લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (LIC) ની લેખિત ફરિયાદના આધારે કેન્દ્રીય તપાસ એજન્સી (CBI) એ રિલાયન્સ કેપિટલ લિમિટેડ અને તેના પૂર્વ ચેરમેન અનિલ ડી. અંબાણી સામે આકરા પગલાં ભરીને એફઆઈઆર નોંધી છે. વર્ષ 2012 થી 2018 ના સમયગાળા દરમિયાન એલઆઈસી દ્વારા રિલાયન્સ કેપિટલમાં રૂ. 3,900 કરોડનું વિશાળ રોકાણ કરવામાં આવ્યું હતું.

એલઆઈસીના રોકાણમાં કરોડોની ગેરરીતિ

સીબીઆઈની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે રિલાયન્સ કેપિટલના તત્કાલીન મેનેજમેન્ટે ખોટી અને તથ્યવિહીન રજૂઆતો કરીને એલઆઈસીને આ રોકાણ કરવા માટે પ્રેરિત કરી હતી. આગળ જતાં આ રોકાણમાંથી એલઆઈસીને રૂ. 2,684.57 કરોડનું મોટું નાણાકીય નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે, જે જાહેર નાણાંની ગંભીર ગેરરીતિ દર્શાવે છે.આ હાઇ-પ્રોફાઇલ કેસમાં સીબીઆઈએ માત્ર અનિલ અંબાણી જ નહીં પરંતુ ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર સતીશ સેઠ, કેટલાક અજાણ્યા સરકારી કર્મચારીઓ અને અન્ય ખાનગી વ્યક્તિઓ સામે પણ છેતરપિંડી, ક્રિમિનલ બ્રીચ ઓફ ટ્રસ્ટ અને હિસાબી ગોટાળાની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે.

ખોટી રજૂઆતો કરી રોકાણ કરાવ્યાનો સીબીઆઈ કેસમાં દાવો

તપાસ એજન્સી હવે એલઆઈસી તરફથી મળેલા રોકાણના નાણાં ક્યાં અને કેવી રીતે ડાયવર્ટ કરવામાં આવ્યા હતા તેની મની ટ્રેલ શોધી રહી છે. નોંધનીય છે કે રિલાયન્સ ગ્રુપની વિવિધ કંપનીઓ સામે સીબીઆઈ દ્વારા અગાઉ પણ 8 એફઆઈઆર નોંધવામાં આવેલી છે, ત્યારે આ નવી એફઆઈઆર સાથે સીબીઆઈએ સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: Kheda: હર્ષ સંઘવીનો ડાઉન-ટુ-અર્થ અંદાજ; નેનપુર ચોકડી ખાતે કાર્યકરો સાથે માણી ચા-ભજીયાની લિજ્જત