ટેસ્લાની ઇલેક્ટ્રિક કારની ભારતમાં ઘણા દિવસોથી રાહ જોવાઈ રહી હતી. એલોન મસ્ક પોતે ઘણા મહિનાઓથી ભારતમાં પ્રવેશવા કરવા માટે ઉત્સુક હતા. આ રાહ ટૂંક સમયમાં પૂર્ણ થશે. કારણ કે આગામી મહિને એટલે કે જુલાઇમાં ટેસ્લા કંપની મુંબઈમાં પોતાનો પહેલો શોરૂમ ખોલવા જઈ રહી છે. ટેસ્લા આવતા મહિનાથી વિશ્વના ત્રીજા સૌથી મોટા ઓટોમોબાઈલ બજાર ભારતમાં ઔપચારિક રીતે પોતાની કાર લોન્ચ કરશે.
ટેસ્લાનું ભારતમાં ડેબ્યુ
ભારતમાં લોન્ચિંગ વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ એલોન મસ્કની કંપની ટેસ્લા માટે એક મોટી તક હોઈ શકે છે. કારણ કે કંપની યુરોપ અને ચીનમાં વેચાણમાં ઘટાડો અનુભવી રહી છે. જોકે, આ નવા વિકાસ પર ટેસ્લા તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. ટેસ્લા જુલાઈમાં મુંબઈમાં પોતાનો પહેલો શોરૂમ ખોલવા જઈ રહી છે. ત્યારબાદ નવી દિલ્હીમાં પણ એક શોરૂમ ખોલવામાં આવશે. કંપનીએ ચીનથી ઇલેક્ટ્રિક કાર, નેધરલેન્ડ્સથી સુપરચાર્જર કમ્પોનન્ટ્સ, કાર એસેસરીઝ, મર્ચેન્ડાઇઝ અને સ્પેરપાર્ટ્સ પણ આયાત કર્યા છે. ટેસ્લાની ઇલેક્ટ્રિક કારનો પહેલો સેટ દેશમાં આવી ગયો છે. ટેસ્લાની ચીન ફેક્ટરીમાંથી મોડેલ Y રીઅર-વ્હીલ ડ્રાઇવ SUV મોકલવામાં આવી છે. ટેસ્લા માટે આ વિશ્વની સૌથી વધુ વેચાતી ઇલેક્ટ્રિક કાર છે. શરૂઆતના તબક્કામાં આ મોડેલ ભારતમાં લોન્ચ થઈ શકે તેવી શક્યતા છે.
ઇલેક્ટ્રિક કારની વિશેષતાઓ શું છે ?
વૈશ્વિક બજારમાં ટેસ્લા મોડેલ Y એક જ મોડેલમાં વેચાય છે. આ ઇલેક્ટ્રિક SUV ઓલ-વ્હીલ-ડ્રાઇવ સિસ્ટમ અને લાંબા અંતરની બેટરીથી સજ્જ છે. આ કાર 526 કિમીની ડ્રાઇવિંગ રેન્જ આપે છે. આ ઇલેક્ટ્રિક SUV માત્ર 4.6 સેકન્ડમાં 0 થી 96 કિમી પ્રતિ કલાકની ઝડપ પકડી શકે છે અને તેની ટોચની ગતિ 200 કિમી પ્રતિ કલાક સુધી મર્યાદિત છે. કારમાં હીટિંગ અને વેન્ટિલેશન સાથે સીટો, 15 સ્પીકર્સ અને સબવૂફર સાઉન્ડ સિસ્ટમ, પાછળના મુસાફરો માટે 8.0-ઇંચ ડિસ્પ્લે, 8 કેમેરા અને ઘણી બધી સુરક્ષા સુવિધાઓ સાથે ઘણી સક્રિય સુવિધાઓ છે.