હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લામાંથી એક હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. ચુરાહ સબડિવિઝન અંતર્ગત આવતા નાકરોડ-હિમગિરી રોડ પર એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો છે, જેમાં એક અલ્ટો કાર અનિયંત્રિત થઈને સીધી બૈરા સુલ નદીમાં ખાબકતા ચાર વ્યક્તિઓના ઘટનાસ્થળે જ દુઃખદ અવસાન થયા છે. આ ઘટનાને પગલે સમગ્ર ટિકરીગઢ પંચાયતમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.

ચંબામાં અકસ્માતનો કાળો કેર

પ્રાપ્ત માહિતી અનુસાર, કાર (રજીસ્ટ્રેશન નંબર HP 44A 0494) માં સવાર ચાર લોકો મુસાફરી કરી રહ્યા હતા. ગઈકાલે મોડી રાત્રે અંધારામાં પહાડી રસ્તા પર વળાંક લેતી વખતે કાર પરથી ચાલકનો કાબૂ છૂટી ગયો હતો, જેના પરિણામે કાર રોડ પરથી નીચે ફેંકાઈને બૈરા સુલ નદીમાં જઈને પડી હતી. અકસ્માત રાત્રિના સમયે થયો હોવાથી કોઈને તરત જ જાણ થઈ શકી નહોતી. રવિવારે સવારે જ્યારે સ્થાનિક લોકો નદી કિનારેથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે તેમને નદીમાં વાહનનો કાટમાળ દેખાયો હતો. આ દ્રશ્ય જોઈને તેમણે તત્કાળ તીસા પોલીસ સ્ટેશનને આ ઘટનાની જાણ કરી હતી.

https://twitter.com/GemsHimachal/status/2070841294185025777

પોલીસ ટીમ અને વહીવટી અધિકારીઓ પહોંચ્યા ઘટના સ્થળે

માહિતી મળતા જ તીસા પોલીસની ટીમ, વહીવટી અધિકારીઓ અને ફાયર બ્રિગેડના જવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. નદીનો પ્રવાહ અત્યંત તેજ હોવાથી બચાવ અને રાહત કામગીરીમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. પોલીસ અને સ્થાનિક પ્રશાસન દ્વારા અત્યારે નદીમાંથી મૃતદેહોને બહાર કાઢવા માટે ભારે જહેમત ઉઠાવવામાં આવી રહી છે.

મૃતકો ટિકરીગઢ ગ્રામ પંચાયતના રહેવાસી

શરૂઆતી તપાસમાં સામે આવ્યું છે કે મૃતકો ટિકરીગઢ ગ્રામ પંચાયતના રહેવાસી હતા. જોકે, તેમના નામ અને ઓળખ અંગેની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી રહી છે. પોલીસ હવે મૃતકોના પરિવારોનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહી છે. આ ઘટનાએ પહાડી રસ્તાઓ પર રાત્રિના સમયે ડ્રાઇવિંગ કરતી વખતે કેટલી સાવધાની રાખવી જરૂરી છે, તેની ગંભીરતાને પુનઃ પ્રસ્થાપિત કરી છે. વહીવટીતંત્ર દ્વારા નદીમાંથી મૃતદેહો બહાર કાઢ્યા બાદ પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. સમગ્ર વિસ્તારમાં આ ઘટનાને લઈને ગમગીની છવાઈ ગઈ છે અને સ્થાનિક લોકોમાં આઘાતની લાગણી જોવા મળી રહી છે.

આ પણ વાંચોઃ PM મોદીની મન કી બાતઃ સમુદ્રથી આકાશ સુધી ભારત સુરક્ષિત, સોના પેટ્રોલ પર દેખાઇ રહી છે અપીલની અસર