અત્યારે શરદી ઉધરસના કેસ વધી ગયા છે. મોટા ભાગના દવાખાનાઓમાં અત્યારે ભીડ જોવા મળી રહી છે. કફ અને ઉધરસના કેસમાં વધારો થયો છે ખાસ કરીને બાળકોમાં. પરિણામે કફ સિરપ અને અન્ય દવાઓ ડોક્ટર દ્વારા લખી આપવામાં આવે છે. પરંતુ મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં બાળકોના મોતનો મામલો કફ સિરપ સાથે જોડવામાં આવ્યો છે.એમપીના છિંદવાડામાં મરનારની સંખ્યા 9 થઇ છે. રાજસ્થાનમાં પણ 2 બાળકોના મોત થયા છે આમ કૂલ 11 લોકોના મોત થતા સરકારની નોડલ નેશનલ રોગ નિયંત્રણ કેન્દ્રએ તપાસ તેજ કરી છે.
પ્રાથમિક તપાસ શરૂ
છિંદવાડાના પારસિયા વિસ્તારમાં વાયરલ ફીવરથી પીડિત બાળકોની હાલત સતત બગડી રહી છે. જિલ્લામાં વધુ ત્રણ બાળકોના મોત થયા છે, જેના કારણે મૃત્યુઆંક નવ થયો છે. પારસિયાના એસડીએમ શુભમ યાદવે જણાવ્યું હતું કે, ગઈકાલે મોડી રાત સુધીમાં નવ લોકોના મોત નોંધાયા છે. અમે પ્રાથમિક તપાસ શરૂ કરી છે. અમારી પાસે શરદી, તાવ અને ફ્લૂથી પ્રભાવિત 1,420 બાળકોની યાદી છે. અમે એક પ્રોટોકોલ સ્થાપિત કર્યો છે કે જો કોઈ બાળક બે દિવસથી વધુ સમય સુધી બીમાર રહે છે, તો તેમને છ કલાક માટે સિવિલ હોસ્પિટલમાં નિરીક્ષણ હેઠળ રાખવામાં આવે છે. જો તેમની હાલત વધુ ખરાબ થાય છે, તો તેમને જિલ્લા હોસ્પિટલમાં રિફર કરવામાં આવે છે. એકવાર તેઓ સ્વસ્થ થઈ જાય, પછી તેમને ઘરે મોકલી દેવામાં આવે છે અને આશા કાર્યકરો દ્વારા દેખરેખ રાખવામાં આવે છે.










