ચૂંટણી પંચ અને SIR પ્રક્રિયા અંગે વધી રહેલા સવાલો વચ્ચે, 'કોકરોચ જનતા પાર્ટી' (CJP) ના સંયોજક અભિજીત દીપકેએ એક એવી જાહેરાત કરી છે જે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર માટે વધુ મુશ્કેલીઓ ઊભી કરી શકે છે.

સીજેપીએ વિરોધની ઉચ્ચારી ચીમકી 

શુક્રવારે (25 સપ્ટેમ્બર) તેમણે 'X' પર લખ્યું, "જો જ્ઞાનેશ કુમાર આવતીકાલ સુધીમાં રાજીનામું નહીં આપે, તો CJP 2 ઓક્ટોબરે મુંબઈથી દેશવ્યાપી વિરોધ પ્રદર્શન શરૂ કરશે. આ આંદોલન ભારતભરના શહેરોમાં વિસ્તારવામાં આવશે. ચાલો આ ગાંધી જયંતિએ લોકશાહીને બચાવવાનો સંકલ્પ કરીએ."

48 કલાકનું આપ્યું છે અલ્ટીમેટમ 

આ પહેલાં ગુરુવારે (24 સપ્ટેમ્બર) અભિજીત દીપકે અને તેમના સાથીદારો સૌરવ દાસ તથા આશુતોષ રંકાએ પત્રકાર પરિષદ યોજીને 48 કલાકનું અલ્ટીમેટમ આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, "અમે ત્રણ માંગણીઓ રજૂ કરી રહ્યા છીએ. પ્રથમ, જ્ઞાનેશ કુમારે રાજીનામું આપવું જોઈએ અને તેમની સામે ફોજદારી કાર્યવાહી શરૂ થવી જોઈએ. બીજું, SIR પ્રક્રિયા અટકાવવી જોઈએ અને જાન્યુઆરી 2025ની મતદાર યાદી પુનઃસ્થાપિત કરવી જોઈએ. ત્રીજું, 2023નો કાયદો રદ કરવો જોઈએ અને ચૂંટણી પંચમાં સુધારા લાગુ કરવા જોઈએ."

અભિજીત દીપકેની આ જાહેરાત મહત્વપૂર્ણ છે કારણ કે અગાઉ દિલ્હીના જંતર-મંતર ખાતે NEET પેપર લીક વિરુદ્ધ CJPના વિરોધ પ્રદર્શન બાદ શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને રાજીનામું આપવાની ફરજ પડી હતી. તે સમયે સરકારે વાતચીતની પહેલ પણ કરી હતી.

https://twitter.com/Cockroachisback/status/2103119434743455764

SIR પ્રક્રિયા અંગેના અહેવાલથી ખળભળાટ 

ચૂંટણી પંચ અને SIR પ્રક્રિયા અંગે 'ધ ઈન્ડિયન એક્સપ્રેસ'ના અહેવાલ બાદ બુધવારે (23 સપ્ટેમ્બર) એક નવો વિવાદ સર્જાયો હતો. અહેવાલમાં દાવો કરવામાં આવ્યો હતો કે ત્રણ ચૂંટણી કમિશનરોમાંથી બે કમિશનરોએ SIR પ્રક્રિયા દરમિયાન વારંવાર વાંધાઓ ઉઠાવ્યા હતા. ચૂંટણી પંચની અંદરના આ આંતરિક મતભેદના સમાચારથી રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચી ગયો હતો.

વિપક્ષી પક્ષો પહેલેથી જ SIR પ્રક્રિયા પર સવાલો ઉઠાવી રહ્યા હતા, પરંતુ આ નવા ખુલાસાઓએ તેમને મુદ્દો ઉઠાવવા માટે એક મોટી તક પૂરી પાડી છે. કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, DMK અને TMC સહિતના વિપક્ષી પક્ષોએ મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારને તેમના પદ પરથી હટાવવાની માંગ કરી છે. આ ઉપરાંત, સુપ્રીમ કોર્ટને આ બાબતની 'સુઓ મોટો' નોંધ લેવા માટે વિનંતી કરવામાં આવી છે.

https://twitter.com/ANI/status/2103381171216470507

જ્ઞાનેશ કુમારને લઇને કોંગ્રેસનો પણ વિરોધ 

આજે કોંગ્રેસ જ્ઞાનેશ કુમારના વિરોધમાં દેશભરમાં ચૂંટણી પંચની કચેરીઓ સુધી કૂચનું આયોજન કરી રહી છે. ગુરુવારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ એક પત્રકાર પરિષદ યોજી હતી, જેમાં તેમણે જ્ઞાનેશ કુમાર અને ભાજપ બંને પર નિશાન સાધ્યું હતું. વિપક્ષી પક્ષો પણ જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ મહાભિયોગનો પ્રસ્તાવ લાવવાની તૈયારી કરી રહ્યા છે.