આજે વર્ષનું બીજું અને અંતિમ ચંદ્ર ગ્રહણ શરૂ થઈ ચૂક્યું છે. આ એક પૂર્ણ ચંદ્ર ગ્રહણ છે, જે કુંભ રાશિ અને પૂર્વાભાદ્રપદ નક્ષત્રમાં લાગ્યું છે. આ ગ્રહણનો એક ખાસ દુર્લભ સંયોગ એ છે કે, લગભગ 122 વર્ષ બાદ ચંદ્ર ગ્રહણ અને પિતૃ પક્ષની શરૂઆત એક જ સમયે થઈ રહી છે. આ ગ્રહણ ભારતના ઘણા શહેરોમાં જોવા મળી રહ્યું છે, જેના કારણે જ્યોતિષીય દ્રષ્ટિએ તેનું વિશેષ મહત્વ છે. જ્યોતિષશાસ્ત્ર મુજબ, ગ્રહણના સમયે સગર્ભા સ્ત્રીઓ અને બાળકોને ઘરની બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવે છે.
ચંદ્રગ્રહણને નરી આંખે જોઈ શકાય
વૈજ્ઞાનિકોના મતે, ચંદ્રગ્રહણને નરી આંખે જોઈ શકાય છે. તેને જોવા માટે કોઈ ખાસ પ્રોટેક્ટિવ ગ્લાસ કે ફિલ્ટરની જરૂર પડતી નથી. જોકે, ગ્રહણ દરમિયાન કોઈ પણ તેજસ્વી વસ્તુ કે પ્રકાશ તરફ સીધું જોવાનું ટાળવું જોઈએ. સૂર્યગ્રહણ દરમિયાન સોલર રેડિયેશન આંખોના નાજુક ટિશ્યુને નુકસાન પહોંચાડી શકે છે, પરંતુ ચંદ્રગ્રહણમાં આવો કોઈ ખતરો હોતો નથી.
સૂતકકાળ દરમિયાન ધાર્મિક કાર્યોનું મહત્વ
ગ્રહણના સૂતકકાળ દરમિયાન ધાર્મિક કાર્યો કરવાનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. જો તમે ગ્રહણ દરમિયાન જાગતા હોવ, તો ભજન, કીર્તન અને મંત્ર જાપ કરવાનું સૂચન કરાયું છે. ભગવાન વિષ્ણુના મંત્ર 'ઓમ નમો ભગવતે વાસુદેવાય' અથવા ભગવાન શિવના મંત્ર 'ઓમ નમ: શિવાય'નો જાપ કરવાથી લાભ થાય છે. ગ્રહણકાળ દરમિયાન કોઈ પણ શુભ કાર્ય કે પૂજા ન કરવી જોઈએ, પરંતુ મંત્રજાપ અને ધ્યાન કરી શકાય છે.
ચંદ્રગ્રહણમાં આ 5 મંત્રોનો જાપ ખૂબ શુભ માનવામાં આવે છે
- ૐ ત્ર્યંબકં યજામહે સુગંધિં પુષ્ટિવર્ધનમ્। ઉર્વારુકમિવ બંધનાન્મૃત્યોર્મુક્ષીય મામૃતાત્।
- ૐ શ્રાં શ્રીં શ્રૌંઃ સઃ ચંદ્રમસે નમઃ।
- ૐ જયંતી મંગલા કાળી ભદ્રકાલી કપાલિની। દુર્ગા ક્ષમા શિવા ધાર્ત્રી સ્વાહા સ્વધા નમોસ્તુતે।।
- શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવઃ।
- ૐ નમો ભગવતે રુદ્રાયઃ।
પિતૃ પક્ષની શરૂઆત અને શ્રદ્ધાળુઓનો ધસારો
ચંદ્ર ગ્રહણના સૂતકકાળની સાથે જ પિતૃ પક્ષની પણ શરૂઆત થઈ છે, જેના કારણે પ્રયાગરાજ જેવા પવિત્ર સ્થળોએ શ્રદ્ધાળુઓની સંખ્યામાં વધારો થયો છે. સૂતકકાળ દરમિયાન પણ લોકો સંગમ ઘાટ પર સ્નાન કરવા આવી રહ્યા છે. જોકે, ગંગા નદીનું જળસ્તર વધેલું હોવાથી લોકો સંગમ ઘાટના બદલે કિનારાના ભાગે સ્નાન કરીને પરત ફરી રહ્યા છે. જે પરિવારો પિતૃ પક્ષમાં શ્રાદ્ધ અને પિંડદાન કરવા ગયા જઈ રહ્યા છે, તેઓ પણ પહેલા પ્રયાગરાજમાં ગંગા સ્નાનથી શ્રાદ્ધકર્મની શરૂઆત કરી રહ્યા છે.