સામાન્ય રીતે ટ્રેનની ટિકિટ બુક કરવામાં ટ્રેન શોધવી, સીટની ઉપલબ્ધતા તપાસવી, મુસાફરની વિગતો દાખલ કરવી અને ચુકવણી (પેમેન્ટ) કરવી જેવી પ્રક્રિયાઓનો સમાવેશ થાય છે. જોકે, સોશિયલ મીડિયા પર સામે આવેલા એક વીડિયોમાં દાવો કરવામાં આવ્યો છે કે AI આ સમગ્ર પ્રક્રિયાનો મોટો હિસ્સો જાતે જ સંભાળી શકે છે. આ વીડિયોમાં, AI આસિસ્ટન્ટે મુંબઈથી રાજકોટની ટ્રેન શોધવાથી લઈને IRCTC બુકિંગ પ્રક્રિયા પૂર્ણ કરવા સુધીના અનેક પગલાં સ્વતંત્ર રીતે પાર પાડ્યા હતા. જોકે, પેમેન્ટનું છેલ્લુ સ્ટેપ યૂઝર્સે જ કરવાનું હતું.
ChatGPT Astra શું છે?
ChatGPT Astra જેને GPT 6 Astra તરીકે પણ ઓળખવામાં આવે છે . તે OpenAIનું એક નવું AI મોડેલ છે, જેને કમ્પ્યુટર પર જટિલ કાર્યો અને બહુ-તબક્કાની પ્રવૃત્તિઓ સંભાળવા માટે તૈયાર કરવામાં આવ્યું છે. તે વેબ બ્રાઉઝિંગ, કોડિંગ, સંશોધન અને અન્ય વિવિધ કાર્યોમાં મદદ કરી શકે છે. આ જ કારણ છે કે મંથન જેઠવાણીના ડેમોન્સ્ટ્રેશનમાં, Astraએ પોતાની જાતને માત્ર ટ્રેનની માહિતી આપવા સુધી મર્યાદિત રાખી ન હતી. વીડિયો અનુસાર, તેણે બ્રાઉઝર દ્વારા IRCTC પર ટ્રેન શોધી અને બુકિંગ પ્રક્રિયાના વિવિધ તબક્કાઓ પૂર્ણ કર્યા.
AIએ મુંબઈ-રાજકોટ ટ્રેન શોધી
કન્ટેન્ટ ક્રિએટર મંથન જેઠવાણીએ Instagram પર એક વીડિયો શેર કર્યો જેમાં તેમણે ChatGPT Astraને મુંબઈથી રાજકોટની ટ્રેન શોધવાનું કહ્યું. મુસાફરીની તારીખ 20 સપ્ટેમ્બર નક્કી કરવામાં આવી હતી અને રાત્રે 9 થી 11 વાગ્યાની વચ્ચે ઉપડતી ટ્રેનને પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું. જેમા બે મુસાફરો માટે AC ક્લાસની ટ્રેનની માંગ કરવામાં આવી હતી.
https://www.instagram.com/reel/DdDsFelg4bb/?utm_source=ig_web_button_share_sheet
વીડિયોમાં બતાવ્યા મુજબ, AIએ બ્રાઉઝર દ્વારા IRCTC બુકિંગ પ્રક્રિયા શરૂ કરી. તેણે પહેલા પ્રસ્થાન અને ગંતવ્ય સ્ટેશનની વિગતો દાખલ કરી. ત્યારબાદ મુસાફરીની તારીખ પસંદ કરી અને સમય તથા ક્લાસને અનુરૂપ ટ્રેનો શોધી. AI દ્વારા મળેલા વિકલ્પોમાં સીટો 'વેઇટિંગ લિસ્ટ'માં હોવાનું જણાયું હતું. ત્યારબાદ તેણે મંથનને પૂછ્યું કે તેઓ કેવી રીતે આગળ વધવા માંગે છે. મંથને તેને બીજા દિવસની ટ્રેન તપાસવાની સૂચના આપી. પરિણામે, AIએ અન્ય વિકલ્પો શોધવાનું ચાલુ રાખ્યું અને બુકિંગ પ્રક્રિયાને આગળ વધારી. વીડિયોમાં AI દ્વારા જરૂરી વિગતો ભરવાની પ્રક્રિયા પણ દર્શાવવામાં આવી હતી. બુકિંગ પૂર્ણ કરવા માટે માત્ર ચુકવણી (પેમેન્ટ) બાકી હતી.
યૂઝર્સે પૂછ્યું: AI બીજું શું કરી શકે છે?
સોશિયલ મીડિયા પર આ ડેમોને મિશ્ર પ્રતિસાદ મળ્યો. કેટલાક યૂઝર્સ AIના વધતા ઉપયોગ વિશે રમૂજી ટિપ્પણીઓ કરી, જ્યારે અન્ય લોકોએ પ્રશ્ન કર્યો કે તે રોજિંદા જીવનમાં કેટલું ઉપયોગી સાબિત થશે. ChatGPTએ પણ વીડિયો પર ટિપ્પણી કરી. "આસ્ટ્રા, ફરી મળીશું અને તમારી યાત્રા સુખદ રહે મંથન." એક યુઝરે મજાકમાં લખ્યું, "જો તમે દિવાળી માટે બિહારની ટિકિટ બુક કરી શકો તો હું માની જવું, બાકી મને આમાંની કોઈ વાત પર વિશ્વાસ નથી."
શું ખરેખર ટિકિટ બુક થઈ હતી, કે પછી માત્ર પ્રક્રિયાનું નિદર્શન (ડેમો) કરવામાં આવ્યું હતું?
આ વીડિયો અંગે એક મહત્વની બાબત નોંધવા જેવી છે. ડેમોમાં, AIએ IRCTC પર ટ્રેન શોધી અને બુકિંગ પ્રક્રિયાના કેટલાક તબક્કા પૂર્ણ કર્યા, પરંતુ પેમેન્ટ (ચુકવણી) યુઝરે જાતે કરવું પડ્યું હતું. તેથી, AI દ્વારા સંપૂર્ણપણે ટિકિટ બુક કરવાને બદલે, બુકિંગ પ્રક્રિયાના નોંધપાત્ર હિસ્સાનું સંચાલન કરતા AIના ડેમો તરીકે આનું વર્ણન કરવું વધુ સચોટ રહેશે. 'તત્કાલ' (તાત્કાલિક) ટ્રેન બુકિંગ જેવી પરિસ્થિતિઓ AI માટે અલગ પડકાર ઊભો કરી શકે છે, કારણ કે તેમાં મર્યાદિત સમયગાળામાં સીટની ઉપલબ્ધતા તપાસવી અને ઝડપથી પેમેન્ટની પ્રક્રિયા કરવી જરૂરી હોય છે. તેમ છતાં મંથન જેઠવાણીના ડેમોએ સફળતાપૂર્વક દર્શાવ્યું કે AI આસિસ્ટન્ટ યુઝરની સૂચનાઓના આધારે બ્રાઉઝર પર બહુ-તબક્કાવાર કાર્યો કરી શકે છે.