સરકાર કોઇ પગલું નથી ભરી રહી, સિસ્ટમમાં સુધારની માંગ યથાવતઃ રાહુલ ગાંધી

સંસદનું ચોમાસુ સત્ર સતત ત્રીજા દિવસે પણ ખોરવાઈ ગયું છે, ત્યારે NEET પેપર લીક અને વિદ્યાર્થીઓ પર થયેલા લાઠીચાર્જને લઈને રાજકારણ ગરમાયું છે. ગઇકાલે પીએમ હાઉસ બહાર વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના સાંસદોની અટકાયત કરવામાં આવી હતી, ત્યારબાદ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. તેમણે આક્ષેપ કર્યો હતો કે શાંતિપૂર્ણ પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ પર દિલ્હી પોલીસે દમન ગુજાર્યું છે.

રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે દેશની શિક્ષણ પ્રણાલી સંપૂર્ણપણે બરબાદ થઈ ગઈ છે અને છેલ્લા 10 વર્ષમાં 152 પેપર લીક થયા છે. આ કૌભાંડોના કારણે 7.5 કરોડથી વધુ ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં મુકાયું છે અને તેઓ તણાવનો ભોગ બની રહ્યા છે. આટલી મોટી સંખ્યામાં પેપર લીક થવા છતાં સરકાર દ્વારા કોઈ જવાબદારી નક્કી કરવામાં આવી નથી અને એક પણ દોષિતને સજા મળી નથી.

વિપક્ષી સાંસદો સોનમ વાંગચુકને મળશે, 50 સાંસદોનો પત્ર સોંપશે

આજે વિપક્ષી સાંસદોનું એક પ્રતિનિધિ મંડળ ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલની મુલાકાત લેશે, જ્યાં હાલ સોનમ વાંગચુક દાખલ છે. આ મુલાકાત દરમિયાન સાંસદો તેમને પોતાના મરણઘાતક ઉપવાસ સત્તાવાર રીતે સમાપ્ત કરવા માટે વિશેષ વિનંતી કરશે. આ હેતુસર તેઓ 50 સાંસદોની સહીવાળો એક મહત્વપૂર્ણ પત્ર સોનમ વાંગચુકને સોંપશે, જેમાં તેમને અનુરોધ કરવામાં આવ્યો છે કે તેઓ ભૂખ હડતાળ પરનો પોતાનો આ નિર્ણય પાછો ખેંચી લે. સાથે જ, વિપક્ષી નેતાઓ દ્વારા તેમને એવું પણ આશ્વાસન આપવામાં આવશે કે સંસદની અંદર આ ગંભીર મુદ્દાને જોરશોરથી ઉઠાવવામાં આવશે.


સોનમ વાંગચુકને ભૂખ હડતાળ સમાપ્ત કરવાની અભિજીત દિપકેની અપીલ, કહ્યુ વિરોધ ચાલુ રહેશે

CJPના વડા અભિજીત દિપકેએ સોનમ વાંગચુકને ભૂખ હડતાળ સમાપ્ત કરવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે જંતર-મંતર પર શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન તેમની માંગણીઓ પૂર્ણ ન થાય ત્યાં સુધી ચાલુ રહેશે. તેમણે કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગણીનો પણ પુનરોચ્ચાર કર્યો.


https://www.instagram.com/reel/DbFoHEKNBKk/?utm_source=ig_web_copy_link&igsh=NTc4MTIwNjQ2YQ==

વિપક્ષ બાળકોને ગુમરાહ કરી રહ્યુ છે, લોકતંત્રના મુદ્દાઓની સંસદમાં ચર્ચા જરૂરીઃ રાજનાથ સિંહ

રક્ષામંત્રી રાજનાથ સિંહનું નીટ પેપર લીક મુદ્દે નિવેદન સામે આવ્યુ છે કે, વિપક્ષ બાળકોને ગુમરાહ કરી રહી છે. સરકાર દરેક મુદ્દે વાતચીત કરવા તૈયાર છે. સંસદમાં પોતાની વાત કરે વિપક્ષ, રસ્તાઓ પર મુદ્દાઓનું સમાધાન નથી થતું. 

https://twitter.com/ANI/status/2079855923913441779

પટનામાં કોંગ્રેસ-ભાજપ આમને-સામને, પ્રદર્શન બન્યું વધુ ઉગ્ર

બિહારની રાજધાની પટનામાં રાજકીય માહોલ ગરમાયો છે, જ્યાં ભાજપના કાર્યકરો દ્વારા કોંગ્રેસ પાર્ટી વિરુદ્ધ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. આ પ્રદર્શન દરમિયાન રસ્તાઓ પર જોરદાર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને બંને પક્ષો વચ્ચે ઘર્ષણ સર્જાતા પથ્થરમારાની ઘટના પણ સામે આવી છે. બિહાર પોલીસે પ્રદર્શનકારીઓ સામે વોટર કેનનનો ઉપયોગ કરવો પડ્યો.

https://twitter.com/anishsingh21/status/2079852067930480911

CJP નું મોટું નિવેદન: તટસ્થ સ્થળે સરકાર સાથે વાતચીત કરવા તૈયાર

દિલ્હીના જંતર-મંતર પર NEET પેપર લીક અને વિવિધ મુદ્દાઓને લઈને કોકરોચ જનતા પાર્ટી (CJP) નું વિરોધ પ્રદર્શન હજુ પણ યથાવત છે. આ દરમિયાન CJP ના રાષ્ટ્રીય પ્રવક્તા આશુતોષ રંકાએ જણાવ્યું છે કે સરકાર તરફથી વાતચીત માટેનો સંપર્ક કરવામાં આવ્યો છે. તેમણે સ્પષ્ટતા કરતા કહ્યું કે, "અમે સરકાર સાથે ચર્ચા કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છીએ. પછી ભલે આ બેઠક જંતર-મંતર પર યોજાય અથવા કોઈ અન્ય તટસ્થ સ્થળ પસંદ કરવામાં આવે, અમારો હેતુ સમય બગાડવાનો નથી પરંતુ યોગ્ય ઉકેલ લાવવાનો છે."
https://twitter.com/ANI/status/2079843250211569834

અમદાવાદ અને લખનૌ કાર્યાલય બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને બેરિકેડ્સ ગોઠવાયા

લખનૌ અને અમદાવાદ સહિત દેશના અનેક મહાનગરોમાં કોંગ્રેસ કાર્યાલયોની બહાર ભારતીય જનતા પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શનો ફાટી નીકળ્યા છે. આ આંદોલનના પગલે અમદાવાદ સ્થિત કોંગ્રેસ કાર્યાલયની આસપાસ સુરક્ષાના ભાગરૂપે ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સંભવિત તણાવને રોકવા માટે કાર્યાલય તરફ જતા તમામ માર્ગોને બ્લોક કરી દેવામાં આવ્યા છે અને લોખંડના મજબૂત બેરિકેડ્સ ઊભા કરવામાં આવ્યા છે.

NEET પેપર લીક પર ચર્ચાને લઇને સર્વદલીય મંથન કરશે સ્પીકર

NEET પેપર લીક વિવાદ પર સર્વસંમતિ સાધવા માટે લોકસભાના સ્પીકર ઓમ બિરલા તમામ રાજકીય પક્ષોના ફ્લોર લીડર્સ સાથે અલગ-અલગ બેઠકો યોજીને વિચારમંથન કરશે.વિપક્ષી પક્ષો આ મુદ્દે સંમત થાય તો સરકાર આવતીકાલે જ સંસદમાં આ ગંભીર વિષય પર ચર્ચા શરૂ કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.

અમિત શાહના નિવાસ સ્થાને બેઠક 

મંતર પર વિરોધ પ્રદર્શન વચ્ચે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નિવાસસ્થાને બેઠક મળી છે. જેમાં બેઠકમાં જે.પી નડ્ડા અને જીતેન્દ્ર સિંહ હાજર રહ્યા છે. ભાજપના નેતા નીતિન નવીન પણ ભાગ લઈ રહ્યા છે.

પ્રદર્શનકારીઓએ વાતચીતનું આશ્વાસન આપ્યું અને બહાર જઇને ભ્રામક વાતો ફેલાવીઃ બાંસુરી સ્વરાજ

ભાજપના સાંસદ બાંસુરી સ્વરાજે મોટો ખુલાસો કરતા દાવો કર્યો છે કે, શરૂઆતમાં પ્રદર્શનકારીઓ દ્વારા સરકાર સમક્ષ વાતચીત કરવાની માંગણી કરવામાં આવી હતી, જેની સકારાત્મક નોંધ લઈને તેમને તાત્કાલિક કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા સાથે બેઠક કરવાની વિશેષ તક પૂરી પાડવામાં આવી હતી. પરંતુ, તેમણે ગંભીર આરોપ લગાવતા જણાવ્યું હતું કે આ સત્તાવાર વાતચીત દરમિયાન કોઈપણ પ્રકારનો વિરોધ ન કરવા અંગે સ્પષ્ટ આશ્વાસન આપવામાં આવ્યું હોવા છતાં, બહાર જઈને જાણી જોઈને ભ્રામક વાતો અને ખોટા સમાચારો ફેલાવવામાં આવ્યા હતા, જે અત્યંત નિંદનીય છે.


સરકાર ચર્ચા કરવા તૈયાર છેઃ કિરેન રિજિજુ

ચોમાસુ સત્રના ત્રીજા દિવસે સંસદના બંને ગૃહોમાં હોબાળો જોવા મળ્યો. આ વચ્ચે, કિરેન રિજિજુએ જણાવ્યું કે સરકાર પેપર લીક પર ચર્ચા કરવા તૈયાર છે. જોકે, લોકસભા ફરી એકવાર મુલતવી રાખવામાં આવી છે.બપોરે 2 વાગ્યે ફરી શરૂ થશે.

https://twitter.com/ANI/status/2079818592485540185

વિદ્યાર્થીઓની માંગણીઓ વ્યાજબી છેઃ પ્રિયંકા ગાંધી વાડ્રા

કોંગ્રેસના સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રાએ વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શનને ટેકો આપતા કહ્યું કે વિદ્યાર્થીઓની માંગણીઓ વ્યાજબી છે અને તેમને તેમના હકો માંગવાનો અધિકાર છે. તેમણે પેપર લીક મુદ્દે સરકારની ટીકા કરી અને કહ્યું કે શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શનોને અલોકતાંત્રિક રીતે દબાવવા જોઈએ નહીં.


https://twitter.com/ANI/status/2079798653804560586

સંસદમાં વિપક્ષનો ગતિરોધ ચાલુ, કોંગ્રેસ ત્રણ માંગણીઓ પર અડગ


સંસદમાં સરકાર અને વિપક્ષ વચ્ચે ચાલી રહેલો ગતિરોધ હજુ પણ યથાવત છે. કોંગ્રેસ પક્ષે સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું છે કે તેમની મુખ્ય ત્રણ માંગણીઓ મામલે કોઈ પણ પ્રકારની બાંધછોડ કે સમાધાન કરવામાં આવશે નહીં.
આ ત્રણેય મુખ્ય માંગણીઓમાં:પ્રથમ, કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને પદ પરથી હટાવવા.
બીજું, પ્રવર્તમાન ગંભીર મુદ્દા પર નિયમ 193 ને બદલે માત્ર 'મુલતવી પ્રસ્તાવ' હેઠળ જ ગૃહમાં ચર્ચા યોજવી.
ત્રીજું, વિદ્યાર્થીઓ સામે થયેલી પોલીસ કાર્યવાહીની નિષ્પક્ષ તપાસ કરાવવી અને તેમની સામે દાખલ કરવામાં આવેલા તમામ કેસો તુરંત પાછા ખેંચવા. આ માંગણીઓ પર વિપક્ષ મક્કમ છે, જેના કારણે સંસદની કાર્યવાહીમાં મડાગાંઠ જળવાઈ રહી છે.

થોડી વારમાં કેન્દ્ર સરકાર CJP સાથે કરશે વાત

કેન્દ્ર સરકાર દ્વારા ટૂંક સમયમાં સેન્ટ્રલ પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (CJP) સાથે મહત્વની વાતચીત હાથ ધરવામાં આવશે. આ બેઠક આજે બપોરે 12 વાગ્યે યોજાવાની સંભાવના છે, જે વર્તમાન મડાગાંઠ ઉકેલવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. આ અગાઉ ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા સાથે પણ આ સંદર્ભે ચર્ચા થઈ ચૂકી છે. સરકાર વિરોધ પ્રદર્શનો અને તંગદિલી વચ્ચે પરિસ્થિતિને શાંત કરવા સતત પ્રયાસો કરી રહી છે.

સંસદ પરિસરમાં વિપક્ષનો વિરોધ, કાળા વસ્ત્રો પહેરીને શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ

સંસદ પરિસરમાં વિપક્ષી સાંસદો દ્વારા સરકાર વિરુદ્ધ ઉગ્ર વિરોધ પ્રદર્શન શરૂ કરવામાં આવ્યું છે. દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર થયેલા લાઠીચાર્જ અને દમનની ઘટના સામે રોષ વ્યક્ત કરવા માટે વિપક્ષી સાંસદો ખાસ કાળા વસ્ત્રો પહેરીને સંસદ ભવન પહોંચ્યા હતા અને સરકારની નીતિઓ સામે સૂત્રોચ્ચાર કર્યા હતા.

https://twitter.com/ANI/status/2079812811962925171

CJP ના વિરોધ વચ્ચે દિલ્હીના 16 મેટ્રો સ્ટેશન બંધ, DMRC ને જાણ કરવામાં આવી

જંતર-મંતર પર CJPના વિરોધ પ્રદર્શન વચ્ચે, કેન્દ્ર સરકારે પશ્ચિમ બંગાળથી 20 CRPF ટુકડીઓ બોલાવી છે. દરમિયાન, દિલ્હી મેટ્રોના જનપથ, રાજીવ ચોક, પટેલ ચોક અને સેન્ટ્રલ સેક્રેટરીએટ, સહિત 16 મેટ્રો સ્ટેશન આગામી સૂચના સુધી બંધ કરવામાં આવ્યા છે. 
https://twitter.com/ANI/status/2079811232828395777

દિલ્હી પોલીસે સખત રૂખ અપનાવ્યો

દિલ્હીમાં સોમવારે કોકરોચ જનતા પાર્ટી (CJP) ના વિરોધ પ્રદર્શન દરમિયાન થયેલી ભારે હિંસા અને સંસદ કૂચ મામલે દિલ્હી પોલીસે સખત રૂખ અપનાવ્યો છે. સોમવારે પથ્થરમારો, લાઠીચાર્જ અને આંસુ ગેસના શેલ છોડવા છતાં આંદોલનકારીઓ પીછેહઠ નહોતી કરી. બીજા જ દિવસે વિદ્યાર્થીઓ અને પ્રદર્શનકારીઓ બમણી ઉર્જા સાથે જંતર-મંતર પર પાછા ફર્યા હતા અને રાતોરાત સ્ટેજ ફરીથી ઊભું કરીને આંદોલનને ફરીથી જીવંત કરી દીધું છે. આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે, પોલીસ કાર્યવાહી અને હિંસાના સંદર્ભમાં દિલ્હીના વિવિધ પોલીસ સ્ટેશનોમાં અત્યાર સુધીમાં કુલ 10 FIR નોંધવામાં આવી છે.

10 લોકો પર એફઆઇઆર દાખલ કરવામાં આવી

સંસદ સ્ટ્રીટ પોલીસ સ્ટેશનમાં ચાર, કનોટ પ્લેસમાં ત્રણ તેમજ મંદિર માર્ગ, બરખંભા રોડ અને કર્તવ્ય પથ પોલીસ સ્ટેશનમાં એક-એક FIR દાખલ કરવામાં આવી છે. આ દરમિયાન, દિલ્હી હાઈકોર્ટમાં જંતર-મંતર ખાતે કાર્યકર્તા સોનમ વાંગચુકની ભૂખ હડતાળ વખતે વિદ્યાર્થીઓ અને વિરોધીઓ સામે થયેલી કથિત પોલીસ કાર્યવાહીને પડકારતી જનહિત અરજી (PIL) પર સુનાવણી હાથ ધરવામાં આવનાર છે. આ અરજીમાં ગત 18 જુલાઈના પોલીસ ઓપરેશનની સ્વતંત્ર તપાસ કરાવવાની, ઘટનાના પુરાવા જાળવી રાખવાની અને નાગરિકોના શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શનના બંધારણીય અધિકારનું રક્ષણ કરવા માટે યોગ્ય માર્ગદર્શિકા નક્કી કરવાની માંગ કરવામાં આવી છે.

આશુતોષ રંકાએ સરકાર પર આકરા પ્રહાર કર્યા

આંદોલનને લઈને CJPના રાષ્ટ્રીય પ્રવક્તા આશુતોષ રંકાએ સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે ચેતવણી આપતા જણાવ્યું હતું કે આઝાદી પછીના ઇતિહાસનું આ સૌથી મોટું આંદોલન છે અને 20 તારીખે જે બન્યું તે તો માત્ર એક ટ્રેલર હતું. જો સરકાર વહેલી તકે યોગ્ય પગલાં નહીં ભરે, તો દેશભરમાંથી લાખો લોકો દિલ્હી તરફ કૂચ કરશે કારણ કે યુવાનો હવે ચૂપ બેસી રહેવાના નથી. તેમણે સ્પષ્ટતા કરી હતી કે તેમની કૂચ સંપૂર્ણપણે શાંતિપૂર્ણ હતી, પરંતુ પોલીસ દ્વારા કરવામાં આવેલી ક્રૂરતા અને લાઠીચાર્જને કારણે સ્થિતિ વણસી હતી. યુવાનો છેલ્લા 31 દિવસથી ગાંધીજી અને ડૉ. આંબેડકરના માર્ગ પર ચાલીને શાંતિપૂર્ણ રીતે વિરોધ કરી રહ્યા છે, પરંતુ જો સરકારે જવાબદારી નહીં સમજી તો યુવાનો કડક પાઠ ભણાવશે. વહીવટીતંત્ર અને પ્રદર્શનકારીઓ વચ્ચે ચાલી રહેલા આ ઘમાસાણને કારણે દિલ્હીનું રાજકીય અને સુરક્ષા વાતાવરણ અત્યંત તણાવપૂર્ણ બન્યું છે.

આ પણ વાંચોઃ CJP Protest : હવે ભાજપ પણ મેદાને, દેશવ્યાપી પ્રદર્શન કરવાની શક્યતા, કોંગ્રેસ કાર્યાલયોનો કરશે ઘેરાવ