કોકરોચ જનતા પાર્ટી (CJP)ના ત્રણ મોટા નેતાઓ અભિજીત દીપકે, સૌરભ દાસ અને આશુતોષ રાંકાની મુશ્કેલીઓ વધી છે. ત્રણેય નેતાઓ વિરુદ્ધ લુકઆઉટ નોટિસ જાહેર કરવામાં આવી છે.

મુંબઈના શિવાજી પાર્કમાં પરવાનગી વિના વિરોધ પ્રદર્શન કરવા બદલ આ કાર્યવાહી કરવામાં આવી છે. લુકઆઉટ નોટિસ જાહેર થયા બાદ ત્રણેય નેતાઓના દેશ છોડવા પર હાલ પ્રતિબંધ લાગ્યો છે.

ઇન્ડિયા ટુડેના અહેવાલ અનુસાર, મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ 2 ઓક્ટોબરે મુંબઈના શિવાજી પાર્કમાં પરવાનગી વિના કરવામાં આવેલા વિરોધ પ્રદર્શનના કેસમાં આ લુકઆઉટ સર્ક્યુલર જાહેર કરવામાં આવ્યું છે.

દીપકે અને રાંકાની સામે લુકઆઉટ નોટિસ જાહેર થયાના સમાચાર એવા સમયે સામે આવ્યા છે, જ્યારે ગુરુવારે દિલ્હી હાઈકોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે સૌરભ દાસ વિરુદ્ધ પણ લુકઆઉટ સર્ક્યુલર જાહેર કરવામાં આવ્યું છે.

લુકઆઉટ સર્ક્યુલર (LOC) એક પ્રકારનું એલર્ટ છે, જે ભારતીય ઇમિગ્રેશન ચેકપોઇન્ટ્સ, આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, બંદરો અને સરહદો પર મોકલવામાં આવે છે. કોઈ વ્યક્તિના નામે આ સર્ક્યુલર જાહેર થાય તો તેના આધારે તેની વિદેશ યાત્રા પર રોક લગાવી શકાય છે.

2 ઓક્ટોબરે શું થયું હતું?

CJPના નેતાઓએ મુંબઈ પોલીસે પરવાનગી ન આપ્યા છતાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ શિવાજી પાર્કમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. પ્રદર્શન બાદ CJPના નેતાઓએ મુંબઈ પોલીસની પ્રશંસા કરી હતી અને દિલ્હી પોલીસ પર કટાક્ષ કરતાં કહ્યું હતું કે તેમણે મુંબઈ પોલીસ પાસેથી શીખવું જોઈએ.

જોકે, ત્યારબાદ મુંબઈ પોલીસે પ્રદર્શનના આયોજકો અને 400થી 500 અજાણ્યા પ્રદર્શનકારીઓ વિરુદ્ધ FIR નોંધી હતી. પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 189 અને 223 હેઠળ કેસ દાખલ કર્યો હતો. હવે આ જ કેસના સંબંધમાં લુકઆઉટ સર્ક્યુલર જાહેર કરવામાં આવ્યું હોવાની માહિતી સામે આવી છે.

આ પણ વાંચો:આઝાદી બાદ સંવિધાન માત્ર સરકાર ચલાવવાની ગાઇડબુક બની ગયું...- ગૃહમંત્રી અમિત શાહનું નિવેદન