બિહાર અને પૂર્વાંચલના સૌથી મોટા લોકપર્વ છઠ મહાપર્વની આજથી એટલે કે 13 November થી નહાઈ-ખાઈ સાથે ભક્તિભાવપૂર્વક શરૂઆત થઈ રહી છે, જે 16 November એ ઉષા અર્ઘ્ય અને પારણા સાથે સંપન્ન થશે. આ તહેવાર માત્ર ધાર્મિક આસ્થાનું પ્રતીક નથી, પરંતુ રોજગાર અર્થે દેશના ખૂણેખૂણે વસેલા લાખો લોકો માટે પોતાના વતન અને પરિવાર સાથે મિલનનો ભાવનાત્મક અવસર છે. પરિણામે, દિલ્હી, મુંબઈ, પુણે, બેંગલુરુ, ચેન્નાઈ અને સુરત જેવા મહાનગરોમાંથી બિહાર તરફ જતા મુસાફરોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે.

રેલવેમાં ભારે ભીડ અને ધસારો

ઘરે પહોંચવાની તીવ્ર ઈચ્છાને કારણે રેલવે, બસ અને હવાઈ સેવાઓ પર અભૂતપૂર્વ દબાણ સર્જાયું છે. બિહાર તરફ જતી લગભગ તમામ નિયમિત ટ્રેનોમાં 'નો રૂમ' જેવી સ્થિતિ છે અને વેઇટિંગ લિસ્ટ એટલું લાંબુ છે કે ટિકિટ કન્ફર્મ થવી અશક્ય બની છે. સુરતના ઉધના સ્ટેશન પરથી બિહારના જયનગર જવા માટે એક જ દિવસમાં 37,698 ટિકિટોનું વેચાણ થયું હતું, જે મુસાફરોની ભીડ અને વતન જવાની તલપ દર્શાવે છે.

રેલવેમાં ભીડ તો હવાઇ મુસાફરીના ભાડા આસમાને

મુસાફરોની સુવિધા માટે ભારતીય રેલવેએ કમર કસી છે. પૂર્વ મધ્ય રેલવે દ્વારા 103 જોડી અને દક્ષિણ મધ્ય રેલવે દ્વારા November માસમાં આશરે 400 જેટલી વિશેષ ટ્રેનો દોડાવવામાં આવી રહી છે, જે પટના, દરભંગા, છાપરા, મુઝફ્ફરપુર, ગોરખપુર અને પ્રયાગરાજ જેવા શહેરોને જોડશે. આ ઉપરાંત, દિલ્હીના આનંદ વિહાર અને મુઝફ્ફરપુર વચ્ચે (ટ્રેન નં. 05281 / 05282) તેમજ રામનગર-પાટલીપુત્ર (ટ્રેન નં. 05080 / 05079) વચ્ચે પણ વધારાની ટ્રેનોની વ્યવસ્થા કરાઈ છે, જેથી તહેવાર બાદ મુસાફરોને પરત ફરવામાં પણ સરળતા રહે. બીજી તરફ, દિલ્હી અને બિહાર સરકારે સંયુક્ત રીતે 77 ખાસ આંતરરાજ્ય બસો પણ શરૂ કરી છે.

લોકો ટ્રેનોને બદલે હવે હવાઇમુસાફરી કરી પહોંચ્યા વતન

ટ્રેનોમાં જગ્યા ન મળતા ઘણા મુસાફરોએ હવાઈ માર્ગ અપનાવ્યો છે, જેના કારણે ફ્લાઇટ ભાડામાં તોતિંગ ઉછાળો આવ્યો છે. પટના જતી વિવિધ ફ્લાઇટ્સના ભાડા ₹44,000 ને વટાવી ગયા છે. દિલ્હીથી પટનાની નોન-સ્ટોપ ફ્લાઇટનું લઘુત્તમ ભાડું ₹15,367 અને મહત્તમ ભાડું ₹30,385 સુધી પહોંચી ગયું છે. આમ, મોંઘી ટિકિટો અને ભીડની મુશ્કેલીઓ છતાં, છઠ મૈયા પ્રત્યેની અતૂટ શ્રદ્ધા લોકોને પોતાના વતન તરફ ખેંચી રહી છે.

આ પણ વાંચોઃ Weather Update: કાશ્મીર-હિમાચલમાં બરફ વર્ષા સાથે વીજળી પડવાની શક્યતાઓ, તો દિલ્હી-યુપીમાં ઠંડીમાં થશે વધારો