દિલ્હીમાં કોકરોચ જનતા પાર્ટી (CJP)ના નેતા અભિજીત દીપકે (Abhijit Dipke), આશુતોષ રાંકા (Ashutosh Ranka) અને સૌરવ દાસ (Saurav Das)ને રવિવારે કેન્ટ પોલીસ સ્ટેશનમાં કાર્યકારી મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ ત્રણેયને મુક્ત કરવામાં આવ્યા હતા. તેમની મુક્તિ બાદ CJP તરફથી પ્રતિક્રિયા આપવામાં આવી છે. પાર્ટીના પ્રવક્તા આશુતોષ રાંકાએ જણાવ્યું કે, આજે બપોરે 2 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવશે. ત્યારબાદ આગળની રણનીતિ નક્કી કરવામાં આવશે.

CJPના ત્રણેય નેતાઓને શનિવારે મુંબઈથી દિલ્હી પહોંચ્યા બાદ વિમાનની અંદરથી જ ધરપકડ કરવામાં આવી હતી. હવે તેમની મુક્તિ બાદ એવી શક્યતા છે કે પાર્ટી પોતાના આંદોલનને આગળ વધારવા માટે નવી રણનીતિ ઘડશે.

https://x.com/CJP_for_India/status/2109159780489335042?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2109159780489335042%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=

ત્રણેય નેતાઓ જંતર-મંતર પરના વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવા આવી રહ્યા હતા

ઉલ્લેખનીય છે કે શનિવારે CJP સહિત અનેક સંગઠનો અને રાજકીય પક્ષોએ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગ સાથે જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન કરવાની જાહેરાત કરી હતી. ત્રણેય નેતાઓ સવારે વિમાન મારફતે દિલ્હી પહોંચ્યા કે તરત જ દિલ્હી પોલીસે વિમાનની અંદરથી તેમની ધરપકડ કરી હતી. ત્રણેય નેતાઓએ પોલીસની આ કાર્યવાહીનો વિરોધ પણ કર્યો હતો.

પોલીસે કોઈપણ પ્રદર્શનકારીને જંતર-મંતર સુધી પહોંચવા દીધા નહોતા. આખો દિવસ દિલ્હીના અલગ-અલગ વિસ્તારોમાં પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ જોવા મળ્યું હતું.

આજે મોટા આંદોલનની જાહેરાત થઈ શકે છે

CJPના નેતાઓની મુક્તિ બાદ હવે સરકાર પર દબાણ વધારવા માટે ફરી એકવાર આંદોલનની જાહેરાત થઈ શકે છે. આ આંદોલનમાં અન્ય સંગઠનો પણ જોડાય તેવી શક્યતા છે.

શનિવારે દિલ્હી પોલીસે હજારો લોકોને અટકાયતમાં લીધા હતા. યુવાનો અને વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. સ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે અનેક સ્થળોએ બળપ્રયોગ પણ કરવો પડ્યો હતો.

મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગને લઈને વિરોધ સતત વધી રહ્યો છે. વિપક્ષી INDIA ગઠબંધન પણ સરકાર પર દબાણ વધારી રહ્યું છે. સોમવારે INDIA ગઠબંધને પણ રસ્તા પર ઉતરીને વિરોધ કરવાની હાકલ કરી છે. આ ઉપરાંત વિપક્ષી સાંસદો ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) સાથે પણ મુલાકાત કરશે.