SBI Cardએ પોતાની વેબસાઇટ પર 27 ઓક્ટોબર 2026ના રોજ જાહેરનામું બહાર પાડીને બે નવા ચાર્જની જાણકારી આપી છે. હવે ગ્રાહકોને ઈ-મેઇલ દ્વારા પણ આ અંગે જાણ કરવામાં આવી રહી છે. તેથી ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરતાં પહેલાં નવા નિયમો સમજવા જરૂરી છે.

પેટ્રોલ-ડીઝલના ખર્ચમાં શું ફેરફાર થયો?

જો એક બિલિંગ સાયકલમાં તમારા ક્રેડિટ કાર્ડથી ફ્યુઅલ પર કુલ ખર્ચ ₹50,000થી વધુ થાય, તો સમગ્ર ફ્યુઅલ ખર્ચ પર 1% ચાર્જ લાગશે. ધ્યાનમાં રાખવાની વાત એ છે કે આ ચાર્જ માત્ર ₹50,000થી વધુની રકમ પર નહીં, પરંતુ સમગ્ર ખર્ચ પર લાગશે.

ઉદાહરણ તરીકે, જો તમે એક મહિનામાં ₹60,000નું પેટ્રોલ ભરાવો છો, તો તમારે વધારાના ₹10,000 પર નહીં, પરંતુ સમગ્ર ₹60,000 પર 1% એટલે કે ₹600 ચાર્જ ચૂકવવો પડશે.

જો તમારો ફ્યુઅલ ખર્ચ ₹50,000 કે તેનાથી ઓછો હોય, તો કોઈ વધારાનો ચાર્જ લાગશે નહીં.

મુસાફરીની ચુકવણી પર શું બદલાયું?

જો ટ્રાન્સપોર્ટ સંબંધિત કોઈ એક વ્યવહારની રકમ ₹30,000થી વધુ હોય, તો તે વ્યવહાર પર 1% ચાર્જ લાગશે. ધારો કે તમે એક જ વખતમાં ₹35,000ની મુસાફરી સંબંધિત ચુકવણી કરો છો, તો તમારે ₹350નો વધારાનો ચાર્જ ચૂકવવો પડશે. અહીં નિયમ મહિનાના કુલ ખર્ચ પર નહીં, પરંતુ દરેક અલગ વ્યવહારની રકમ પર લાગુ થશે.

કઈ ચુકવણીઓ પર લાગુ થશે નવો નિયમ?

બેંકે આ વ્યવહારોની ઓળખ માટે મર્ચન્ટ કેટેગરી કોડ એટલે કે MCCનો ઉપયોગ કર્યો છે. ટ્રાન્સપોર્ટ માટેના MCC: 4111, 4784 અને 4131 સામાન્ય રીતે આ કોડનો ઉપયોગ નીચેની સેવાઓ માટે થાય છે:

- સ્થાનિક અને મુસાફરોની અવરજવર માટેની પરિવહન સેવાઓ, જેમ કે મેટ્રો અને લોકલ ટ્રેન.

- ટોલ અને પુલના વપરાશ માટેની ફી, જેમાં ફાસ્ટેગ દ્વારા થતી ચુકવણીનો પણ સમાવેશ થઈ શકે છે.

- બસ પરિવહન સેવાઓ.

ફ્યુઅલ માટેના MCC: 5172, 5541, 5542 અને 5983

આ કોડ પેટ્રોલ પંપ, ફ્યુઅલ ડિસ્પેન્સર અને ઇંધણના વેપારીઓ સાથે જોડાયેલા છે.

હાલમાં એરલાઇન અથવા રેલવે ટિકિટની ચુકવણી પર આ ચાર્જ લાગશે એવો અલગથી ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. બેંકે એમ પણ જણાવ્યું છે કે MCC કાર્ડ નેટવર્ક દ્વારા નક્કી કરવામાં આવે છે અને તેમાં ફેરફાર થાય તો ગ્રાહકોને અલગથી જાણ કર્યા વિના પણ તે બદલાઈ શકે છે.

કયા ગ્રાહકો પર સૌથી વધુ અસર પડશે?

આ ફેરફારની સૌથી વધુ અસર એવા લોકો પર પડી શકે છે, જેઓ વ્યવસાય અથવા વાહનોના કાફલા માટે ક્રેડિટ કાર્ડથી મોટા પ્રમાણમાં ઇંધણ ખરીદે છે. ટેક્સી અને પરિવહનનો વ્યવસાય કરતા લોકો તેમજ ફાસ્ટેગમાં એકસાથે મોટી રકમ ઉમેરાવતા ગ્રાહકોને પણ અસર થઈ શકે છે.

જોકે, જે સામાન્ય ગ્રાહકોનો માસિક ફ્યુઅલ ખર્ચ ₹50,000થી ઓછો છે, તેમના પર આ નવા નિયમથી કોઈ અસર નહીં થાય.

ગ્રાહકોએ શું કરવું જોઈએ?

- તમારા બિલિંગ સાયકલ દરમિયાન થતા કુલ ફ્યુઅલ ખર્ચ પર નજર રાખો.

- તમારા ક્રેડિટ કાર્ડની બિલિંગ સાયકલની તારીખ યાદ રાખો.

- મોટી ટ્રાન્સપોર્ટ ચુકવણી કરતાં પહેલાં તેના પર લાગતા ચાર્જની તપાસ કરો.

- જરૂર હોય તો ચુકવણીના વિકલ્પો અને લાગુ પડતા નિયમો સમજીને નિર્ણય લો.

વધુ માહિતી અથવા કોઈ પ્રશ્ન માટે ગ્રાહકો SBI Cardની હેલ્પલાઇન 1860 180 1290 અથવા 39 02 02 02 પર સંપર્ક કરી શકે છે. બીજા નંબર પર ફોન કરતી વખતે સ્થાનિક STD કોડ લગાવવો જરૂરી છે.