કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. સપ્ટેમ્બર 2026નો પગાર અને પેન્શન 25 સપ્ટેમ્બર 2026, શુક્રવારે ચૂકવવામાં આવી શકે છે. નાણાં મંત્રાલય તરફથી બુધવારે આપવામાં આવેલી માહિતી મુજબ આ ચુકવણીને આગોતરી ચુકવણી ગણવામાં આવશે.
ઓક્ટોબરના પગારમાં થઈ શકે સમાયોજન
જો વાસ્તવિક પગાર, વેતન અથવા પેન્શન નક્કી થયા બાદ કોઈ પ્રકારનું સમાયોજન જરૂરી બનશે, તો તેની અસર ઓક્ટોબર 2026ના પગાર અથવા વેતનમાં કરવામાં આવશે. આ વ્યવસ્થા સંરક્ષણ, ટપાલ, દૂરસંચાર સહિતના તમામ કેન્દ્રીય સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સ માટે લાગુ પડશે.
બેંક હડતાળને કારણે લેવાયો નિર્ણય
28થી 30 સપ્ટેમ્બર 2026 દરમિયાન દેશવ્યાપી 3 દિવસની બેંક હડતાળનું એલાન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત 26 અને 27 સપ્ટેમ્બરે સપ્તાહાંત હોવાથી સતત અનેક દિવસો સુધી બેંકિંગ સેવાઓ પર અસર થવાની શક્યતા છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને પગાર અને પેન્શનની ચુકવણી વહેલી કરવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
27 સપ્ટેમ્બરે બેંકો ચાલુ રાખવાના નિર્દેશ
બેંકિંગ સેવાઓ પર લાંબી અસર ન પડે તે માટે સરકાર દ્વારા બેંકોને 27 સપ્ટેમ્બર, રવિવારે પણ સામાન્ય રીતે કામ કરવાની સૂચના આપવામાં આવી છે. જોકે 28થી 30 સપ્ટેમ્બરની પ્રસ્તાવિત હડતાળ યથાવત રાખવામાં આવી છે.
બેંક કર્મચારીઓની 5 દિવસના કામકાજની માંગ
બેંક યુનિયનોની મુખ્ય માંગ અઠવાડિયામાં 5 દિવસનું બેંકિંગ કામકાજ લાગુ કરવાની છે. હાલ બીજા અને ચોથા શનિવારે રજા હોય છે. યુનિયનો તમામ શનિવારે રજા આપવાની માંગ કરી રહી છે. આ મુદ્દે સરકાર અને ઇન્ડિયન બેંક્સ એસોસિએશન વચ્ચેની સમાધાન બેઠક પણ નિષ્પ્રભ રહી હતી.
હડતાળથી કઈ સેવાઓને અસર થઈ શકે?
હડતાળ દરમિયાન સરકારી બેંકોની શાખાઓમાં રોકડ જમા કરાવવી, રોકડ ઉપાડવી, પાસબુક અપડેટ, ચેક ક્લિયરિંગ અને અન્ય શાખા આધારિત સેવાઓ પ્રભાવિત થઈ શકે છે. જોકે ઇન્ટરનેટ બેંકિંગ, મોબાઇલ બેંકિંગ અને એટીએમ જેવી ડિજિટલ સેવાઓ સામાન્ય રીતે ચાલુ રહેવાની શક્યતા છે.
કર્મચારીઓ માટે સૌથી મહત્વની તારીખ
જો 25 સપ્ટેમ્બરે પગાર અને પેન્શનની આગોતરી ચુકવણી થાય છે, તો કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સને સતત રજાઓ અને બેંક હડતાળ શરૂ થાય તે પહેલાં જ સપ્ટેમ્બર મહિનાની ચુકવણી મળી શકે છે.
આ પણ વાંચો : Sandesh Digital Explainer : બે મહાશક્તિઓની થશે મુલાકાત, અમેરિકા-ચીન નજીક આવ્યા તો ભારત માટે શું બદલાશે?