આપ સૌને મુસ્કાન યાદ જ હશે—જે મહિલાએ પોતાના પતિની હત્યા કરીને તેની લાશને વાદળી ડ્રમમાં છુપાવી દીધી હતી. ત્યારે આખો દેશ ધ્રુજી ઉઠ્યો હતો. હવે એ જ વાદળી ડ્રમ ફરી એકવાર સામે આવ્યો છે… પરંતુ આ વખતની કહાની પતિ-પત્નીની નથી. આ વખતે કાતિલ છે પોતાનો જ પુત્ર અને શિકાર છે પોતાનો જ પિતા. ઘર, જે સુરક્ષાનું સ્થાન માનવામાં આવે છે, એ જ ઘરમાં એક એવો ભયાનક રહસ્ય છુપાયેલો હતો કે દરવાજો ખૂલતા જ લોહીથી લખાયેલી હકિકત બહાર આવી ગઈ. આ કોઈ ફિલ્મી કહાની નથી—આ સત્ય છે અને એ રાતના સન્નાટામાં ગોળીનો અવાજ બનીને આજેય કાનમાં ગુંજે છે.


ગોળીનો અવાજ

રાતના અંધકારમાં, જ્યારે આખું ઘર સૂતું હતું, ત્યારે એક ગોળીનો અવાજ આખી જિંદગી બદલી નાખશે—એવું કોઈએ વિચાર્યું નહોતું. લખનૌના આશિયાના વિસ્તારમાં આવેલી એક બિલ્ડિંગમાં, પિતા અને પુત્ર વચ્ચેનો વિવાદ એવો વળાંક લેશે કે આખો દેશ દંગ રહી જશે.

લાઇસન્સવાળી બંદૂક ઉપાડી હત્યા

માનવેન્દ્ર સિંહ—વર્ધમાન પેથોલોજી નામની લેબોરેટરીના માલિક, શિસ્તબદ્ધ જીવન જીવતા, નિવૃત્ત પોલીસ અધિકારીના પુત્ર. સામે હતો તેનો પોતાનો દીકરો અક્ષત. 20 ફેબ્રુઆરીની વહેલી સવારે, એક ઝઘડાએ ખૂની રૂપ ધારણ કર્યું. અક્ષતે પોતાની લાઇસન્સવાળી બંદૂક ઉપાડી અને પિતાના માથામાં ગોળી મારી. એક ક્ષણમાં બધું ખતમ.

ઘરમાં કોણ હાજર?

ઘરમાં હાજર હતી તેની નાની બહેન. ભાઈના હાથ પર લોહી, આંખોમાં ભયંકર શાંતિ અને મોંમાંથી નીકળતી ધમકી “કોઈને કહેશ તો તને પણ મારી નાખીશ.” ડરથી દીકરીનું મોઢું બંધ થઈ ગયું. તે દિવસથી તે ચૂપ રહી. હત્યા પછી અક્ષતે જે કર્યું તે વધુ ભયાનક હતું. મૃતદેહને ત્રીજા માળેથી નીચે ઉતાર્યો, રૂમમાં લોહી સાફ કર્યું અને પછી મૃતદેહના ટુકડા કર્યા. અડધું શરીર વાદળી ડ્રમમાં ભરીને ઘરમાં છુપાવી દીધું, જ્યારે બાકીના ભાગોને કારમાં ભરીને શહેરના સદારુણા વિસ્તારમાં ફેંકી દીધા. માથું તો હજુ પણ ગાયબ છે.

પોલીસ સ્ટેશનમાં પિતાના ગુમની ફરિયાદ

આ બધાની વચ્ચે, અક્ષતે જ પોલીસ સ્ટેશનમાં જઈને પિતાના ગુમ થયાની ફરિયાદ નોંધાવી. તેણે કહ્યું “પપ્પા દિલ્હી ગયા છે.” ત્રણ મોબાઈલ ફોન બંધ, છેલ્લું લોકેશન કાકોરી બતાવતું હતું , તપાસ કરવા પર પોલીસની શંકા ધીમે ધીમે ઘેરી બનતી ગઈ. પોલીસે જ્યારે કડક પૂછપરછ શરૂ કરી, ત્યારે અક્ષતે પહેલા આત્મહત્યાની ખોટી કહાની ઘડી. પરંતુ સત્ય લાંબો સમય છુપાતું નથી. અંતે તેણે બધું કબૂલી લીધું.

પોલીસ પણ દંગ

સોમવારની સાંજે, પોલીસ આરોપીને લઈને ઘરે પહોંચી. દરવાજો ખૂલતાં જ જે દૃશ્ય સામે આવ્યું, લોહીના ડાઘ, ગોળ ગોળ ઢોળાયેલું વાદળી ડ્રમ અને અડધું મૃત શરીર—એ જોઈને અનુભવી પોલીસ અધિકારીઓ પણ થરથરી ઉઠ્યા. માનવેન્દ્ર મૂળ જાલૌનના રહેવાસી હતા, પત્નીનું અવસાન થઈ ચૂક્યું હતું. ઘરમાં માત્ર પુત્ર અને પુત્રી. પડોશીઓ કહે છે કે અક્ષત ઘણીવાર દેખાડા માટે બંદૂક હાથમાં રાખતો. કદાચ એ જ બંદૂક એક દિવસ પિતાના જીવનનો અંત બની ગઈ.

આરોપી કસ્ટડીમાં

હાલ પોલીસે આરોપીને કસ્ટડીમાં લઈ લીધો છે. ફોરેન્સિક તપાસ ચાલુ છે, માથું શોધવાની કાર્યવાહી ચાલી રહી છે. આ કેસ માત્ર હત્યાનો નથી—આ છે સંબંધોની નિર્દય તૂટણની, લોભ, ગુસ્સો અને ભયની લોહિયાળ કહાની. ઉત્તર પ્રદેશના ઇતિહાસમાં આ એક એવી ઘટના બની ગઈ છે જે લાંબા સમય સુધી લોકોને કંપાવી દેશે.

આ પણ વાંચો : US winter storm : USમાં બરફનું તોફાન, 5,600થી વધુ ફ્લાઇટ્સ રદ, ઈમર્જન્સી જાહેર


  • Follow us on: