કેન્દ્ર સરકારે LPG સપ્લાય વધારવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે અને તમામ રાજ્ય સરકારોને આ અંગે પત્ર લખીને જાણ કરી છે. પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયના સચિવ ડૉ. નીરજ મિત્તલે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્ય સચિવોને આ પત્ર મોકલ્યો છે. પત્રમાં જણાવવામાં આવ્યું છે કે 23 માર્ચ 2026થી આગામી સૂચના સુધી રાજ્યોને વધારાના 20 ટકા LPG ફાળવણી કરવામાં આવશે.
સરકારે વિતરણ માટે આ સૂચનાઓ આપી
આ વધારાની ફાળવણી બાદ કુલ સપ્લાય સંકટ પૂર્વના સ્તરના 50 ટકા સુધી પહોંચી જશે. સરકારે આ વધારાની ફાળવણીને પ્રાથમિકતા આધારિત વિતરણ માટે સૂચનાઓ આપી છે. આ નિર્ણય હેઠળ રેસ્ટોરન્ટ, ઢાબા, હોટલ, ઔદ્યોગિક કેન્ટીન, ખાદ્ય પ્રક્રિયા એકમો અને ડેરી ઉદ્યોગોને LPG ઉપલબ્ધ કરાવવામાં આવશે. ઉપરાંત રાજ્ય સરકારો અથવા સ્થાનિક સંસ્થાઓ દ્વારા ચલાવવામાં આવતી સબસિડાઈઝ્ડ કેન્ટીન, કોમ્યુનિટી કિચન અને જાહેર ભોજન કેન્દ્રોને પણ ગેસ ફાળવણી આપવામાં આવશે.
