ઉત્તરપ્રદેશના આગ્રામાં પોલીસે કરોડો રૂપિયાના સાયબર ઠગાઈનો મોટો ખુલાસો કરતા 4 શાતિર આરોપીઓની ધરપકડ કરી લીધી છે. પોલીસના જણાવ્યા મુજબ આ ગેંગ લોકોને લલચાવીને તેમના બેન્ક ખાતા ખોલાવતા હતા અને ત્યારબાદ તે બેન્ક ખાતામાં સાયબર ઠગાઈની રકમ મગાવીને એટીએમ દ્વારા ઉપાડી લેતા હતા.

પોલીસે સૂચના મળતા જ પાડી રેડ

મળતી માહિતી મુજબ સાયબર ક્રાઈમ સિકંદરા અને ક્રાઈમ બ્રાન્ચની સંયુક્ત ટીમને સુચના મળી હતી કે સિંકદરા ક્ષેત્રમાં સાયબર ઠગાઈ સાથે જોડાયેલા 4 આરોપી હાજર છે. સૂચનાના આધારે પોલીસે કાર્યવાહી કરતા ચારેય આરોપીની ધરપકડ કરી લીધી. પોલીસની તપાસમાં આરોપીઓએ જણાવ્યું કે તે વિદેશમાં બેઠેલા પોતાના આકાઓના ઈશારા પર કામ કરતા હતા. આ ગેંગ લોકોને ઝાંસામાં લઈને તેમના નામ પર બેન્ક એકાઉન્ટ ખોલાવતા હતા. ત્યારબાદ તેમની પાસેથી ચેકબુક, પાસબુક અને ડેબિટ કાર્ડ લઈ લેતા હતા. ઠગાઈની રકમ આ ખાતાઓમાં મગાવવામાં આવતી હતી અને ત્યારબાદ એટીએમ કાર્ડથી રકમ ઉપાડી લેતા હતા.

29 ચેકબુક, 37 પાસબુક, 2 લેપટોપ અને લગભગ 2.16 લાખ રૂપિયા રોકડા જપ્ત

પોલીસના જણાવ્યા મુજબ ઠગાઈની રકમનો 40 ટકા ભાગ આરોપીઓને મળતો હતો, જ્યારે 60 ટકા ભાગ ફિરોઝાબાદનો રહેવાસી મોનૂને આપવામાં આવતો હતો. મોનૂ હાલમાં ફરાર છે અને પોલીસ તેની શોધખોળ કરી રહી છે. પુછપરછમાં એ પણ સામે આવ્યું કે આરોપી સાયબર ઠગાઈ સિવાય લોકોને ઓનલાઈન સટ્ટા રમાડવાનું કામ પણ કરતા હતા. પોલીસે આરોપીઓની પાસેથી 72 ડેબિટ કાર્ડ, 4 આધાર કાર્ડ, 14 મોબાઈલ ફોન, 29 ચેકબુક, 37 પાસબુક, 2 લેપટોપ અને લગભગ 2.16 લાખ રૂપિયા રોકડા જપ્ત કર્યા છે. પોલીસે જણાવ્યું કે આરોપીઓની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે અને તેમને જેલમાં મોકલવામાં આવી રહ્યા છે. સાથે જ મુખ્ય આરોપીની ધરપકડ કરવા માટે ટીમ સતત કામમાં લાગેલી છે.  

આ પણ વાંચો : Manipur : સરકાર બનાવવા માટે અટકળો થઈ શરૂ, NDAના તમામ ધારાસભ્યોને ભાજપ હાઈકમાન્ડનું તેડું