જૂન 2026 દરમિયાન દેશમાં ગ્રાહક ભાવ સૂચકાંક (CPI) આધારિત રિટેલ મોંઘવારી દર 4.38 ટકા નોંધાયો છે. આ આંકડો જૂન 2025ની સરખામણીએ વર્ષદરવર્ષના આધારે જાહેર કરવામાં આવ્યો છે અને હાલ તે પ્રોવિઝનલ છે. નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ (NSO) દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ ગ્રામ્ય વિસ્તારોમાં મોંઘવારીનો દર 4.74 ટકા રહ્યો છે, જ્યારે શહેરી વિસ્તારોમાં તે 3.92 ટકા નોંધાયો છે.
https://twitter.com/ANI/status/2076623808233177492
સામાન્ય પરિવારોના ઘરખર્ચ સીધી અસર
આથી સ્પષ્ટ થાય છે કે ગામડાંમાં જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવમાં શહેરોની સરખામણીએ વધુ વધારો થયો છે. ખાદ્ય ચીજવસ્તુઓની વાત કરીએ તો ગ્રાહક ફૂડ પ્રાઇસ ઇન્ડેક્સ (CFPI) આધારિત ખાદ્ય મોંઘવારી જૂન 2026માં 5.32 ટકા રહી છે. ખાદ્ય મોંઘવારી રિટેલ મોંઘવારી કરતાં વધુ હોવાથી સામાન્ય પરિવારોના ઘરખર્ચ પર તેની સીધી અસર પડી શકે છે.
મોંઘવારીનું દબાણ યથાવત રહેવાની શક્યતા
ખાસ કરીને અનાજ, શાકભાજી, ફળો અને અન્ય આવશ્યક ખાદ્ય વસ્તુઓના ભાવમાં થયેલા વધારાને કારણે મોંઘવારીનું દબાણ યથાવત રહેવાની શક્યતા છે. રિટેલ મોંઘવારીના આંકડા દેશની અર્થવ્યવસ્થા માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે, કારણ કે તેના આધારે ભારતીય રિઝર્વ બેન્ક (RBI) વ્યાજદર અંગેના નિર્ણયો લેતી હોય છે.
જો મોંઘવારી લાંબા સમય સુધી ઊંચી રહે તો વ્યાજદરમાં ફેરફાર થવાની સંભાવના વધી શકે છે. હાલ જાહેર થયેલા આંકડાઓથી સ્પષ્ટ થાય છે કે મોંઘવારી હજુ પણ આરબીઆઈના લક્ષ્યાંકની મર્યાદામાં છે, પરંતુ ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં વધારો ચિંતાનો વિષય બની રહ્યો છે.
આ પણ વાંચો : ક્રેડિટ કાર્ડ નથી તો ઈમરજન્સીમાં ક્યાંથી મળશે પૈસા...? જાણો શું છે અન્ય વિકલ્પ