દુબઈથી તેલ અવીવ જઈ રહેલી ફ્લાયદુબઈની વિમાનમાં આતંકવાદી હુમલાનો પ્રયાસ નિષ્ફળ બનાવીને 174 મુસાફરોના જીવ બચાવનાર ગુજરાતના બહાદુર પાયલોટ સ્મિત મચ્છરની બહાદુરીની દુનિયાભરમાં પ્રશંસા થઈ રહી છે. ફક્ત ભારતીયો જ નહીં વિદેશીઓ પણ સ્મિત મચ્છરના ફેન બની ગયા છે. ઘાયલ કેપ્ટન માટે દુનિયાભરના લોકો સારા થવાની પ્રાર્થના કરી રહ્યા છે. તેમની બહાદુરી બદલ સ્મિત મચ્છરનું એવોર્ડ આપી સન્માન પણ કરવાની સરકારે જાહેરાત કરી છે. આ દરમિયાન એક વિદેશી સિંગરે સ્મિત મચ્છરને અનોખી ભેટ આપી.
વિદેશી નાગરિકોને સ્મિત પર શુભેચ્છાનો વરસાદ
ફલાયદુબઈની ફલાઈટમાં હુમલા બાદ 170થી વધુ લોકોનો જીવ બચાવનાર સ્મિત મચ્છર માટે ઇઝરાયલમાં શુભેચ્છા પાઠવતા સોશિયલ મીડિયામાં મેસેજ લોકો કરી રહ્યા છે. જયારે એક વિદેશી સંગીતકારે સ્મિતને થેન્કયુ કહેવા અનોખો રસ્તો અપનાવ્યો. સ્મિત મચ્છર પર અત્યારે શુભેચ્છાનો વરસાદ થઈ રહ્યો છે. વિદેશી સિંગર ઇતાય બેન્ડા ઉપરાંત એક અન્ય નાગરિકે પણ સ્મિત મચ્છર માટે હનુમાન ચાલીસાનો પાઠ કર્યો હતો. ઇતાય બેન્ડા અને વિદેશી નાગરિકના હનુમાન ચાલીસાના પાઠ કરતો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો છે.
https://x.com/Dina_Shakti/status/2106177395552071798?
ઇતાય બેન્ડા સ્મિત મચ્છરને કર્યું સમર્પિત હિન્દી ગીત
ઇઝરાયલી-અમેરિકન સંગીતકાર ઇતાય બેન્ડાએ કેપ્ટન સ્મિત માછરનો આભાર માનવા એક હિન્દી ગીત ગાયું. ઇતાય બેન્ડાએ શાહરૂખ ખાનની જાણીતી ફિલ્મનું ગીત "તુજે મેં રબ દિખ્તા હૈ" ખાસ હિન્દીમાં શીખીને રેકોર્ડ કર્યું અને કેપ્ટન સ્મિતને સમર્પિત કર્યું છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોમાં લોકો સંગીતકારના હિન્દી ઉચ્ચારણ અને સુંદર હાવભાવના ખૂબ વખાણ કરી રહ્યા છે.
શાહરુખનું ગીત સોશિયલ મીડિયામાં ફરી વાયરલ
ઉલ્લેખનીય છે કે, આ ગીત મૂળરૂપે ગાયક રૂપ કુમાર રાઠોડે ગાયું હતું, જે વર્ષ 2008માં રિલીઝ થયેલી શાહરૂખ ખાનની ફિલ્મ 'રબ ને બના દી જોડી'નું છે. બેન્ડાએ આ ગીત કેપ્ટન માછર સાથે સમગ્ર વિશ્વના ભારતીયોને સમર્પિત કર્યું છે. સોશિયલ મીડિયા યુઝર્સે આ પ્રયાસને ખૂબ જ હૃદયસ્પર્શી ગણાવ્યો હતો અને એક યુઝરે લખ્યું, "એક ભારતીય તરીકે આટલા સુંદર હિન્દીમાં ગીત ગાવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર."
શું હતી સમગ્ર ઘટના?
30 સપ્ટેમ્બર, 2026 ના રોજ ફ્લાયદુબઈની ફ્લાઇટ FZ1073 દુબઈથી તેલ અવીવ જઈ રહી હતી, જેમાં 174 મુસાફરો સવાર હતા. ફ્લાઇટ દરમિયાન ઓમાની કો-પાયલોટે પ્લેન પર કબ્જો મેળવવાના અને આતંકવાદી કૃત્ય કરવાના ઈરાદાથી કોકપીટની અંદર કેપ્ટન સ્મિત માછર પર ક્રેશ કુહાડી (Crash Axe) વડે ગંભીર હુમલો કર્યો હતો.
કોકપીટમાં સ્મિત મચ્છર પર હુમલો
હુમલામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત અને લોહીલુહાણ થવા છતાં કેપ્ટન સ્મિતે અદ્ભુત હિંમત દર્શાવીને કોકપીટનો દરવાજો ખોલી નાખ્યો, જેથી ક્રૂ મેમ્બર્સ અને મુસાફરો અંદર આવી શક્યા. ત્યારબાદ હુમલાખોર પર કાબુ મેળવી લેવાયો હતો. વિમાનમાં મુસાફરી કરી રહેલા બે ઓફ-ડ્યુટી પાયલોટોએ વિમાનનું નિયંત્રણ સંભાળ્યું અને સાઉદી અરેબિયાના તાબુક એરપોર્ટ પર પ્લેનનું સેફ લેન્ડિંગ કરાવ્યું હતું. આ રીતે તમામ 174 મુસાફરોના જીવ બચી ગયા હતા.
ગુજરાતના ગૌરવ એવા કેપ્ટન સ્મિત મચ્છરનો પરિચય
કેપ્ટન સ્મિત માછર મૂળ ગુજરાતના રહેવાસી છે. તેઓ વિમાનન ક્ષેત્રે (Aviation Industry) આશરે 15 વર્ષનો અનુભવ ધરાવે છે અને બોઇંગ 737 વિમાન પર 9,750 કરતાં પણ વધુ કલાકના ઉડાનનો અનુભવ ધરાવે છે. ફ્લાયદુબઈમાં જોડાતા પહેલાં તેઓ સ્પાઇસજેટમાં લાઇન ટ્રેનિંગ કેપ્ટન તરીકે સેવા આપતા હતા અને વર્ષ 2022 માં ફ્લાયદુબઈમાં જોડાયા હતા.
રિયલ હીરો...સ્મિત મચ્છર
ઘટના બાદ તેમની સાઉદી અરેબિયા અને ત્યારબાદ અબુ ધાબી ખાતે સારવાર કરવામાં આવી હતી. ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કેપ્ટન સ્મિતની અપ્રતિમ હિંમતની સરાહના કરતાં તેમને "રિયલ હીરો" ગણાવ્યા હતા. આ સાથે જ ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ પણ કેપ્ટન સ્મિત માછરની બહાદુરીના વખાણ કરતા કહ્યું હતું કે તેમના સાહસથી એક બહુ મોટી દુર્ઘટના ટળી ગઈ છે.