NTA (નેશનલ ટેસ્ટિંગ એજન્સી) દ્વારા આયોજિત NEET પરીક્ષાના પેપર લીકનો મુદ્દો દેશભરમાં ગાજી રહ્યો છે, ત્યારે જ એજન્સીની કમાણીને લઈને એક ચોંકાવનારો અહેવાલ સામે આવ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા સંસદમાં રજૂ કરવામાં આવેલા ડેટા અનુસાર, દેશની મુખ્ય પ્રવેશ પરીક્ષાઓ યોજતી NTAની આવક છેલ્લાં પાંચ વર્ષમાં બમણાથી પણ વધુ વધી ગઈ છે.
NTAની આવક બમણી સંસદમાં રજૂ કરાયા કમાણીના આંકડા
કેન્દ્રીય રાજ્ય મંત્રી સુકાંત મજુમદારે રાજ્યસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં આ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે: આવકમાં મોટો ઉછાળો થયો છે. નાણાકીય વર્ષ 2019-20માં NTAની કુલ આવક ₹504.16 કરોડ હતી, જે વધીને 2023-24માં ₹1,116.84 કરોડ થઈ ગઈ છે. છેલ્લા કેટલાક વર્ષોમાં NTAમાં આવક વધી છે સાથે ખર્ચ પણ વધ્યો છે. આ જ સમયગાળા દરમિયાન એજન્સીનો ખર્ચ ₹440.20 કરોડથી વધીને ₹1,040.96 કરોડ પર પહોંચી ગયો છે. આ તમામ આંકડા NTAના સંચાલક મંડળ (Governing Body) દ્વારા મંજૂર કરાયેલા આવક-ખર્ચ ખાતા પર આધારિત છે.
કેવી રીતે વધી NTAની આવક?
સંસદના ડેટા અનુસાર, 2019-20 થી 2021-22 સુધી એજન્સીની વાર્ષિક આવક સરેરાશ ₹500 કરોડની આસપાસ જ હતી. જોકે, વર્ષ 2022માં તેમાં મોટો ઉછાળો આવ્યો અને આવક ₹900.56 કરોડ થઈ હતી, જે 2023-24માં વધીને ₹1,116 કરોડને પાર પહોંચી ગઈ હતી. આ આંકડા બતાવે છે કે NTA પરીક્ષામાંથી જબરજસ્ત કમાણી કરી રહી છે.
નાણાકીય વર્ષ આવક (કરોડોમાં) ખર્ચ (કરોડોમાં)
૨૦૧૯-૨૦ રૂ. ૫૦૪.૧૬ કરોડ રૂ. ૪૪૦.૨૦ કરોડ
૨૦૨૦-૨૧ રૂ. ૫૧૫.૧૬ કરોડ રૂ. ૪૩૬.૨૫ કરોડ
૨૦૨૧-૨૨ રૂ. ૫૦૮.૪૭ કરોડ રૂ. ૪૨૬.૫૨ કરોડ
૨૦૨૨-૨૩ રૂ. ૯૦૦.૫૬ કરોડ રૂ. ૬૮૧.૫૨ કરોડ
૨૦૨૩-૨૪ રૂ. ૧૧૬.૮૪ કરોડ રૂ. ૧૦૪૦.૯૬ કરોડ
2018થી અત્યાર સુધી 270થી વધુ પરીક્ષાઓનું આયોજન
સરકારે વધુમાં જણાવ્યું કે, વર્ષ 2018માં સ્થાપના થયા પછીથી NTA એ અત્યાર સુધી 270થી વધુ પરીક્ષાઓ યોજી છે, જેમાં કુલ 6.6 કરોડથી વધુ ઉમેદવારોએ નોંધણી કરાવી છે. ફક્ત વર્ષ 2026માં જ એજન્સી દ્વારા 12 મોટી પરીક્ષાઓ યોજવામાં આવી હતી, જેમાં 65 લાખથી વધુ વિદ્યાર્થીઓ સામેલ થયા હતા. NTAના મેનપાવર અંગે સરકારે સ્પષ્ટતા કરી કે, એજન્સી પાસે હાલ માત્ર 39 કાયમી જગ્યાઓ છે, જે તમામ ડેપ્યુટેશનથી ભરાયેલી છે. આ સિવાય કામગીરી સંભાળવા માટે 73 કોન્ટ્રાક્ટ અને 124 આઉટસોર્સ કર્મચારીઓ ટેકો આપે છે. એકતરફ NEET UG પરીક્ષામાં પેપર લીક અને ગડબડીના આક્ષેપોને કારણે દેશભરના વિદ્યાર્થીઓ રોડ પર ઉતરીને પારદર્શિતા અને જવાબદારીની માંગ કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ કમાણીના આ આંકડાઓએ એજન્સીની કામગીરી પર વધુ સવાલો ઊભા કર્યા છે.
આ પણ વાંચો : Delhi: જંતર મંતર પર 10 હજાર લોકો, FRS કેમેરાથી બાજ નજર, 3 હજાર પોલીસ કર્મીઓ તૈનાત