અરજીમાં કહેવાયુ છે કે, આ ક્ષેત્રો સગીર યુવતીઓની સંગઠિત તસ્કરી, બળજબરીથી મજૂરી માટે છુપાયેલા આશ્રયસ્થાનો બન્યા છે.

સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ

ઓર્કેસ્ટ્રા, ડાન્સ ગ્રુપ, મસાજ પાર્લર અને સ્પામાં બાળકો અને કિશોરોના રોજગાર અને દુરુપયોગને પડકારતી અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે. અરજીની સુનાવણી કરતા, સુપ્રીમ કોર્ટે સોમવારે કેન્દ્ર સરકાર, બાળ અધિકાર સંગઠન NCPCR અને રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગને નોટિસ ફટકારી, તેમના જવાબો માંગ્યા છે.

નોટિસ ફટકારી માગ્યો જવાબ

મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત અને ન્યાયાધીશ જોયમલ્યા બાગચી અને વિપુલ એમ. પંચોલીની બનેલી બેન્ચે બાળ અધિકાર જૂથ જસ્ટ રાઈટ્સ ફોર ચિલ્ડ્રન એલાયન્સનું પ્રતિનિધિત્વ કરતા વરિષ્ઠ વકીલ એચ.એસ. ફૂલકાની દલીલો પર વિચાર કર્યો અને કેન્દ્રીય શ્રમ અને કાયદો અને ન્યાય મંત્રાલયોને પણ નોટિસ ફટકારી છે. ફૂલકાએ દલીલ કરી હતી કે, 10 અને 11 વર્ષની નાની છોકરીઓને ઓર્કેસ્ટ્રા અને ડાન્સ બારમાં નોકરી પર રાખવામાં આવી રહી છે.

NCPCR-NHRCને પણ નોટિસ

પરિસ્થિતિને ગંભીર ગણાવતા, ત્રણ ન્યાયાધીશોની બેન્ચે અરજી પર રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ અને રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગને પણ નોટિસ જારી કરી હતી. અરજીમાં એવી પણ માંગ કરવામાં આવી હતી કે, કેન્દ્ર સરકારને બાળ અને કિશોર મજૂરી અધિનિયમ, 1986ની કલમ 4 હેઠળ તેની સત્તાઓનો ઉપયોગ કરવા માટે આદેશ અથવા યોગ્ય નિર્દેશ ફટકારવામાં આવે, જેથી ઓર્કેસ્ટ્રા, નૃત્ય જૂથો, ડાન્સ બાર, નૌટંકી, મસાજ પાર્લર, સ્પા અને સલુન્સ, અથવા આવા કોઈપણ સ્થળે કામ કરતા અથવા પ્રદર્શન કરતા 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને CALPRAના શેડ્યૂલના ભાગ Aમાં સામેલ કરી શકાય. જેનાથી આવા રોજગાર પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવામાં આવે.

બંગાળ અને બિહારમાં વધુ શોષણ

અરજીમાં માર્ચ 2025થી મે 2026 દરમિયાન હાથ ધરવામાં આવેલા બચાવ કામગીરીનો ડેટા આપવામાં આવ્યો છે. જેમાં જણાવાયું છે કે, બિહાર અને પશ્ચિમ બંગાળમાં ઓર્કેસ્ટ્રા અને નૃત્ય જૂથોમાંથી 212 સગીરોને બચાવી લેવાયા હતા. તેવી જ રીતે, દિલ્હી અને રાજસ્થાનમાં મસાજ પાર્લર અને સ્પામાંથી 12 સગીરોને બચાવી લેવામાં આવ્યા હતા. કેટલાક પીડિતો 12 વર્ષના હતા. વાસ્તવમાં, આમાંના ઘણા સગીરોને 10 હજારથી 50 હજાર સુધીની રકમમાં ઓપરેટરોને વેચી દેવાયા હતા.

આ પણ વાંચોઃ US Iran Nuclear Deal થયા બાદ હવે સંપૂર્ણપણે હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા અંગે જોવાઇ રહી છે રાહ