ઈન્ડિગો ફ્લાઈટમાં થપ્પડકાંડની ચર્ચાઓ હજુ તો લોકોના મોઢે છે, ત્યારે તેની વચ્ચે વધુ એક એરલાઈન્સમાં મારામારીની ઘટના સામે આવી છે. શ્રીનગરથી દિલ્હી જતી સ્પાઈસજેટની ફ્લાઈટ SG-386ના બોર્ડિગ ગેટ પર એક વરિષ્ઠ સેના અધિકારીએ 4 સ્પાઈસજેટના કર્મચારીઓ સાથે મારામારી કરી છે. એરલાઈન્સના પ્રવક્તાના જણાવ્યા મુજબ આ ઘટના 26 જુલાઈએ તે સમયે બની જ્યારે સેનાના અધિકારીને વધારે લગેજ લઈ જવા પર વધુ ચાર્જ આપવા માટે કહેવામાં આવ્યું.
એકસ્ટ્રા ચાર્જ ભરવાની અધિકારીએ ના પાડી
સ્પાઈસજેટે જણાવ્યું કે સેનાના અધિકારીની પાસે બે કેબિન બેગ હતી, જેનું કૂલ વજન 16 કિલો હતું, જ્યારે વધુમાં વધુ 7 કિલો સુધીની મર્યાદા છે. જ્યારે સ્ટાફે વિનમ્રતાથી તેમને આ નિયમની જાણકારી આપી અને ચાર્જ ભરવા માટે કહ્યું તો અધિકારીએ ના પાડી દીધી અને બોર્ડિગની પ્રક્રિયા પૂર્ણ કર્યા વગર બળજબરીથી એરોબ્રિજમાં પ્રવેશ કરવાનો પ્રયત્ન કર્યો, જે નાગરિક ઉડ્ડયન સુરક્ષા નિયમોનું ગંભીર ઉલ્લંઘન છે.
કર્મચારીઓને ગંભીર રીતે માર્યો માર
ત્યારબાદ CISF અધિકારી તેને પરત ગેટ પર લાવ્યા, જ્યાં તેમને ગુસ્સામાં આવીને 4 ગ્રાઉન્ડ સ્ટાફ પર હુમલો કરી દીધો. એક કર્મચારીને માર માર્યો અને સ્ટીલના સ્ટેન્ડથી માર્યો. જેના કારણે તેને ફ્રેક્ચર થયું અને જડબામાં ગંભીર ઈજાઓ પહોંચી. અન્ય એક કર્મચારી જે બેભાન થયેલા સહયોગીની મદદ કરવા માટે પહોંચ્યો હતો, તેને પણ જડબા પર જોરદાર લાત મારી, જેનાથી તેના નાક અને મોંમાંથી લોહી નીકળવા લાગ્યું.
આરોપી સામે કાર્યવાહી કરાઈ શરૂ
ઘાયલ કર્મચારીઓને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે અને તેમની સ્થિતિ ગંભીર છે. સ્પાઈસજેટ પ્રવક્તાએ કહ્યું કે આ હુમલાની પોલીસમાં FIR દાખલ કરાવવામાં આવી છે અને એરલાઈને મુસાફરને નો-ફ્લાઈ લિસ્ટમાં નાખવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે, જે નાગરિક ઉડ્ડયન નિયમો હેઠળ કરવામાં આવી રહેલી કાર્યવાહી છે. એરલાઈને આ ગંભીર હુમલાની જાણકારી નાગરિક ઉડ્ડયન મંત્રાલયને લેખિત રીતે આપી છે અને મુસાફરની વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવાની માગ કરી છે. તેની સાથે જ એરપોર્ટ અધિકારીઓએ સીસીટીવી ફૂટેજ પોલીસને સોંપી દીધા છે, જેથી તપાસમાં મદદ મળી શકે.