હાલમાં ચાલી રહેલી યુદ્ધની સ્થિતિ વચ્ચે અનેક દેશોમાં ઈંધણની કટોકટીને કારણે કપરી સ્થિતિ જોવા મળી છે.ઈંધણના વધતા ભાવ અને અછતને કારણે એક્સપોર્ટ અને ઈમ્પોર્ટ સહિતની બાબતોમાં મોટું નુકસાન સામે આવ્યું છે.આ ઉપરાંત અનેક દેશોમાં વધી રહેલી મોંઘવારીએ લોકોને પણ હેરાન કર્યા છે.ભારત પોતાની ઉર્જા જરૂરિયાતોનો મોટો હિસ્સો આયાતી ક્રૂડ ઓઇલ દ્વારા પૂરો કરે છે.ભારતમાં E85 એટલે કે 85 ટકા ઇથેનોલ અને 15 ટકા પેટ્રોલ ધરાવતા ઈંધણની શરૂઆત થઈ ચૂકી છે અને સરકાર આગામી સમયમાં તેને હજારો પેટ્રોલ પંપો સુધી પહોંચાડવાની તૈયારી કરી રહી છે. જે સામાન્ય પેટ્રોલ કરતાં આશરે 20 રૂપિયા પ્રતિ લીટર સસ્તું વેચાઈ રહ્યું છે.મોટો સવાલ એ છે કે ઓછી કિંમતનો આ ફાયદો માઇલેજમાં ઘટાડો થયા પછી પણ મળશે કે નહીં. આ માટે બ્રાઝિલમાં ઈથેનોલના ઉપયોગ અંગે સમજવુ જરૂરી છે.
E85નો અર્થ 85 ટકા ઇથેનોલ અને 15 ટકા પેટ્રોલ
ભારતમાં હવે E85 પેટ્રોલનું વેચાણ શરૂ થઈ ગયું છે.E85નો અર્થ 85 ટકા ઇથેનોલ અને 15 ટકા પેટ્રોલ હોય છે.હાલમાં આ ઇંધણ દેશના કેટલાક પસંદગીના પેટ્રોલ પંપો પર જ ઉપલબ્ધ છે.જેમાં દિલ્હી જેવા શહેરોનો પણ સમાવેશ થાય છે. સરકારનું લક્ષ્ય આગામી વર્ષ સુધીમાં તેને દેશભરના આશરે પાંચ હજાર પેટ્રોલ પંપો સુધી પહોંચાડવાનું છે.દિલ્હીમાં જ્યાં સામાન્ય પેટ્રોલની કિંમત આશરે 102 રૂપિયા પ્રતિ લીટર છે. ત્યાં E85 આશરે 82 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે. આજે દેશમાં મળતા સામાન્ય પેટ્રોલમાં પણ લગભગ 20 ટકા ઇથેનોલ પહેલેથી જ ભેળવવામાં આવી રહ્યું છે.E20 પેટ્રોલ લગભગ તમામ પેટ્રોલ વાહનો માટે ઉપલબ્ધ છે. પરંતુ E85 દરેક કારમાં ઉપયોગમાં નથી લઈ શકાતુ. તેના માટે વાહનમાં ફ્લેક્સ ફ્યુઅલ એન્જિન હોવું જરૂરી છે.

પેટ્રોલની સરખામણીએ ઈથેનોલમાં એનર્જી ઓછી
ભારતમાં હવે ફ્લેક્સ ફ્યુઅલ ટેકનોલોજી ધરાવતી કાર અને ટુ-વ્હીલર્સ બજારમાં આવવા લાગ્યા છે. સરકારનો ઉદ્દેશ્ય લોકોને ધીમે-ધીમે આવા વાહનો તરફ પ્રોત્સાહિત કરવાનો છે જેથી પેટ્રોલ પરની નિર્ભરતા ઓછી થાય અને દેશના આયાત બિલમાં ઘટાડો કરી શકાય. ઇથેનોલનું ઉત્પાદન ભારતમાં જ થાય છે, જ્યારે ક્રૂડ ઓઇલનો મોટો હિસ્સો વિદેશથી આયાત કરવો પડે છે. જોલોકો ઇથેનોલ આધારિત ઈંધણ અપનાવે તો દેશને ઓછું ક્રુડ ખરીદવું પડશે અને વિદેશી હૂંડિયામણની બચત થશે. વાહન ચાલકોને એક નજરે તો 20 રૂપિયાની બચત વધુ સારી લાગે છે પણ મુળ સવાલ વાહનની એવરેજનો છે. પેટ્રોલની સરખામણીએ ઈથેનોલમાં એનર્જી ઓછી હોય છે. જેથી એક લીટર પેટ્રોલ જેટલું અંતર ઈથેનોલ વાળું વાહન કાપી શકતુ નથી.
બ્રાઝિલ ઈથેનોલ માટે ઉત્તમ ઉદાહરણ કેમ છે
ઇથેનોલ આધારિત પરિવહનની વાત કરીએ તો બ્રાઝિલ વિશ્વમાં સૌથી મોટું ઉદાહરણ છે. બ્રાઝિલમાં 1975થી ઈથેનોલને પ્રોત્સાહન આપવાની નીતિ અમલી છે. આજે બ્રાઝિલમાં મોટા ભાગના વાહનોમાં પેટ્રોલ અને ઈથેનોલ બંનેનો ઉપયોગ થાય છે. ઈથેનોલ પર પેટ્રોલની સરખામણીમાં વાહનની એવરેજ 30 ટકા જેટલી ઓછી મળે છે. ભારતની સરખામણીમાં જોવામાં આવે તો કોઈ વાહન એક લિટર પેટ્રોલમાં 10 કિ.મીની એવરેજ આપે છે તો ઈથેનોલ પર તે વાહન 9 કિ.મીની આસપાસ એવરેજ આપી શકે છે. જેથી E20ની સરખામણીમાં E85 પર માઇલેજ લગભગ 20 ટકા ઓછી હોઈ શકે છે.તેને ધ્યાનમાં રાખીને E85ની કિંમત સામાન્ય પેટ્રોલ કરતાં લગભગ 20 રૂપિયા પ્રતિ લીટર ઓછી રાખવામાં આવી છે. એકંદરે જોવામાં આવે તો E85 ગ્રાહક માટે બચત નથી એવું આંકડાઓ પરથી ફલિત થાય છે.પરંતુ વિદેશથી ઈંધણની આયાતને જોતા આ પગલું મહત્વનું સાબિત થઈ શકે છે.

પડકારો પણ ઓછા નથી
KPMGના એક રીપોર્ટમાં કહેવાયું છે કે E20થી આગળ વધવા માટે ઘણા પડકારોનો સામનો કરવો પડશે.હાલમાં ઇથેનોલનું ઉત્પાદન મુખ્યત્વે શેરડી અને અન્ય કૃષિ પાકો પર આધારિત છે.ઉત્પાદન વધારવા માટે નવા સ્ત્રોતોની જરૂર પડશે.આ સિવાય ફ્લેક્સ ફ્યુઅલ વાહનોની સંખ્યા વધારવી પડશે અને ઇંધણ વિતરણ નેટવર્કને પણ ઉચ્ચ ઇથેનોલ મિશ્રણ માટે અનુકૂળ બનાવવું પડશે.
ઉર્જા આત્મનિર્ભરતા તરફ કદમ
KPMGના રીપોર્ટ પ્રમાણે જો ભારત ઇથેનોલ આધારિત ઇંધણ પ્રણાલીને વ્યાપક સ્તરે અપનાવવામાં સફળ થાય છે તો તે દેશની ઉર્જા સુરક્ષાને મજબૂત કરવાની સાથે-સાથે તેલની આયાત પરની નિર્ભરતા ઘટાડવામાં પણ મહત્વની ભૂમિકા ભજવી શકે છે.આનાથી ભારત વૈશ્વિક તેલ બજારની વધઘટનો વધુ સારી રીતે સામનો કરી શકશે અને ઉર્જા આત્મનિર્ભરતાની દિશામાં એક મોટું પગલું ભરી શકશે.ઇથેનોલ ભારતના પરિવહન ઉર્જા ક્ષેત્રનો એક મહત્વપૂર્ણ આધાર બની શકે છે.E20થી આગળ વધીને E85 અને E100 જેવા મિશ્રણો અપનાવવાથી તેલની આયાત પરની નિર્ભરતા ઘટશે. ઉર્જા સુરક્ષા મજબૂત થશે અને વૈશ્વિક તેલ બજારના આંચકાની અસર ઓછી થશે.
આ પણ વાંચોઃ Sandesh Explainer : યુદ્ધની સ્થિતિમાં ઈંધણની કટોકટી, જાણો ઈથેનોલ કેવી રીતે બની શકે છે ભારતનું ભવિષ્યનું ઈંધણ?