હજારો ઘર ખરીદનારાઓ સાથે છેતરપિંડી કરવામાં મોટા બિલ્ડરો અને બેન્કો વચ્ચે કથિત મિલીભગતની તપાસ માટે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI)ની ટીમે અનેક શહેરોમાં દરોડા પાડ્યા છે. હાલમાં આ દરોડા મુંબઈ, કોલકાતા અને બેંગલુરુમાં પાડવામાં આવી રહ્યા છે. CBIએ ઘર ખરીદનારાઓ સામે મોટાપાયે છેતરપિંડીનો આરોપ લગાવતા 3 શહેરોમાં 6 કેસ નોંધ્યા છે અને 12 સ્થળોએ દરોડા પાડ્યા છે.
તપાસ એજન્સી દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહીનો હેતુ બિલ્ડરો અને નાણાકીય સંસ્થાઓ (બેંકો)ના અધિકારીઓ વચ્ચેની મિલીભગતની તપાસ કરવાનો છે. મુંબઈ, કોલકાતા અને બેંગલુરુમાં CBI દ્વારા જે 6 બિલ્ડર પર દરોડા પાડવામાં આવી રહ્યા છે, તેમાં બેંગલુરુમાં નોંધાયેલી 3 કંપનીઓ (ઇથાકા એસ્ટેટ પ્રાઇવેટ લિમિટેડ, LGCL અર્બન હોમ્સ (ઈન્ડિયા) અને ઓઝોન અર્બના ઈન્ફ્રા ડેવલપર્સ પ્રાઇવેટ લિમિટેડ)નો સમાવેશ થાય છે. આ ઉપરાંત મુંબઈમાં નોંધાયેલી શાસ્વતી રિયલ્ટી પ્રાઈવેટ લિમિટેડ (બેંગલુરુમાં પ્રોજેક્ટ), કોલકાતામાં નોંધાયેલી MKHS હાઉસિંગ LLP અને મુંબઈની Acme Realities Private Limited છે.
છેતરપિંડીના ભોગ બનેલા લોકો સુપ્રીમ કોર્ટ પહોંચ્યા
દેશભરમાં હજારો ઘર ખરીદનારાઓ બિલ્ડરોની છેતરપિંડીનો ભોગ બન્યા છે. તેમણે માત્ર પોતાના મહેનતના પૈસા જ નથી ગુમાવ્યા પણ બેન્કો તરફથી કડક વસૂલાતની કાર્યવાહીનો પણ સામનો કરવો પડ્યો છે. આનાથી નિરાશ થઈને ઘણા ખરીદદારોએ સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે શોધી કાઢ્યું કે બિલ્ડરો અને બેન્કોએ "સબવેન્શન સ્કીમ" નામની યોજના દ્વારા લોકોને છેતરવા માટે સાંઠગાંઠ કરી હતી. આ વર્ષના એપ્રિલમાં કોર્ટે સીબીઆઈને આ કેસની તપાસ કરવાનો આદેશ આપ્યો હતો. ત્યારબાદ સીબીઆઈએ સાત પ્રારંભિક તપાસ શરૂ કરી, જેમાંથી છ દિલ્હી-એનસીઆરમાં બિલ્ડરો સામે હતી.
સુપ્રીમ કોર્ટે છેતરપિંડી પર કડક નિર્દેશો જાહેર કર્યા
સુપ્રીમ કોર્ટના નિર્દેશો બાદ સીબીઆઈએ પહેલાથી જ 22 કેસ નોંધ્યા હતા, જેની હાલમાં તપાસ ચાલી રહી છે. હવે દિલ્હી-એનસીઆરની બહારના બિલ્ડરો સાથે સંકળાયેલી સાતમી તપાસ પૂર્ણ થયા પછી સીબીઆઈએ સુપ્રીમ કોર્ટમાં પોતાનો અહેવાલ રજૂ કર્યો અને અહેવાલની સમીક્ષા કર્યા પછી કોર્ટે 6 નવા કેસ નોંધવાનો આદેશ આપ્યો. આ આદેશ પર કાર્યવાહી કરતા CBIએ શનિવારે મુંબઈ, કોલકાતા અને બેંગલુરુમાં અનેક બિલ્ડરો અને અજાણ્યા બેન્ક અધિકારીઓ સામે 6 કેસ નોંધ્યા હતા અને 12 સ્થળોએ દરોડા પાડ્યા હતા. આ દરોડા દરમિયાન અનેક મહત્વપૂર્ણ દસ્તાવેજો અને ઈલેક્ટ્રોનિક પુરાવા જપ્ત કરવામાં આવ્યા છે.