સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી (CCPA) એ ઈ-કોમર્સ દિગ્ગજ એમેઝોન સેલર સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડ પર ₹1 લાખનો દંડ ફટકાર્યો છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની સત્તાવાર પરવાનગી લીધા વિના પ્લેટફોર્મ પર "શ્રી રામ મંદિર અયોધ્યા પ્રસાદ" ના નામે સામાન્ય મીઠાઈઓ વેચવા બદલ આ કડક કાર્યવાહી કરવામાં આવી છે.
ભ્રામક દાવાઓ અને ધાર્મિક લાગણીઓ સાથે રમત
આ સમગ્ર મામલો જાન્યુઆરી 2024 માં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન સામે આવ્યો હતો. પ્લેટફોર્મ પર 'બિહાર બ્રધર્સ' બ્રાન્ડ હેઠળ ઘીના લાડુ, ખોયા લાડુ, બુંદીના લાડુ અને પેડા જેવી સામાન્ય મીઠાઈઓ સૂચિબદ્ધ કરવામાં આવી હતી. આ ઉત્પાદનો પર ધાર્મિક છબીઓ અને "શ્રી રામ જન્મભૂમિ મંદિર અયોધ્યાના આશીર્વાદ" જેવા દાવો કરવામાં આવ્યા હતા. CCPA ના જણાવ્યા અનુસાર, ટ્રસ્ટની પરવાનગી વગર આ પ્રકારના દાવા કરવા તે ભ્રામક વેપાર પ્રથા (Misleading Trade Practice) છે અને તેનાથી લાખો ભક્તોની ધાર્મિક લાગણીઓ દુભાઈ છે.
https://www.instagram.com/reel/DcQZkvWiM4N/?utm_source=ig_web_button_share_sheet
એમેઝોનની દલીલ ફગાવી, 15 દિવસમાં દંડ ભરવા આદેશ
તપાસ દરમિયાન એમેઝોને પોતે માત્ર એક 'મધ્યસ્થી' (Intermediary) હોવાનો દાવો કરીને જવાબદારીમાંથી છટકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ CCPA એ આ દલીલ ફગાવી દઈને ઈ-કોમર્સ પ્લેટફોર્મને સીધું જવાબદાર ઠેરવ્યું છે. ઓથોરિટીએ એમેઝોનને નિર્દેશ આપ્યો છે કે યોગ્ય ચકાસણી કે પરવાનગી વગર પ્રસાદ, મહાપ્રસાદ અથવા ભોગના નામે વેચાતા તમામ ઉત્પાદનોનું લિસ્ટિંગ તાત્કાલિક બંધ કરવામાં આવે. ઉપરાંત, ફટકારવામાં આવેલો ₹1 લાખનો દંડ 15 દિવસની અંદર ચૂકવવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે.
CAIT ની ફરિયાદ બાદ કાર્યવાહી
આ મામલે કોન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ (CAIT) દ્વારા સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી હતી. CAIT એ CCPA ના આ કડક નિર્ણયનું સ્વાગત કર્યું છે અને તેને શ્રદ્ધાના નામે થતી છેતરપિંડી સામે એક મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે લાંબા સંઘર્ષ બાદ અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ થયું. જયારે મંદિરનું ઉદ્ઘાટન થયું ત્યારે દેશભરમાં ઉજવણીનો માહોલ હતો. રામ મંદિરના નામે કથિત રીતે પ્રસાદનું વેચાણ કરી એમેઝોન કંપનીએ લોકોની આસ્થાને ઠેસ પંહોચાડી છે.
આ પણ વાંચો : Bihar: ઓપન સ્કૂલના ડેપ્યુટી ડાયરેક્ટરના ઘરે EOUના દરોડા, 3.43 કરોડની બેનામી સંપત્તિ મળી