સરકારે CBSEના અધ્યક્ષ અને સચિવને તેમના પદ પરથી હટાવી દીધા છે અને સમગ્ર મામલાની તપાસ માટે એક સમિતિની રચના કરી છે. આ સમિતિની અધ્યક્ષતા નિવૃત્ત IAS અધિકારી એસ. રાધા ચૌહાણ કરશે. શિક્ષણ ક્ષેત્રમાં તેમના લાંબા અનુભવને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા તેમના પર વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે. હાલમાં તેઓ કેન્દ્ર સરકારના કેપેસિટી બિલ્ડિંગ કમિશનની અધ્યક્ષ તરીકે કાર્યરત છે. જરૂર પડ્યે આ સમિતિ અન્ય વિભાગોના અધિકારીઓની મદદ પણ લઈ શકશે. સમિતિએ એક મહિનાની અંદર પોતાની રિપોર્ટ સોંપવાની રહેશે.
કોણ છે રાધા ચૌહાણ?
રાધા ચૌહાણ 1988 બેચના ઉત્તર પ્રદેશ કેડરનાં IAS અધિકારી છે. તેઓ 30 જૂન, 2025ના રોજ કાર્મિક અને તાલીમ વિભાગ (DoPT)ના સચિવ પદેથી નિવૃત્ત થયા હતા. તેમની કાર્યશૈલી અને અનુભવને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે તેમને કેપેસિટી બિલ્ડિંગ કમિશનના અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા હતા. રાધા ચૌહાણ કાયદાના સ્નાતક (Law Graduate) છે અને IAS બન્યા બાદ તેમણે અનેક મહત્વપૂર્ણ જવાબદારીઓ સંભાળી છે.
નોઇડા સાથે પણ છે ખાસ સંબંધ
તેમની લાંબી કારકિર્દીમાં રાધા ચૌહાણે શિક્ષણ, આરોગ્ય, ગ્રામ વિકાસ, મહિલા અને બાળ વિકાસ, શહેરી વિકાસ તેમજ કૌશલ્ય વિકાસ જેવા ક્ષેત્રોમાં કામ કર્યું છે. તેઓ ગાઝિયાબાદના કમિશનર, નોઇડા ઓથોરિટીના CEO, ગ્રેટર નોઇડાના ડેપ્યુટી CEO તેમજ બુલંદશહેર, પીલીભીત, આગ્રા અને મેરઠમાં એડિશનલ કમિશનર અને જિલ્લા કલેક્ટર (DM) તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે.
2011થી 2015 દરમિયાન તેમણે માનવ સંસાધન વિકાસ મંત્રાલયમાં સ્કૂલ શિક્ષણ અને સાક્ષરતા વિભાગમાં જૉઇન્ટ સેક્રેટરી તરીકે કામ કર્યું હતું. ત્યારબાદ તેઓ નેશનલ ઇ-ગવર્નન્સ ડિવિઝન (NeGD)ના અધ્યક્ષ અને CEO પણ રહ્યા હતા.
OSM વિવાદ બાદ સરકારનો નિર્ણય
તાજેતરમાં CBSEની OSM સિસ્ટમને લઈને વિદ્યાર્થીઓ અને વાલીઓએ અનેક સવાલો ઉઠાવ્યા હતા. કેટલાક વિદ્યાર્થીઓનું માનવું હતું કે આ સિસ્ટમના કારણે તેમને બોર્ડ પરીક્ષામાં અપેક્ષિત ગુણ મળ્યા નથી. મામલો વધુ ચર્ચામાં આવતા કેન્દ્ર સરકારે હસ્તક્ષેપ કર્યો હતો. પરિણામે CBSEના તત્કાલીન અધ્યક્ષ રાહુલ સિંહ અને સચિવ હિમાંશુ ગુપ્તાની બદલી કરવામાં આવી હતી અને નિષ્પક્ષ તપાસ માટે એસ. રાધા ચૌહાણની અધ્યક્ષતામાં સમિતિ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.