અમેરિકાના રાષ્ટ્રપતિ બનતાની સાથે જ ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફનો બોમ્બ ફોડ્યો અને આખા વિશ્વમાં હાહાકાર મચાવી દીધો હતો. અમેરિકન કોર્ટે પણ તેમને આ માટે ઠપકો આપ્યો છે છતાં ટ્રમ્પ કોઈનું પણ સાંભળવા તૈયાર નથી. ડોનાલ્ડ ટ્રમ્પ દરરોજ કોઈના કોઈ કારણસર પોતાનું નિવેદન જાહેર કરે છે અને સતત ચર્ચાઓમાં આવે છે. તેમણે ભારત પર 50 ટકા ટેરિફ પણ લાદી દીધો છે તેનાથી દેશના કાપડ અને ઓટો ક્ષેત્રને ફટકો પડી રહ્યો છે. આ સાથે સોફ્ટવેર નિકાસ ઉદ્યોગ એટલે કે આઈટી ઉદ્યોગ પણ ટેરિફથી ડરી રહ્યો છે. 283 અબજ ડોલરની સીધી અસર થવાના કારણે ઉદ્યોગ ટેરિફથી ડરી રહ્યા છે.


ભારતને બેવડું નુકસાન થવાની સંભાવના

અહેવાલ મુજબ, આ ઉદ્યોગ જે પહેલાથી જ AI અને વૈશ્વિક અનિશ્ચિતતાનો સામનો કરી રહ્યો છે અને હવે ટેરિફના કારણે ચિંતામાં મુકાયો છે. આ ટેકનોલોજી આઉટસોર્સિંગ ઉદ્યોગ લગભગ 283 અબજ ડોલરનો છે જેમાં ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ, ઇન્ફોસિસ, HCL ટેક અને વિપ્રો જેવી કંપનીઓનો સમાવેશ થાય છે. જે હાલમાં તેની આવકના 60%થી વધુ યુએસમાંથી મેળવે છે. જો યુએસ સરકાર સેવાઓના નિકાસ પર ટેરિફ લાદે છે તો તેનાથી બેવડા કરવેરા થઈ શકે છે કારણ કે ભારતીય સોફ્ટવેર સેવા પ્રદાતાઓ પહેલાથી જ યુએસમાં ભારે કર ચૂકવે છે અને જો વિઝા નિયમો વધુ કડક બનાવવામાં આવે છે તો યુએસ અથવા નજીકના સ્થળોએ જમાવટનો ખર્ચ પણ ઝડપથી વધી શકે છે.

ટ્રમ્પનું વલણ ઠંડુ પડ્યું

અત્યાર સુધી અમેરિકાની સરકારે આવી કોઈ યોજના કે વિચારનો સત્તાવાર રીતે ખુલાસો કર્યો નથી. યુએસ રાષ્ટ્રપતિના વેપાર અને ઉત્પાદન બાબતોના વરિષ્ઠ સલાહકાર પીટર નાવારોએ આ અઠવાડિયે સોશિયલ મીડિયા પર એક ટિપ્પણી ફરીથી પોસ્ટ કરી હતી જેના પછી ડર વધી ગયો છે કે તમામ આઉટસોર્સિંગ અને વિદેશી રિમોટ કામદારો પર ટેરિફ લાદવામાં આવી શકે છે. જોકે, એપ્રિલથી સમગ્ર વિશ્વ પર ટેરિફ લાદી રહેલા રાષ્ટ્રપતિ ટ્રમ્પ હવે ઠંડા પડી રહ્યા હોય તેવું લાગે છે. તેમણે કહ્યું હતું કે હું હંમેશા પીએમ મોદીનો મિત્ર રહીશ તેઓ એક અદ્ભુત પ્રધાનમંત્રી છે.


  • Follow us on: