ઉત્તર ભારત, ખાસ કરીને દિલ્હી-NCR, પંજાબ, હરિયાણા, પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં છેલ્લા કેટલાક દિવસોથી તીવ્ર ઠંડી અને ગાઢથી ખૂબ જ ગાઢ ધુમ્મસ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગ (IMD) અનુસાર 14 જાન્યુઆરીના રોજ અનેક શહેરોમાં દૃશ્યતા અત્યંત ઓછી શૂન્ય સુધી પહોંચી ગઈ હતી. તેના કારણે રસ્તા પર વાહનવ્યવહાર ધીમો પડી ગયો હતો અને ટ્રેન તથા ફ્લાઈટ સેવાઓમાં વિલંબ નોંધાયો હતો.
સવારે સ્થિતિ વધુ ગંભીર
સવારે સ્થિતિ વધુ ગંભીર રહી હતી. અમૃતસર, અંબાલા, પંતનગર અને ઉધમપુર જેવા શહેરોમાં દૃશ્યતા શૂન્ય મીટર નોંધાઈ હતી. લુધિયાણા, હિસાર, કરનાલ અને ભિવાનીમાં દૃશ્યતા 20 મીટરથી પણ ઓછી રહી હતી. ઓડિશાના રાઉરકેલામાં પણ ગાઢ ધુમ્મસ છવાયું હતું, જ્યાં દૃશ્યતા લગભગ 100 મીટર નોંધાઈ હતી. આ પરિસ્થિતિએ સામાન્ય જનજીવનને ભારે અસર કરી છે.
ઘણા વિસ્તારમાં ઠંડીથી લઇને તીવ્ર ઠંડી
હવામાન વિભાગ જણાવે છે કે પંજાબ અને હરિયાણાના ઘણા વિસ્તારોમાં ઠંડીથી લઈને તીવ્ર ઠંડીનું મોજું ચાલુ છે. ઉત્તરાખંડના કેટલાક ભાગોમાં જમીન પર હિમવર્ષા જોવા મળી છે. જમ્મુ-કાશ્મીર, લદ્દાખ અને હિમાચલ પ્રદેશમાં લઘુત્તમ તાપમાન શૂન્યથી નીચે જતું રહ્યું છે. દિલ્હી, રાજસ્થાન, પંજાબ, હરિયાણા અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં લઘુત્તમ તાપમાન 1 ડિગ્રીથી 5 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે નોંધાયું છે, જે સામાન્ય કરતા 3થી 6 ડિગ્રી ઓછું છે.
હિમાચલ પ્રદેશ ઉપર સક્રિય
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલમાં હિમાચલ પ્રદેશ ઉપર સક્રિય પશ્ચિમી વિક્ષેપ છે. આ સાથે ઉપરના વાતાવરણમાં ચક્રવાતી પરિભ્રમણ અને તીવ્ર પશ્ચિમી જેટ પવન પણ અસર કરી રહ્યા છે. 15 જાન્યુઆરીની રાતથી એક નવો પશ્ચિમી વિક્ષેપ પશ્ચિમી હિમાલય વિસ્તારમાં પ્રવેશ કરશે.
ઉત્તરાખંડમાં હળવા થી મધ્યમ વરસાદ
આ વિક્ષેપના કારણે 16 થી 19 જાન્યુઆરી દરમિયાન જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં હળવા થી મધ્યમ વરસાદ અને હિમવર્ષાની શક્યતા છે. 18 અને 19 જાન્યુઆરીએ પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં પણ હળવો વરસાદ પડી શકે છે. દિલ્હી-NCRમાં 19 જાન્યુઆરી સુધી આંશિક વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહી છે અને તાપમાનમાં થોડો વધારો પણ થઈ શકે છે.
આગામી દિવસોમાં વાતાવરણ
તેમ છતાં, આગામી કેટલાક દિવસો સુધી ઉત્તર ભારતના ઘણા વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ અને ઠંડી યથાવત રહેવાની શક્યતા છે. હવામાન વિભાગે લોકોને સાવચેત રહેવા, ખાસ કરીને સવાર અને સાંજના સમયે બિનજરૂરી મુસાફરી ટાળવાની સલાહ આપી છે
આ પણ વાંચો : Himachal Pradeshમાં ગેરેજમાંથી રસ્તા પર આવશે વિન્ટેજ કાર, સરકારનો મોટો નિર્ણય