ઉત્તરકાશીમાં વાદળ ફાટવાની ઘટનાથી વિનાશ સર્જાયો છે. 4 લોકોના મોત થયા છે જ્યારે 50થી વધારે લોકો ગુમ થયા છે. પહાડ પરથી ધસી આવેલા કાટમાળમાં અનેક ઘરો તણાયા છે. મળતી માહિતી મુજબ બપોરે દોઢ વાગે પૂર આવ્યુ અને ધરાલીમાં અફરાતફરી મચી ગઇ. વાદળ ફાટવાથી હોટલ, લોજ અને માર્કેટ તથા ગામો નાશ પામ્યા છે.

PM Modiએ વ્યક્ત કર્યુ દુઃખ
પીએમએ ટ્વીટ કરતા કહ્યું કે ઉત્તરકાશીના ધરાલીમાં થયેલી આ દુર્ઘટનાથી પ્રભાવિત લોકો પ્રત્યે હું સંવેદના વ્યક્ત કરું છું. હું તમામ પીડિતો જલ્દી સ્વસ્થ થાય તેની પ્રાર્થના કરુ છું.મેં મુખ્યમંત્રી પુષ્કર ધામીજી સાથે વાત કરીને પરિસ્થિતિ વિશે માહિતી મેળવી છે. રાજ્ય સરકારની દેખરેખ હેઠળ રાહત અને બચાવ ટીમો દરેક શક્ય પ્રયાસમાં રોકાયેલી છે. લોકોને મદદ કરવામાં કોઈ કસર છોડવામાં આવી રહી નથી.



જિલ્લા વહીવટીતંત્રે હેલ્પલાઇન નંબર જાહેર
ઉત્તરકાશી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વાદળ ફાટવાની અને ત્યારબાદ ભૂસ્ખલનની ઘટના અંગે હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે. જિલ્લા વહીવટીતંત્રે કહ્યું છે કે આ નંબર દ્વારા તમે પ્રિયજનો સાથે વાત કરી શકો છો અને માહિતી મેળવી શકો છો. આ નંબરો 01374-222126, 222722, 9456556431 છે.


સેના, NDRF અને SDRF ટીમો બચાવ કામગીરીમાં જોડાઇ 
વાદળ ફાટવાની અને ભૂસ્ખલનની ઘટના પછી તરત જ સેનાની ટીમોએ બચાવ કામગીરી શરૂ કરી દીધી છે. આ ઉપરાંત NDRF અને SDRF ટીમો પણ રાહત અને બચાવ કાર્યમાં લાગી ગઈ છે. લગભગ 150 સૈન્ય કર્મચારીઓ લોકોને બચાવવામાં રોકાયેલા છે. આ સાથે આસપાસના જિલ્લાઓમાં હાજર NDRFની વધારાની ટીમોને પણ ઘટનાસ્થળે મોકલવામાં આવી રહી છે.
  • Follow us on: