2027ની વસ્તી ગણતરીનો પ્રથમ તબક્કો આજથી, 17 ઓગસ્ટ 2026 થી શરૂ થઈ ગયો છે. શરૂઆતના તબક્કામાં આ પ્રક્રિયા લદ્દાખ, જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના પહાડી તથા ઊંચાઈવાળા બરફાચ્છાદિત વિસ્તારોમાં હાથ ધરવામાં આવી રહી છે. 17 ઓગસ્ટથી 31 ઓગસ્ટ દરમિયાન ચાલનારી આ સ્વ-ગણતરી પ્રક્રિયા સંપૂર્ણપણે પેપરલેસ છે, જેમાં નાગરિકો મોબાઇલ એપ્લિકેશન દ્વારા ડિજિટલી પોતાના જવાબો નોંધી શકે છે. દેશના બાકીના ભાગોમાં વસ્તી ગણતરીની આ કામગીરી ફેબ્રુઆરી મહિનામાં શરૂ થશે.
40 મહત્વપૂર્ણ પ્રશ્નોની યાદી બહાર પાડી
આ વખતની વસ્તી ગણતરીમાં સરકારે 40 મહત્વપૂર્ણ પ્રશ્નોની યાદી બહાર પાડી છે. આ પ્રક્રિયાનો સૌથી મુખ્ય અને ઐતિહાસિક ભાગ એ છે કે સ્વતંત્રતા પછી પહેલી વાર વસ્તી ગણતરીમાં જાતિ વિશેની માહિતી પણ પૂછવામાં આવી રહી છે. 1 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર દરમિયાન સરકારી કર્મચારીઓ દ્વારા ઘર-ઘર જઈને આ માહિતી એકત્રિત કરવામાં આવશે, જો કે લોકો ઈચ્છે તો અગાઉથી જ ડિજિટલ માધ્યમથી પોતાના જવાબો જાતે દાખલ કરી શકે છે. આ પ્રશ્નાવલીમાં વસ્તી વિષયક ડેટા, વ્યવસાય, આર્થિક સ્થિતિ, કૌટુંબિક વિગતો અને ખાસ કરીને અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ તેમજ અન્ય જાતિઓની વિગતો આવરી લેવામાં આવી છે.
