ભારતના સી-ફૂડસ એક્સપોર્ટ ઉદ્યોગને અમેરિકા દ્વારા લાગુ કરાયેલા ટેરીફને લઈને મોટો ફટકો વાગ્યો છે. ખાસ કરીને ઝીંગા એક્સપોર્ટ પર સૌથી વધારે અસર જોવા મળી રહી છે. ગુજરાતના 18 લાખ સહિત દેશભરના 3 કરોડ માછીમારો પર સંકટનાં વાદળો ઘેરાયા છે. હાલમાં ગુજરાતનું 300 કરોડનું એક્સપોર્ટ ઠપ્પ થઈ ગયું છે.


57થી 58 ટકા સુધીનો ભાવ વધારો આવ્યો

સી-ફૂડસ એક્સપોર્ટર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયાના પૂર્વ અધ્યક્ષ જગદીશ ફૉફંડીના જણાવ્યા મુજબ ભારતના કુલ 7.4 બિલિયન ડોલર એટલે કે 65 હજાર કરોડના એક્સપોર્ટમાં ઝીંગાનું 70 ટકાનું કોન્ટ્રિબ્યુશન છે. તેમાંથી 40 ટકા એક્સપોર્ટ અમેરિકા મોકલવામાં આવે છે. હાલ અમેરિકા દ્વારા 50 ટકા ટેરીફ લાગુ કરાતા એન્ટી ડમ્પિંગ અને કાઉન્ટર વેલિંગ ડ્યૂટી સાથે મળીને 57થી 58 ટકા સુધીનો ભાવ વધારો આવ્યો છે. શરૂઆતમાં 25 ટકાનો વધારો ખરીદદારો સ્વીકારતા હતા, પરંતુ વધારાના ટેક્સને કારણે લાંબા ગાળાના ઓર્ડર રદ થઈ રહ્યા છે. વાર્ષિક 100 કન્ટેનર જેવા કરાર પણ અટકી ગયા છે.

17થી 18 લાખ લોકોના જીવન પર સંકટ

ગુજરાત રીજીયનના પ્રમુખ કેતન સૂયાનીએ જણાવ્યું હતું કે ગુજરાતનું 300 કરોડનું એક્સપોર્ટ હાલ ઠપ્પ થઈ ગયું છે. જેની સીધી અસર માછીમારો પર આવશે. ગુજરાતમાં અંદાજે 15થી 17 લાખ લોકો સીધા માછીમારી સાથે જોડાયેલા છે, જ્યારે 6થી 7 લાખ લોકો પરોક્ષ રીતે સંકળાયેલા છે. દરિયાકાંઠે 20 હજાર મોટી ટ્રોલર બોટો અને 50 હજાર જેટલી નાની-મોટી હોળીઓ કાર્યરત છે. 3થી 3.5 હજાર માછલી ફાર્મસમાં હજારો લોકો રોજગારી મેળવે છે. આમ, કુલ મળી 17થી 18 લાખ લોકોના જીવન પર આ સંકટનો સીધો પ્રહાર થયો છે.

યુએસના ટેરીફથી ભારતીય સી-ફૂડસ એક્સપોર્ટને મોટો ફટકો

સી-ફૂડસ એક્સપોર્ટર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયાના પૂર્વ અધ્યક્ષ જગદીશ ફૉફંડીના જણાવ્યા મુજબ આંધ્રપ્રદેશ, પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં સ્ટેટ ગવર્મેન્ટ પહેલેથી જ માછીમારો અને એક્વા ફાર્મર્સ માટે રાહત યોજનાઓ લાવી ચૂકી છે. ગુજરાતના ઉદ્યોગ આગેવાનો પણ સરકારને વીજળી ડ્યુટીમાં રાહત, ટેક્સ ઘટાડો અને પૂરતું ફાઈનાન્સ આપવાની માગ કરી રહ્યા છે. આ ઉપરાંત કેન્દ્ર સરકાર કોસ્ટ ઓફ ફાયનાન્સમાં ઈન્ટ્રેસ્ટ સબમેશન જે અત્યાર સુધી આપતી હતી તે ફરી શરૂ કરે. યુએસના ટેરીફથી ભારતીય સી-ફૂડસ એક્સપોર્ટને મોટો ફટકો પડયો છે. જો રાજ્ય અને કેન્દ્ર સરકાર તાત્કાલિક પગલા નહીં ભરે તો આ સંકટમાં ગુજરાત સહિત દેશના લાખો માછીમારો અને તેમના પરિવારોને જીવન-જરૂરિયાતો પુરા કરવા ભારે સંઘર્ષ કરવો પડી શકે છે.


  • Follow us on: