એક મહિલા પોતાના રસોડાની મુશ્કેલી લઈને કોર્ટમાં પહોંચી અને જજ સમક્ષ પોતાની ફરિયાદ રજૂ કરી. મહિલાએ જણાવ્યું કે રોજિંદાં કામ સરળ બનાવવા માટે તેણે જે પ્રેશર કૂકર ખરીદ્યું હતું, તેણે તો તેનું જીવન જ મુશ્કેલ બનાવી દીધું છે.

વિશાખાપટ્ટનમની આ મહિલાએ ગ્રાહક અદાલતને જણાવ્યું કે પ્રેશર કૂકરમાં ત્રણથી ચાર સીટી વાગ્યા પછી પણ ચોખા બરાબર રાંધાતા નહોતા. બીજા દિવસે દાળ બનાવતી વખતે પણ આવી જ સમસ્યા સર્જાતાં તેણે મદદ માટે દુકાનદારનો સંપર્ક કર્યો હતો. જોકે, સમસ્યાનો કોઈ ઉકેલ ન આવતાં આખરે તેણે ગ્રાહક અદાલતના દરવાજા ખખડાવ્યા હતા.

મહિલાની દલીલો અને દુકાનદારનો જવાબ સાંભળ્યા બાદ ગ્રાહક અદાલતે સ્ટોર, ડીલર અને કૂકર બનાવતી કંપનીને મહિલાને કુલ રૂ.16,755 ચૂકવવાનો આદેશ આપ્યો છે.

વિશાખાપટ્ટનમ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ આયોગે નોંધ્યું હતું કે ત્રણેય પક્ષો એટલે કે સ્ટોર, ડીલર અને કૂકર બનાવતી કંપનીની સેવાઓમાં ખામી હતી. તેથી મહિલા કૂકરની કિંમત પરત મેળવવા ઉપરાંત વળતર અને કાનૂની ખર્ચ મેળવવાની પણ હકદાર છે. ગ્રાહક અદાલતનાં જજ ગુડલા તનુજાએ 31 ઓક્ટોબરે આ આદેશ આપ્યો હતો.

શું હતો સમગ્ર મામલો?

મહિલાએ એક સ્ટોરમાંથી રૂ.1,755માં ચાર લિટરનું ડીપ-પેન પ્રેશર કૂકર ખરીદ્યું હતું. તેની ચુકવણી તેણે UPI દ્વારા કરી હતી. મહિલાના જણાવ્યા અનુસાર, કૂકર ખરીદ્યા એ જ દિવસે તેમાં ચોખા રાંધતી વખતે પ્રથમ વખત સમસ્યા સામે આવી હતી. કૂકરમાં ત્રણથી ચાર સીટી વાગ્યા હોવા છતાં ચોખા અધકચરા જ રહ્યા હતા.

મહિલાની ફરિયાદ મુજબ, બીજા દિવસે જ્યારે તેણે દાળ બનાવવાનો પ્રયાસ કર્યો ત્યારે પણ આવું જ પરિણામ આવ્યું હતું. ત્યારબાદ તેણે સ્ટોરનો સંપર્ક કર્યો હતો. મહિલાનો આરોપ છે કે સ્ટોરના કર્મચારીઓએ અસંવેદનશીલ વલણ અપનાવ્યું હતું અને તેને કંપનીના સર્વિસ સેન્ટરમાં જવા કહ્યું હતું.

મહિલાનું શું કહેવું હતું?

મહિલાએ જણાવ્યું હતું કે પોતાની ઉંમર અને કેટલીક શારીરિક સમસ્યાઓને કારણે તે સર્વિસ સેન્ટર જઈ શકે તેમ નહોતી. ત્યારબાદ સ્ટોરે તેની પાસેથી કૂકર લઈ લીધું હતું અને સમારકામ માટે સર્વિસ બિલ પણ આપ્યું હતું. જોકે, મહિલાની માંગણી સમારકામની નહીં, પરંતુ કૂકર બદલવાની હતી.

ગ્રાહક અદાલતે નોંધ્યું હતું કે ત્યારબાદ કંપનીએ મહિલાને જણાવ્યું હતું કે તેણે ડીલરને કૂકર બદલવાનો આદેશ આપ્યો હતો, પરંતુ ડીલરે તેની વાત પર ધ્યાન આપ્યું નહોતું.

બીજી તરફ, સ્ટોર અને ડીલરનું કહેવું હતું કે તેમણે કૂકરની તપાસ કરી હતી, પરંતુ તેમાં કોઈ ખામી મળી નહોતી. કૂકર યોગ્ય રીતે કામ કરી રહ્યું હોવાનો વીડિયો પણ તેમણે રજૂ કર્યો હતો.

મહિલાએ ડેમો જોવાનો પ્રસ્તાવ પણ નકાર્યો હતો?

ડીલરના વકીલોએ ગ્રાહક અદાલતને જણાવ્યું હતું કે મહિલાએ સર્વિસ સેન્ટર જઈને કૂકરનો ડેમો જોવાનો પ્રસ્તાવ નકારી કાઢ્યો હતો. તેમણે એવી દલીલ પણ કરી હતી કે કૂકર યોગ્ય રીતે કામ કરતું હોવા છતાં મહિલાએ તેને બદલવાની જીદ પકડી હતી અને વળતર તરીકે મોટી રકમની માંગણી કરી હતી.

સ્ટોર અને ડીલરે વધુમાં જણાવ્યું હતું કે મહિલાએ કૂકરમાં ઉત્પાદન સંબંધિત ખામી હોવાનો પુરાવો આપવા માટે કોઈ નિષ્ણાતનો અભિપ્રાય કે ટેકનિકલ રિપોર્ટ રજૂ કર્યો નહોતો. તેમણે એવો આરોપ પણ લગાવ્યો હતો કે મહિલાએ કાનૂની કાર્યવાહી કરવાની ધમકી આપી હતી અને ગ્રાહક અદાલતના કર્મચારીઓ સાથે પોતાની ઓળખાણ હોવાનો દાવો કર્યો હતો.

કંપનીએ શું દલીલ કરી?

બીજી તરફ, કંપનીએ દલીલ કરી હતી કે તેની વોરંટીની જવાબદારી માત્ર ઉત્પાદન સંબંધિત ખામી ધરાવતા ઉત્પાદનોનું સમારકામ કરવા અથવા તેને બદલવા પૂરતી મર્યાદિત છે. કંપનીના જણાવ્યા અનુસાર, કૂકરનું ઓપરેશનલ ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું અને તે યોગ્ય રીતે કામ કરતું હતું.

આયોગે નોંધ્યું હતું કે સ્ટોર, ડીલર અને ઉત્પાદક કંપની તેની સમક્ષ વોરંટીની શરતો રજૂ કરવામાં નિષ્ફળ રહ્યાં હતાં. આયોગે એ સવાલ પણ ઉઠાવ્યો હતો કે જો કૂકરમાં કોઈ ખામી જ નહોતી, તો પછી ‘ગુડવિલ જેસ્ચર’ એટલે કે સદ્ભાવનાના ભાગરૂપે તેને બદલવાની ઓફર શા માટે કરવામાં આવી હતી?

બેન્ચે માન્યું હતું કે ગ્રાહક તરીકે મહિલાને ગ્રાહક સુરક્ષા કાયદા હેઠળ પોતાના કાનૂની અધિકારોનો ઉપયોગ કરીને રિફંડ મેળવવાનો હક છે. આ હક કંપની પોતાની મરજીથી નવું ઉત્પાદન આપવા તૈયાર હતી કે નહીં તેના પર આધારિત નથી.

આયોગે મહિલાએ સ્ટોર અને ડીલરને ડરાવવા-ધમકાવવા માટે આયોગમાં પોતાની કથિત ઓળખાણનો ઉપયોગ કર્યો હોવાના આરોપો સામે પણ સખત વાંધો ઉઠાવ્યો હતો. આયોગે આ ટિપ્પણીઓને બદનક્ષીકારક ગણાવી હતી અને કહ્યું હતું કે આ સંસ્થાની છબી ખરાબ કરવાનો પ્રયાસ છે. આ ટિપ્પણીઓમાં ફરિયાદી મહિલા વિશે પણ અપમાનજનક વાતો કરવામાં આવી હતી.

વધુ સમાચાર વાંચવા ડાઉનલોડ કરો સંદેશ ન્યૂઝ એપ : https://sandesh.com/d