વૈશ્વિક અર્થતંત્રમાં ચાલી રહેલી ઉથલપાથલની સીધી અસર હવે ભારતીય ચલણ પર જોવા મળી રહી છે. મધ્ય પૂર્વ (મિડલ ઈસ્ટ) માં ચાલી રહેલા તણાવ અને આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના વધતા ભાવોને કારણે દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં બે વાર વધારો ઝીંકવામાં આવ્યો છે અને હજુ પણ ભાવ વધારાની તલવાર લટકી રહી છે. આ વૈશ્વિક કટોકટી વચ્ચે ભારતીય રૂપિયો ડૉલર સામે રેકોર્ડ નીચલા સ્તરે પહોંચી ગયો છે, જેનાથી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) અને સરકારની ચિંતામાં જબરદસ્ત વધારો થયો છે.
રૂપિયો ₹97 ની નજીક, 100 પાર થવાની આશંકા
મીડિયા રિપોર્ટના અહેવાલ મુજબ, છેલ્લા એક વર્ષમાં ભારતીય રૂપિયાના મૂલ્યમાં 10 થી 12 ટકાનો મોટો ઘટાડો નોંધાયો છે. હાલમાં રૂપિયો પ્રતિ ડૉલર ₹૯૭ની ઐતિહાસિક નીચી સપાટીએ પહોંચી ગયો છે. બજારના આર્થિક નિષ્ણાતો એવી આશંકા વ્યક્ત કરી રહ્યા છે કે જો આ સ્થિતિ પર કાબૂ મેળવવામાં નહીં આવે, તો રૂપિયો ટૂંક સમયમાં ₹100 ના સ્તરને પણ પાર કરી શકે છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રા સહિતના ઉચ્ચ અધિકારીઓએ કટોકટીમાંથી બહાર નીકળવા માટે તાકીદની આંતરિક બેઠકો શરૂ કરી દીધી છે.
5 જૂને રેપો રેટ વધશે તો EMI મોંઘી થશે
મીડિયા રિપોર્ટના અહેવાલ અનુસાર, રૂપિયાના ઘટાડાને તાત્કાલિક બ્રેક મારવા માટે આરબીઆઈ વ્યાજદરમાં વધારો કરવાનું વિચારી રહી છે. આરબીઆઈની છ સભ્યોની નાણાકીય નીતિ સમિતિ (MPC) ની મહત્વની બેઠક 3 થી 5 જૂન દરમિયાન યોજાવાની છે. સમિતિએ આ વર્ષે તેનો બેન્ચમાર્ક રેટ 5.25% પર યથાવત રાખ્યો છે, પરંતુ મોટાભાગના અર્થશાસ્ત્રીઓ આગાહી કરી રહ્યા છે કે 5 જૂનની બેઠકમાં રેપો રેટમાં વધારો થઈ શકે છે. જો આરબીઆઈ રેપો રેટ વધારશે, તો બેંકો તમામ પ્રકારની લોન મોંઘી કરશે, જેનાથી મધ્યમ વર્ગના પરિવારો પર હોમ લોન અને ઓટો લોનની EMI (માસિક હપ્તા) નું ભારણ સીધું વધી જશે.
2013ની જેમ વિદેશથી ડૉલર લાવવાની યોજના
રૂપિયાને સ્થિર કરવા માટે આરબીઆઈ વર્ષ 2013 ના 'ટેપર ટેન્ટ્રમ' સમયગાળા જેવી રણનીતિ અપનાવવાનું વિચારી રહી છે. તે સમયે પણ વિદેશી હૂંડિયામણ વધારવા માટે ખાસ યોજનાઓ શરૂ કરવામાં આવી હતી. આ વખતે પણ આરબીઆઈ એનઆરઆઈ (NRI) ડિપોઝિટ સ્કીમ્સ અને સોવરિન ડૉલર બોન્ડ વેચીને આંતરરાષ્ટ્રીય બજારમાંથી ડૉલર એકત્ર કરવાની યોજના પર કામ કરી રહી છે. આરબીઆઈનો અંદાજ છે કે આ સ્કીમ્સ દ્વારા દેશમાં આશરે $50 બિલિયન (50 અબજ ડૉલર) નો પ્રવાહ આવી શકે છે, જે રૂપિયાને મજબૂત કરવામાં મોટી મદદ કરશે.
આ પણ વાંચોઃ Stock Market Closing: શેરબજાર લાલ નિશાને બંધ, સેન્સેક્સ 135.03 પોઇન્ટ ઘટ્યો