ઉત્તરાખંડના પૌડી જિલ્લાના પંચૂર ગામમાં માતા સાવિત્રી દેવીને અંતિમ વિદાય આપતી વખતે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ભાવુક થઈ ગયા હતા. માતાના પાર્થિવ દેહ સામે ઊભા રહીને તેઓ થોડીવાર સુધી એકીટશે નિહાળતા રહ્યા હતા. આ દરમિયાન તેમની આંખોમાં વારંવાર આંસુ છલકાઈ આવ્યા હતા.

શુક્રવારે સાંજે 4:55 વાગ્યે યોગી આદિત્યનાથ પોતાના પૈતૃક ગામ પંચૂર પહોંચ્યા હતા. ઘરે પહોંચતાં જ તેમણે માતાના પાર્થિવ દેહ પર પુષ્પ અર્પણ કરીને શ્રદ્ધાંજલિ આપી હતી. માતાની સામે મૌન ઊભા રહેલા યોગીની આંખો ભીની થઈ ગઈ હતી. તેમને ભાવુક જોઈને ત્યાં હાજર ગ્રામજનો અને સંબંધીઓ પણ ગમગીન થઈ ગયા હતા.

યોગીએ પરિવારના સભ્યોને માતાની તબિયત ક્યારથી ખરાબ હતી અને તેમને કઈ તકલીફો થઈ રહી હતી તે અંગે પૂછપરછ કરી હતી. માતાના છેલ્લા દિવસો વિશે જાણતી વખતે ઘરમાં શોકનું વાતાવરણ વધુ ગમગીન બની ગયું હતું.

યોગી પોતાના ગામ પહોંચ્યા હોવાની જાણ થતાં મોટી સંખ્યામાં લોકો તેમના પૈતૃક નિવાસસ્થાને પહોંચવા લાગ્યા હતા. સગાં-સંબંધીઓ ઉપરાંત ગામના લોકો અને દૂરના વિસ્તારોમાંથી આવેલા લોકોએ પણ સાવિત્રી દેવીને શ્રદ્ધાંજલિ આપી હતી.

સમગ્ર ગામ શોકમાં ડૂબેલું જોવા મળ્યું હતું. આ દરમિયાન વિધાનસભા અધ્યક્ષ ઋતુ ખંડૂડી, મંત્રી સુબોધ ઉનિયાલ, ધારાસભ્ય રેણુ બિષ્ટ અને બીકેТસીના અધ્યક્ષ હેમંત દ્વિવેદી સહિતના નેતાઓ હાજર રહ્યા હતા.

અંતિમ વિદાયની તૈયારીઓ દરમિયાન પણ છલકાયા આંસુ

માતાની અંતિમ વિદાયની તૈયારીઓ દરમિયાન પણ યોગી આદિત્યનાથ વારંવાર ભાવુક થઈ જતા હતા. તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગતા હતા. નિષાદ પાર્ટીના પ્રમુખ અને ઉત્તર પ્રદેશ સરકારના કેબિનેટ મંત્રી સંજય નિષાદ પણ પંચૂર પહોંચ્યા હતા અને તેમણે સાવિત્રી દેવીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

માતા સાથે હતો વિશેષ લગાવ

યોગી આદિત્યનાથને તેમની માતા સાવિત્રી દેવી પ્રત્યે ખૂબ જ પ્રેમ અને લાગણી હતી. વર્ષ 2024માં જ્યારે તેમને માતા ઋષિકેશની AIIMSમાં દાખલ હોવાની જાણ થઈ હતી, ત્યારે તેઓ પોતાને માતાને મળવા જતાં રોકી શક્યા નહોતા.

16 જૂન 2024ના રોજ યોગીએ AIIMSમાં માતાની મુલાકાત લીધી હતી. સાવિત્રી દેવીને મે 2024માં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને 16 મેના રોજ રજા આપવામાં આવી હતી. ત્યારબાદ 14 જૂને ફરી તેમને AIIMSમાં દાખલ કરવામાં આવ્યા હતા. 16 જૂને યોગી માતાને મળવા પહોંચ્યા હતા.

10 ઑક્ટોબર 2024ના રોજ સાવિત્રી દેવીની તબિયત જોલીગ્રાન્ટમાં બગડતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તે સમયે પણ યોગી માતાને મળવા પહોંચ્યા હતા. યોગીની બહેન શશિ પયાલે જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક દિવસોથી માતાની તબિયત ખરાબ હોવાથી તેઓ ફોન પર વાત કરી શકતાં નહોતાં, જોકે યોગી પોતાના ભાઈઓ સાથે ફોન દ્વારા સંપર્કમાં રહી માતાની ખબર પૂછતા હતા.

આ મહિને પણ માતાને મળવા પંચૂર આવવાના હતા યોગી

સંન્યાસ લીધા બાદ યોગીએ સાંસારિક જીવન અને પારિવારિક બાબતોથી અંતર જાળવી રાખ્યું હતું. તેમ છતાં તેઓ સમયાંતરે પંચૂર જઈ માતાને મળતા રહેતા હતા.

મુખ્યમંત્રી બન્યા બાદ મે 2022માં યોગી પ્રથમ વખત માતાને મળવા પંચૂર ગયા હતા. તે સમયે તેમણે માતાના પગ સ્પર્શ કરીને આશીર્વાદ લીધા હતા. આ મહિને પણ તેઓ ફરી માતાને મળવા પંચૂર આવવાની યોજના બનાવી રહ્યા હતા. સંન્યાસી જીવન જીવતા હોવા છતાં માતા પ્રત્યેનો તેમનો પ્રેમ અતૂટ રહ્યો હતો.

સંન્યાસ બાદ યોગીએ માતા પાસેથી લીધી હતી ભિક્ષા

વર્ષ 1998માં સંન્યાસ લીધાના ચાર વર્ષ બાદ યોગી જ્યારે પંચૂર પહોંચ્યા હતા, ત્યારે સંન્યાસની પરંપરા મુજબ તેમણે માતા પાસેથી પ્રથમ ભિક્ષા લીધી હતી. સાવિત્રી દેવીએ તેમને ફળ, ચોખા અને પૈસા આપ્યા હતા.

યોગીની બહેન શશિ પયાલ જણાવે છે કે ભિક્ષા આપતી વખતે માતા જ નહીં, પરંતુ સમગ્ર પરિવાર રડી પડ્યો હતો. યોગીની આંખો પણ ભીની થઈ ગઈ હતી. શશિના જણાવ્યા મુજબ, યોગી સતત પરિવારના સંપર્કમાં રહેતા હતા અને માતાની તબિયત અંગે જાણકારી મેળવતા રહેતા હતા.

આ પણ વાંચો:Anant Singh Daughter Marriage: અનંત સિંહના ઘરે લગ્નની ધૂમ, દીકરી શિવાંગીના તિલકમાં છવાઈ ડિફેન્ડર કાર