આગ્રા શહેર તેના તાજમહેલ માટે જેટલું પ્રખ્યાત છે તેટલું જ તેના પેઠાઓ માટે પણ પ્રખ્યાત છે. પરંતુ હવે આગ્રાના પેઠાનો સ્વાદ ફીકો પડી શકે છે. કારણ કે ત્યાંના સ્થાનિક દુકાનદારો અને કારખાનાઓ સામે હવે જોખમ ઉભુ થયુ છે. સુપ્રીમ કોર્ટે આ વિસ્તારમાં વધતા પ્રદૂષણને કારણે તાજ ટ્રેપેઝિયમ ઝોનમાં સ્થિત તમામ પેઠા એકમોને દૂર કરવાનો નિર્ણય લીધો છે, જેના કારણે પેઠાના 500 કરોડના વ્યવસાય પર અસર પડી શકે છે. આ સાથે, લગભગ 5 હજાર લોકોની નોકરીઓ પણ જોખમમાં છે.
તાજ ટ્રેપેઝિયમ ઝોનમાં ચાલતા તમામ પેઠા એકમોને દૂર કરવાનો આદેશ
સુપ્રીમ કોર્ટે યુપી સરકારને તાજ ટ્રેપેઝિયમ ઝોનમાં ચાલતા તમામ પેઠા એકમોને દૂર કરવાનો આદેશ આપ્યો છે, જેમાં 10400 ચોરસ કિલોમીટરનો વિસ્તાર સામેલ છે, જેમાં તાજમહેલ, આગ્રા કિલ્લો અને ફતેહપુર સિક્રીનો સમાવેશ થાય છે. આ સાથે, સુપ્રીમ કોર્ટે સરકારને આ ફેક્ટરીઓને અલગ જગ્યાએ વસાવવા માટે 3 મહિનાનો સમય આપ્યો છે. આ મામલે આગામી સુનાવણી 23 સપ્ટેમ્બરના રોજ થવાની છે.
500 કરોડ રૂપિયાનો વ્યવસાય અને 5 હજાર નોકરીઓ
ETના અહેવાલમાં, નૂરી ગેટ પાસે પેઠાની દુકાન ધરાવતા ગિરીશ કુમાર સિંઘલ કહે છે કે તેમનો પરિવાર છેલ્લા 25 વર્ષથી આ કામ કરી રહ્યો છે. જો તેમની દુકાન અહીંથી દૂર કરવામાં આવે તો તેઓ ટકી શકશે નહીં. તેમની પાસે બીજી જગ્યાએ નવી દુકાન ખોલવા માટે પૂરતા પૈસા નથી. તેઓ અહીં દરરોજ 1 હજાર કિલો પેઠા બનાવે છે અને વેચે છે. તાજ ટ્રેપેઝિયમ ઝોનના અધિકારીઓના જણાવ્યા અનુસાર, આગ્રાનો પેઠાનો વ્યવસાય લગભગ 500 કરોડ રૂપિયાનો છે. જો દુકાનો અને ફેક્ટરીઓ દૂર કરવામાં આવે તો લગભગ 5000 લોકોની રોજગારી જોખમમાં મુકાઈ શકે છે.
અગાઉ પણ કાર્યવાહી કરવામાં આવી છે
આગ્રામાં પેઠા બનાવતી કંપનીઓ સામે આ પહેલી વાર કાર્યવાહી કરવામાં આવી નથી. અગાઉ વર્ષ 1996 માં, પર્યાવરણીય નિયમોને કારણે, સુપ્રીમ કોર્ટે તાજ ટ્રેપેઝિયમ ઝોન (TTZ) માં કાર્યરત ફેક્ટરીઓમાં કોલસાના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો હતો. આ પછી, વર્ષ 2013 માં પણ કોર્ટે ફેક્ટરીઓમાં જતા કોલસાને રોકવાનો નિર્ણય લીધો હતો અને કોલસા વહન કરતા ટ્રકો પર પ્રતિબંધ લાદ્યો હતો.