મધ્ય પ્રદેશમાં ખાંસીની દવા લીધા પછી બાળકોના મોતની ઘટનાએ ચિંતા જગાવી છે. આ ઘટનાને પગલે હવે કેન્દ્રીય સરકાર પણ પગલાં લેવાની તૈયારીમાં છે. દેશભરમાં દવાઓની ગુણવત્તા અને નિયંત્રણને વધારવા માટે નવી કાયદાકીય વ્યવસ્થા અમલમાં લાવવામાં આવી રહી છે. નોંધનીય છે કે વર્ષ 1940થી અત્યાર સુધી દવાઓ સંબંધિત કાયદામાં કોઇ મહત્વનો ફેરફાર કરવામાં આવ્યો નથી.
મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં ઝેરી કફ સિરપ લીધા પછી બાળકોના મોતના કેસ બાદ દેશભરમાં ચકચાર મચી ગઈ છે. જો કે, જેમણે આ દવા બાળકોને આપી હતી એ ડોક્ટર અને દવા કંપનીના માલિકને પકડવામાં આવ્યા છે. દવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. હવે કેન્દ્રીય સરકાર પણ આ મામલે મોટું પગલું ભરવાની છે. સરકાર "દવાઓ અને કોસ્મેટિક્સ"ના ગુણવત્તા નિરીક્ષણ માટે નવી કાનૂની વ્યવસ્થા લાવી શકે છે.
1940થી દવા કાયદામાં કોઈ ફેરફાર થયો નથી
હકીકતમાં, થોડા દિવસોથી મધ્ય પ્રદેશના છિંદવાડા જિલ્લામાં ખાંસીની દવા લીધા પછી અનેક બાળકોના મોત થયા છે. તપાસમાં ખુલ્યું છે કે દવામાં ડાયએથિલીન ગ્લાયકોલ (DEG) નામનું ઝેરી રાસાયણિક પદાર્થ મળેલું હતું. આ ઘટનાએ ભારતમાં દવા ઉત્પાદનમાં થઈ રહેલી બેદરકારી અને સરકારી નિયંત્રણ તંત્ર ઉપર ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. કેન્દ્રીય સરકારે જાહેરાત કરી છે કે હવે ટૂંક સમયમાં "Drugs, Medical Devices and Cosmetics Act" નામનો નવો કાયદો લાગૂ કરાશે, જે 1940ના જૂના કાયદાની જગ્યાએ આવશે.
દવાઓ માટે નવા કાયદાનું આયોજન
શું શું બદલાવ આવશે?
1. દવા ગુણવત્તા પર કડક નિયંત્રણ: હવે દરેક દવાની ખાસ કરીને કફ સિરપ અને ઇન્જેક્શન્સની જરૂરી રીતે પરીક્ષણ કરવામાં આવશે. દરેક બેચનુ ટેસ્ટિંગ ફરજિયાત હશે. જો કોઈ પણ દવામાં ઝેરી તત્વ મળ્યું તો એ દવાનું લાઇસન્સ તરત રદ થશે.
2.CDSCOની પાસે હવે વધારે અધિકાર: હવે કેન્દ્રિય ડ્રગ કંટ્રોલ સંગઠન (CDSCO)ને વધુ અધિકાર આપવામાં આવશે જેથી તરત પગલાં લઈ શકાય. નકલી, ભેળસેળ કરેલી કે બેકાર દવાઓ વેચનારા સામે તરત કાર્યવાહી થશે અને કાયદા મુજબ જેલ અને દંડ થશે.
3. લાયસન્સ પ્રક્રિયા સંપૂર્ણ રીતે ડિજીટલ બનશે: પહેલાં લાઇસન્સની પ્રક્રિયામાં વિલંબ થતો અને કાગળપત્રોની જટિલતા હતી. હવે આખી પ્રક્રિયા ઓનલાઈન થવાના કારણે પારદર્શિતા વધશે અને ભ્રષ્ટાચાર ઘટશે.