દિલ્હીના જંતર-મંતર ખાતે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગને લઇને યોજાયેલા વિરોધ પ્રદર્શનને વિપક્ષોનો મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. આમ આદમી પાર્ટી (AAP) અને ડાબેરી પક્ષોએ આ પ્રદર્શનમાં જોડાવાની જાહેરાત કરી છે, જ્યારે કોંગ્રેસે તેનાથી અંતર જાળવ્યું છે. બીજી તરફ, તૃણમૂલ કોંગ્રેસ (TMC)ની ભાગીદારી અંગે પણ શુક્રવાર રાત સુધી સ્થિતિ સ્પષ્ટ થઈ ન હતી.

દિલ્હીમાં આ વિરોધ પ્રદર્શન કોંકરોચ જનતા પાર્ટી (CJP)ના નેતૃત્વમાં યોજાઇ રહ્યું છે. આ વિરોધ પ્રદર્શનને સીધી અથવા આડકતરી રીતે દરેક વિપક્ષનો સહકાર મળ્યો છે, જો કે અભિજીત દીપકેને સમર્થન આપવા બાબતે કોંગ્રેસની સ્થિતિ સ્પષ્ટ નથી. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી દિલ્હી જવાને બદલે ચેન્નાઈમાં ‘છાત્રોં કી ગૂંજ’ કાર્યક્રમની આગામી આવૃત્તિમાં ભાગ લેશે.

પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જીએ દિલ્હી પહોંચતાં પહેલાં પત્રકારો સાથે વાત કરતાં કહ્યું હતું કે તેઓ 10 ઑક્ટોબરે જંતર-મંતર ખાતે યોજાનારા પ્રદર્શનમાં ભાગ લઈ શકે છે, પરંતુ હજુ સુધી તેની પુષ્ટિ કરી શકાય તેમ નથી.

તેમણે કહ્યું, “અમે CJPના સંપર્કમાં છીએ અને તેમને સમર્થન આપ્યું છે. પ્રદર્શનમાં અમારી ભાગીદારી અંગેનો અંતિમ નિર્ણય પછી લેવામાં આવશે.”

અગાઉ ડાબેરી પક્ષો, મમતા બેનર્જીની TMC અને આમ આદમી પાર્ટીએ NEET-UGની પરીક્ષાનું પેપર લીક થવાના મામલે CJPના નેતૃત્વમાં થયેલા વિદ્યાર્થી આંદોલનને સમર્થન આપ્યું હતું અને તેમાં ભાગ પણ લીધો હતો. આ આંદોલન બાદ ધર્મેન્દ્ર પ્રધાને શિક્ષણમંત્રીના પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું.

પરિવાર સાથે પ્રદર્શનમાં જોડાશે અરવિંદ કેજરીવાલ

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે જંતર-મંતર ખાતે યોજાનારા પ્રદર્શનમાં પોતાના પરિવાર સાથે ભાગ લેવાની જાહેરાત કરી છે.

કેજરીવાલે દેશના લોકોને મોટી સંખ્યામાં જંતર-મંતર પહોંચવાની અપીલ કરતાં કહ્યું, “હું દેશના તમામ લોકોને અપીલ કરું છું કે તેઓ વધુમાં વધુ સંખ્યામાં જંતર-મંતર પહોંચે. આ કોઈ એક વ્યક્તિ કે રાજકીય પક્ષનો મુદ્દો નથી, પરંતુ દેશનો મુદ્દો છે. શનિવારે જંતર-મંતર ખાતે પ્રદર્શન શરૂ થશે. હું ત્યાં હાજર રહીશ અને મારો આખો પરિવાર પણ મારી સાથે આવશે. સૌએ ત્યાં પહોંચવું જોઈએ.”

કોંગ્રેસે પ્રદર્શનથી અંતર જાળવ્યું, રાહુલ ગાંધી ચેન્નાઈમાં રહેશે

CJPના આ પ્રદર્શનથી કોંગ્રેસે અંતર જાળવ્યું છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી શનિવારે ચેન્નાઈમાં ‘છાત્રોં કી ગૂંજ’ કાર્યક્રમની આગામી આવૃત્તિમાં ભાગ લેશે.

પ્રદર્શન પરનાં નિયંત્રણો સામે સુપ્રીમ કોર્ટમાં અરજી

પ્રદર્શન પહેલાં શુક્રવારે માકપા (CPM)ના મહાસચિવ એમ.એ. બેબીએ પ્રદર્શન પર લાદવામાં આવેલા નિયંત્રણોને પડકારતી અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી હતી.

બીજી તરફ, તૃણમૂલ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા સાકેત ગોખલેએ દિલ્હી હાઈકોર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયાધીશને પત્ર લખીને ટ્રેનોની સેવાઓ રદ કરવા અને મેટ્રો સ્ટેશનો બંધ કરવાના મામલે કોર્ટને પોતાની રીતે નોંધ લેવા વિનંતી કરી હતી.

ગોખલેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ પત્ર શેર કરીને CJP અને સ્વતંત્ર તથા નિષ્પક્ષ ચૂંટણીની માગણી કરતા નાગરિકોને સંપૂર્ણ સમર્થન આપ્યું હતું. TMCના રાજ્યસભાના સાંસદ ડેરેક ઓ’બ્રાયને પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને CJPના પ્રદર્શનને સમર્થન આપ્યું હતું.

ડાબેરી પક્ષો CPM, CPI, CPI(ML)L, RSP અને ઓલ ઇન્ડિયા ફોરવર્ડ બ્લોકે સંયુક્ત નિવેદન જાહેર કરીને કહ્યું હતું કે શાંતિપૂર્ણ રીતે એકત્ર થવાનો અને વિરોધ પ્રદર્શન કરવાનો અધિકાર એ નાગરિકોનો મૂળભૂત અધિકાર છે.

એમ.એ. બેબીએ મીડિયાને કહ્યું, “અમે પહેલેથી પ્રદર્શનોમાં ભાગ લેતા રહ્યા છીએ. આવતીકાલે પણ આ જ રીતે ચાલુ રહેશે.”

તેમણે સ્પષ્ટ કર્યું હતું કે ડાબેરી પક્ષો મોટી સંખ્યામાં આ પ્રદર્શનમાં ભાગ લેશે.