્ચિમ ક્ષેત્રમાં મહારાષ્ટ્રના અંબરનાથમાં સ્થિત આ પ્લાન્ટ મુંબઈના સ્થાનિક મુસાફરો તેમજ મહારાષ્ટ્ર અને ગુજરાતની આસપાસના ટ્રેન મુસાફરોને પેકેજ્ડ પાણી પૂરું પાડે છે. હાલમાં, આ પ્લાન્ટ દરરોજ આશરે 1.74 લાખ લીટર પેકેજ્ડ પાણીનું ઉત્પાદન કરે છે.