રેલવે સ્ટેશન હવે માત્ર ટ્રેનમાં ચઢવા કે ઉતરવાની જગ્યા પૂરતું સીમિત રહ્યું નથી. દેશભરના રેલવે સ્ટેશનો પર સ્થાનિક કારીગરો, વણકરો અને નાના ઉત્પાદકોને બજાર ઉપલબ્ધ કરાવતી 'વન સ્ટેશન વન પ્રોડક્ટ' (OSOP) યોજના 'વોકલ ફોર લોકલ' અભિયાનને જમીની સ્તરે આગળ વધારી રહી છે. રેલવેના સત્તાવાર આંકડા અનુસાર, OSOP હેઠળ અત્યાર સુધીમાં ₹162.39 કરોડથી વધુના સ્થાનિક ઉત્પાદનોનું વેચાણ થઈ ચૂક્યું છે.

આ યોજના 2,000થી વધુ સ્ટેશનો સુધી વિસ્તરી

25 માર્ચ 2022ના રોજ શરૂ કરાયેલી આ યોજનાનો હેતુ રેલવેના વિશાળ નેટવર્કનો ઉપયોગ સ્થાનિક અને પ્રાદેશિક ઉત્પાદનોને દેશના વિવિધ ભાગોના ગ્રાહકો સુધી પહોંચાડવા માટે કરવાનો છે. શરૂઆતમાં 19 સ્ટેશનો પર 15 દિવસના પાયલટ પ્રોજેક્ટ તરીકે શરૂ થયેલી આ યોજના હવે 2,000થી વધુ સ્ટેશનો સુધી વિસ્તરી છે. રેલવે મુજબ, OSOP નેટવર્કમાં 2,300થી વધુ આઉટલેટ્સ કાર્યરત છે અને અત્યાર સુધીમાં 1.54 લાખથી વધુ લોકોને તેનો લાભ મળ્યો છે. તેમાં આશરે 1.50 લાખ સીધા લાભાર્થીઓનો સમાવેશ થાય છે, જેમને રેલવે સ્ટેશનો પર પોતાના ઉત્પાદનો વેચવાની તક મળી છે.

વિવિધ વસ્તુઓ આઉટલેટસ પર ઉપલબ્ધ 

OSOP હેઠળ વિવિધ રાજ્યોની સ્થાનિક ઓળખ ધરાવતા ઉત્પાદનોનું વેચાણ થાય છે. તેમાં હસ્તકલા, હેન્ડલૂમ, ટેક્સટાઈલ, રમકડાં, ચામડાની વસ્તુઓ, જ્વેલરી અને પરંપરાગત ઉત્પાદનોનો સમાવેશ થાય છે. બિહારની મધુબની પેઈન્ટિંગ અને ભાગલપુરી સિલ્ક, આસામનું ગમછું અને મેખલા ચાદર, રાજસ્થાનનું કોટા ડોરિયા અને સાંગાનેર પ્રિન્ટ, કર્ણાટકના ચન્નાપટણા રમકડાં તેમજ તમિલનાડુની કાંજીવરમ સિલ્ક જેવી વસ્તુઓ આઉટલેટ્સ પર ઉપલબ્ધ છે. આ ઉપરાંત મહારાષ્ટ્રની કોલ્હાપુરી ફૂટવેર અને ઉત્તર પ્રદેશના મુરાદાબાદ બ્રાસવેર તથા બનારસી ક્રાફ્ટને પણ બજાર મળી રહ્યું છે.

500થી 1000 રૂપિયામાં રજિસ્ટ્રેશન કરી શકો છો સ્ટોલ 

રાજ્યવાર આંકડામાં પશ્ચિમ બંગાળ 378 OSOP યુનિટ સાથે પ્રથમ ક્રમે છે. ત્યારબાદ મહારાષ્ટ્રમાં 205, તમિલનાડુમાં 199 અને ઉત્તર પ્રદેશમાં 196 યુનિટ છે. યોજનાની ખાસિયત ઓછી કિંમતમાં બજાર ઉપલબ્ધ કરાવવાની છે. 15 દિવસ માટે સ્ટોલ મેળવવા માટે રજીસ્ટ્રેશન ફી ₹500થી ₹1,000 વચ્ચે છે. સ્ટોલ રોટેશનના આધારે ફાળવવામાં આવે છે, જેથી વધુમાં વધુ સ્થાનિક ઉત્પાદકોને તક મળી શકે. ડિજિટલ વ્યવહારોને પ્રોત્સાહન આપવા UPI, BHIM, POS મશીન અને ડિજિટલ વૉલેટ જેવી સુવિધાઓનો પણ ઉપયોગ થાય છે. આ રીતે OSOP સ્થાનિક કારીગરોને માત્ર વેચાણનું સ્થળ જ નહીં, પરંતુ દેશવ્યાપી ગ્રાહકો સુધી પહોંચ અને પોતાના ઉત્પાદનોને નવી ઓળખ આપવાનું માધ્યમ પણ પૂરું પાડે છે.

આ પણ વાંચો : Tamil Nadu: 52 મંદિરોમાં મોબાઇલ પર પ્રતિબંધ! તમિલનાડુ સરકારનો મોટો નિર્ણય, ફોન જમા કરાવવા માટે પણ લાગશે ફી