દિલ્હીમાં કોકરોચ જનતા પાર્ટી (CJP)ના વિરોધ પ્રદર્શનને પગલે સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે. આ દરમિયાન ગુરુગ્રામમાં રહેતા યુટ્યુબર ધ્રુવ રાઠીને દિલ્હી પોલીસે તેમના ઘરેથી કસ્ટડીમાં લીધા હોવાના અહેવાલ સામે આવ્યા છે. માહિતી અનુસાર, સવારે લગભગ 8 વાગ્યે ગુરુગ્રામના સેક્ટર-56 સ્થિત તેમના ઘરેથી તેમને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. ધ્રુવ રાઠી આજે CJPના વિરોધ પ્રદર્શનમાં સામેલ થવાના હતા. તેઓ સતત આ પ્રદર્શનને સમર્થન આપી રહ્યા હતા.
બીજી તરફ, દિલ્હીમાં જંતર-મંતર તરફ જઈ રહેલા અનેક પ્રદર્શનકારીઓને પણ પોલીસે અલગ-અલગ સ્થળોએથી અટકાવ્યા છે. પ્રદર્શનને ધ્યાનમાં રાખીને જંતર-મંતર અને તેની આસપાસના વિસ્તારોમાં બેરિકેડિંગ વધારી દેવામાં આવ્યું છે.
જામિયાના વિદ્યાર્થીઓ સહિત 150 પ્રદર્શનકારીઓની અટકાયત
દિલ્હી પોલીસે સંસદ માર્ગ વિસ્તારમાંથી જંતર-મંતર તરફ જઈ રહેલા અનેક પ્રદર્શનકારીઓને અટકાયતમાં લીધા હતા. આ ઉપરાંત કનોટ પ્લેસ (સીપી) વિસ્તારમાંથી પણ કેટલાક પ્રદર્શનકારીઓને પકડવામાં આવ્યા હતા. અટકાયતમાં લેવાયેલા લોકોને બસોમાં બેસાડવામાં આવ્યા હતા.
https://x.com/ANI/status/2108778096002507209?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2108778096002507209%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=
આ પહેલાં ગત રાત્રે જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટીના કેટલાક વિદ્યાર્થીઓને પણ પોલીસ દ્વારા અટકાયતમાં લેવામાં આવ્યા હતા. અહેવાલ અનુસાર, આ વિદ્યાર્થીઓને ત્યારથી જામિયા પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યા હતા.
જંતર-મંતર પર અનેક સ્તરે બેરિકેડિંગ
વિરોધ પ્રદર્શનને ધ્યાનમાં રાખીને જંતર-મંતર ખાતે અનેક સ્તરે બેરિકેડિંગ કરવામાં આવ્યું છે. જંતર-મંતર રોડ તરફ આવતા તમામ માર્ગો બંધ કરવામાં આવ્યા હોવાના અહેવાલ છે. આ વ્યવસ્થાને કારણે રાયસીના રોડ તરફથી પ્રદર્શનકારીઓ માટે પ્રવેશ મુશ્કેલ બન્યો છે.
આ ઉપરાંત મેરિડિયન, સંગરિલા અને જનપથ ગોળચક્કર પાસે પણ બેરિકેડ લગાવવામાં આવ્યા છે. સુરક્ષા વ્યવસ્થા જાળવવા માટે મહિલા પોલીસકર્મીઓને પણ તહેનાત કરવામાં આવી છે. પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં સતત નજર રાખવામાં આવી રહી છે.
દિલ્હીભરમાંથી 500 લોકોની અટકાયતનો દાવો
અહેવાલ અનુસાર, દિલ્હીના અલગ-અલગ વિસ્તારોમાંથી જુદા જુદા જૂથોમાં આવી રહેલા આશરે 500 લોકોને અટકાયતમાં લેવામાં આવ્યા છે. આ ઉપરાંત ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા હોવાની શંકા ધરાવતા 50 લોકોને ધરપકડ કરવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
https://x.com/ANI/status/2108776462232993946?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2108776462232993946%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=
સુરક્ષા વ્યવસ્થાને વધુ અસરકારક બનાવવા માટે નવી દિલ્હીને 20 ઝોનમાં વહેંચવામાં આવ્યું છે. દરેક ઝોન માટે અલગ અટકાયત કેન્દ્ર બનાવવામાં આવ્યું હોવાની માહિતી છે. આ ઉપરાંત દિલ્હીનાં વિવિધ સ્ટેડિયમનો ઉપયોગ પણ અટકાયત કેન્દ્રો તરીકે કરવામાં આવી રહ્યો હોવાના અહેવાલ છે.
વિરોધ પ્રદર્શનને પગલે સુરક્ષા વ્યવસ્થા કડક
CJPના વિરોધ પ્રદર્શનને ધ્યાનમાં રાખીને દિલ્હી પોલીસ દ્વારા અનેક વિસ્તારોમાં સુરક્ષા વધારવામાં આવી છે. જંતર-મંતર, સંસદ માર્ગ અને કનોટ પ્લેસ જેવા વિસ્તારોમાં અવરજવર પર અસર પડી શકે છે. વાહનચાલકો અને સામાન્ય નાગરિકોને મુસાફરી કરતાં પહેલાં ટ્રાફિક સંબંધિત સત્તાવાર સૂચનાઓ તપાસવાની સલાહ આપવામાં આવે છે.
આ પણ વાંચો: CJP Protest: દિલ્હીમાં CJP વિરોધ પ્રદર્શનની અસર, 30 રસ્તાઓ પર જવાનું ટાળો, Video