પેપર લીકના વિરોધમાં જંતર-મંતર ખાતે થયેલા પ્રદર્શન દરમિયાન નોંધાયેલા કેસોને લઈને દિલ્હી સરકારે મોટો નિર્ણય લીધો છે. સરકારે નક્કી કર્યું છે કે આ પ્રદર્શનમાં સામેલ થયેલા લોકો સામે કોઈપણ પ્રકારની પ્રતિકૂળ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે નહીં. જોકે, આ રાહત એવા લોકોને લાગુ નહીં પડે જેમનો પહેલાથી કોઈ ગુનાહિત ઈતિહાસ છે. આ મામલે સુપ્રીમ કોર્ટના નિર્દેશોનું પાલન કરવામાં આવશે.

કેસોની સમીક્ષા કરવામાં આવશે

દિલ્હી સરકારે જણાવ્યું છે કે જો પ્રદર્શન દરમિયાન કોઈ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હોય અથવા તેને કસ્ટડીમાં લેવામાં આવ્યો હોય તો તેના કેસોની સમીક્ષા કરવામાં આવશે. યોગ્ય પ્રક્રિયા બાદ તેમને ઝડપથી મુક્ત કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવશે. સરકારનું કહેવું છે કે પ્રદર્શનમાં સામેલ સામાન્ય લોકો સામે આગળ કોઈ નવી કાર્યવાહી કરવાનો તેનો ઈરાદો નથી અને આ કેસોને બંધ ગણવામાં આવશે.

આ દરમિયાન જંતર-મંતર ખાતે આ મુદ્દે યુથ કોંગ્રેસના કાર્યકરોએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કર્યું હતું. મોટી સંખ્યામાં કાર્યકરો એકત્ર થયા હતા અને કેન્દ્ર સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. પોલીસે પ્રદર્શનકારીઓને નિયંત્રિત કરવા માટે બેરિકેડિંગ કરી હતી. 

કોંગ્રેસના નેતાઓએ ગૃહમંત્રીના રાજીનામાની માગ કરી હતી

પ્રદર્શન દરમિયાન યુથ કોંગ્રેસના નેતાઓએ ગૃહમંત્રીના રાજીનામાની માગ કરી હતી અને કેન્દ્ર સરકાર પર અનેક આક્ષેપો લગાવ્યા હતા. તેમનો આરોપ છે કે પેપર લીક મુદ્દે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ સામે પોલીસે બળપ્રયોગ કર્યો હતો અને કેટલાક વિદ્યાર્થીઓને ઈજા પહોંચી હતી. યુથ કોંગ્રેસે વિદ્યાર્થીઓના સમર્થનમાં અવાજ ઉઠાવતા સમગ્ર મામલે જવાબદારો સામે કાર્યવાહી કરવાની માગ કરી છે. બીજી તરફ, દિલ્હી સરકારના નિર્ણયથી આ કેસોમાં સામેલ ઘણા પ્રદર્શનકારીઓને રાહત મળવાની શક્યતા છે.

આ પણ વાંચો : Weather Update: હવામાન વિભાગે કરી ભયંકર આગાહી, ભારે વરસાદને લઈને આપ્યું અહીં રેડ એલર્ટ