દિલ્હીના જંતર-મંતરથી સંસદ માર્ચ દરમિયાન થયેલા પ્રદર્શનમાં ભારે હોબાળો જોવા મળ્યો હતો. ‘કૉકરોચ જનતા પાર્ટી’ના બેનર હેઠળ કરવામાં આવેલા આ પ્રદર્શન દરમિયાન સ્થિતિ બેકાબૂ બનતા પોલીસે પ્રદર્શનકારીઓને કાબૂમાં લેવા માટે લાઠીચાર્જ કર્યો હતો અને ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા હતા.

અનેક પ્રદર્શનકારીઓને પોલીસે કસ્ટડીમાં લીધા

પોલીસની કાર્યવાહી બાદ કેટલાક પ્રદર્શનકારીઓએ પથ્થરમારો શરૂ કર્યો હતો. આ ઘટનામાં દિલ્હી પોલીસ અને અન્ય સુરક્ષા દળોના 50થી વધુ જવાનો ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે. પોલીસે કાર્યવાહી કરીને અનેક પ્રદર્શનકારીઓને કસ્ટડીમાં લીધા છે. ઘટના બાદ દિલ્હી પોલીસે સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. મળતી માહિતી મુજબ, તોડફોડ, સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડવા અને સુરક્ષાકર્મીઓ પર હુમલાને લઈને અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં FIR નોંધવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી રહી છે.

સરકારી ગાડીઓ અને મિલકતને નુકસાન પહોંચાડવામાં આવ્યું

પોલીસ હવે પ્રદર્શન દરમિયાન હિંસા કરનારા લોકોની ઓળખ કરી રહી છે. આ માટે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયો અને સ્થાનિક CCTV ફૂટેજની મદદ લેવામાં આવી રહી છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, તોડફોડ દરમિયાન કેટલીક સરકારી ગાડીઓ અને અન્ય સંપત્તિને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. પોલીસનું કહેવું છે કે શાંતિપૂર્ણ પ્રદર્શનની મંજૂરી હોવા છતાં કેટલાક લોકો દ્વારા કાયદો હાથમાં લેવામાં આવ્યો હતો. સુરક્ષા દળો પર હુમલો અને જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. હાલ સમગ્ર ઘટનાની તપાસ ચાલી રહી છે.

આ પણ વાંચો : દિલ્હી-NCRથી લઈને બિહાર-બંગાળમાં ભારે વરસાદની આગાહી, UP-હિમાચલમાં રેડ એલર્ટ