દેશની અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવામાં બેંકિંગ ક્ષેત્રની ભૂમિકા ખૂબ મહત્વની છે. આથી કેન્દ્ર સરકાર હવે બેંકિંગ વ્યવસ્થાને ભવિષ્યની જરૂરિયાતો મુજબ તૈયાર કરવાની દિશામાં કામ કરી રહી છે.

આ જ દિશામાં કેન્દ્ર સરકારે બેંકિંગ ક્ષેત્રની હાલની વ્યવસ્થાની સમીક્ષા કરવા માટે એક ઉચ્ચસ્તરીય સમિતિ બનાવી છે. આ સમિતિ ભારતીય બેંકોને વધુ સક્ષમ બનાવવા અને 2047 સુધીમાં વિકસિત ભારતના લક્ષ્યને ધ્યાનમાં રાખીને સુધારા સૂચવશે.

બેંકિંગ નિયમો અને કામગીરીની સમીક્ષા થશે

સમિતિનું મુખ્ય કામ ભારતમાં બેંકોની હાલની કામગીરી અને નાણાકીય નિયમોનું મૂલ્યાંકન કરવાનું રહેશે. આ માટે આંતરરાષ્ટ્રીય સ્તરે અપનાવવામાં આવતી સારી બેંકિંગ પદ્ધતિઓનો અભ્યાસ કરવામાં આવશે. સાથે જ, તેમાંથી કઈ પદ્ધતિઓ ભારતની પરિસ્થિતિ મુજબ લાગુ કરી શકાય તે પણ તપાસવામાં આવશે.

આ સમિતિ કોમર્શિયલ બેંકો ઉપરાંત પ્રાદેશિક ગ્રામીણ બેંકો અને સહકારી બેંકો સાથે જોડાયેલા કાયદા અને નિયમોની પણ સમીક્ષા કરશે. તેનો હેતુ બેંકિંગ પ્રક્રિયાને વધુ સરળ બનાવવાનો અને ગ્રાહકો તથા વેપારીઓ માટે બેંકિંગ સેવાઓને સરળ બનાવવાનો છે.

સુરેશ એન. પટેલને સમિતિની જવાબદારી સોંપાઈ

નાણાં મંત્રાલય દ્વારા રચવામાં આવેલી આ સમિતિનું નામ 'હાઈ લેવલ કમિટી ઓન બેંકિંગ ફોર વિકસિત ભારત' રાખવામાં આવ્યું છે. તેની અધ્યક્ષતા પૂર્વ કેન્દ્રીય તકેદારી કમિશનર સુરેશ એન. પટેલ કરશે.

સમિતિમાં ભારતીય રિઝર્વ બેંકના ડેપ્યુટી ગવર્નર શિરીષ ચંદ્ર મુર્મુ, ઇન્ડિયન બેંકનાં પૂર્વ MD અને CEO પદ્મજા ચુંદુરુ તથા RBIના પૂર્વ ડેપ્યુટી ગવર્નર એન. એસ. વિશ્વનાથનનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત, નાણાકીય સેવા વિભાગમાં બેંકિંગ વિભાગના જોઈન્ટ સેક્રેટરી સમિતિના સભ્ય સચિવ રહેશે. સમિતિને પોતાનું કામ પૂર્ણ કરવા માટે 6 મહિનાનો સમય આપવામાં આવ્યો છે. નાણાંમંત્રી નિર્મલા સીતારમણે બજેટ 2026-27માં કરેલી જાહેરાત બાદ આ સમિતિની રચના કરવામાં આવી છે.

AI અને સાયબર સુરક્ષા પર પણ રહેશે ધ્યાન

બદલાતી ટેક્નોલોજીને ધ્યાનમાં રાખીને બેંકિંગ સેવાઓમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ડિજિટલ ટેક્નોલોજીને પ્રોત્સાહન આપવાનું કામ પણ સમિતિને સોંપવામાં આવ્યું છે. બેંકો નવી ટેક્નોલોજીનો ઉપયોગ કેવી રીતે કરી શકે તે અંગે સમિતિ માર્ગદર્શિકા તૈયાર કરશે.

સાથે જ, ડિજિટલ બેંકિંગ સાથે જોડાયેલા સાયબર હુમલાઓ અને જોખમોને રોકવા માટે સુરક્ષાનાં પગલાં સૂચવવામાં આવશે.

બેંકોમાં કુશળ કર્મચારીઓની ભરતી, તાલીમ અને તેમની કાર્યક્ષમતા વધારવા અંગે પણ સમિતિ વિચારણા કરશે. જેથી ટેક્નોલોજીમાં થતા ફેરફારો સાથે બેંકના કર્મચારીઓ પણ તાલ મિલાવી શકે.

ખેડૂતો અને નાના વેપારીઓને લોન આપવાની વ્યવસ્થાની પણ સમીક્ષા થશે

સમિતિ પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગ અને લીડ બેંક સ્કીમની ઉપયોગિતાનું પણ મૂલ્યાંકન કરશે. આ અંતર્ગત ખેડૂતો, નાના વેપારીઓ અને અન્ય જરૂરિયાતમંદ ક્ષેત્રો સુધી લોન પહોંચાડવાની હાલની વ્યવસ્થા કેટલી અસરકારક છે તેની તપાસ કરવામાં આવશે.

આર્થિક જરૂરિયાતોમાં થતા ફેરફારોને ધ્યાનમાં રાખીને લોન આપવાની પ્રક્રિયાને વધુ પારદર્શક અને સરળ કેવી રીતે બનાવી શકાય તે અંગે પણ સૂચનો આપવામાં આવશે.

એકંદરે, સરકારનો આ નિર્ણય ભારતીય બેંકિંગ વ્યવસ્થાને આંતરરાષ્ટ્રીય સ્તરે વધુ સ્પર્ધાત્મક બનાવવાની દિશામાં મહત્વનો છે. સમિતિના સૂચનોના આધારે આગામી સમયમાં બેંકિંગ નિયમો, ટેક્નોલોજી, મૂડી અને લોન વિતરણ સાથે જોડાયેલા ફેરફારો થઈ શકે છે.

બેંકોની મૂડી અને લોન આપવાની ક્ષમતા પર રહેશે ભાર

સમિતિ ભવિષ્યમાં નાણાકીય ક્ષેત્રને કેટલી મૂડીની જરૂર પડશે તેનું પણ મૂલ્યાંકન કરશે. આમાં બેંકો, ડેવલપમેન્ટ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ અને નોન-બેંકિંગ ફાઇનાન્શિયલ કંપનીઓની નાણાંકીય જરૂરિયાતોનો સમાવેશ થશે.

આ સંસ્થાઓને લાંબા સમય સુધી પૂરતી મૂડી મળી રહે તે માટે કયા વિકલ્પો અપનાવી શકાય તે અંગે સમિતિ સૂચનો આપશે.

આ ઉપરાંત, વેપારીઓને મળતી મૂડીના ખર્ચમાં રહેલા તફાવતનો પણ અભ્યાસ કરવામાં આવશે. સરકાર એવા નીતિગત સૂચનો ઇચ્છે છે, જેનાથી ખાનગી રોકાણને પ્રોત્સાહન મળે અને દેશમાં આર્થિક પ્રવૃત્તિઓને વેગ મળે.