મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખા (EOW)એ IPS અધિકારી રશ્મિ કરંદીકરના પતિ પુરુષોત્તમ ચવ્હાણ સામે સકંજો કસ્યો છે. છેતરપિંડી અને મની લોન્ડરિંગની તપાસનો સામનો કરી રહેલા પુરુષોત્તમ ચવ્હાણના બેંક ખાતામાં 2.64 કરોડ રૂપિયા મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો હતો. ત્યારે EOWએ સવાલ ઉભો કર્યો છે કે, IPS રશ્મિ કરંદીકરના પતિ પાસે આ પૈસા ક્યાંથી આવ્યા. EOW તપાસમાં જાણવા મળ્યું કે IPS રશ્મિ કરંદીકરે શેરબજારમાં ઈન્ટ્રાડે ટ્રેડિંગમાં પૈસા રોકાણ કર્યા હતા પરંતુ તેમણે પૈસા ગુમાવ્યા હતા.
IPS રશ્મિ કરંદીકરની પણ પૂછપરછ
EOWએ મહારાષ્ટ્રના પોલીસ મહાનિર્દેશક (DGP)ને પત્ર લખીને સ્પષ્ટતા માંગી છે કે શું IPS અધિકારી રશ્મિ કરંદીકરે તેમના મિલકતના ખુલાસામાં જાહેર કર્યું હતું કે આ પૈસા 2017થી 2018ની વચ્ચે 90 દિવસની અંદર તેમના ખાતામાં આવ્યા હતા. જોકે, EOWએ IPS રશ્મિ કરંદીકરને આ કેસમાં આરોપી બનાવ્યા નથી. અહેવાલ મુજબ, જ્યારે IPS પત્નીને ફોન પર તેમના પતિના બેંક ખાતામાં આટલા પૈસા આવવા અંગે પૂછપરછ કરવામાં આવી હતી ત્યારે તેમણે જવાબ આપ્યો હતો કે, 'હું તબીબી રજા પર છું અને વાત કરવાની સ્થિતિમાં નથી.'
EOWએ પુરુષોત્તમ ચવ્હાણ સાથે 11 લોકો સામે નોંધી FIR
આ વર્ષે ફેબ્રુઆરીમાં EOWએ પુરુષોત્તમ ચવ્હાણ અને અન્ય 11 લોકો સામે બે FIR નોંધી હતી. જેમાં આરોપ મૂકવામાં આવ્યો હતો કે તેમણે મુંબઈ, થાણે અને પુણેમાં સરકારી ક્વોટા ફ્લેટ આપવાના નામે 20 પીડિતોને 24.78 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હતી. પુરુષોત્તમ ચવ્હાણે ભિવંડી, પુણે, પનવેલ, શિવરી અને બોમ્બે પોર્ટ ટ્રસ્ટ (BPT)માં પણ ફ્લેટ અને સરકારી પ્લોટ આપવાનું વચન આપીને પોતાના પ્રભાવનો દુરુપયોગ કર્યો હતો. આ કેસો સિવાય એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ પુરુષોત્તમ ચવ્હાણ સામે 263 કરોડ રૂપિયાના આવકવેરા રિફંડ છેતરપિંડીની અલગથી તપાસ કરી રહ્યું છે.
EOWના એક અધિકારીએ જણાવ્યું હતું કે, આ પૈસા IPS રશ્મિ કરંદીકરના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા અને પરત કરવામાં આવ્યા ન હતા. અમે તેમને પૂછપરછ માટે બોલાવ્યા છે જેથી તેઓ ખુલાસો આપી શકે.
IPS પત્નીએ પતિથી છૂટાછેડા માટે અરજી કરી
રશ્મિ કરંદીકરના એક નજીકના વ્યક્તિના જણાવ્યા અનુસાર, તેણીએ માનસિક ત્રાસ અને નાણાકીય વ્યવહારો છુપાવવાનો હવાલો આપીને બાંદ્રા ફેમિલી કોર્ટમાં તેના પતિથી છૂટાછેડા માટે અરજી કરી છે. IPS રશ્મિ કરંદીકરે પોલીસ મુખ્યાલયને ઔપચારિક રીતે જાણ કર્યા વિના કોલાબા પોલીસ સ્ટેશનની ઉપર સ્થિત પોતાનું સરકારી નિવાસસ્થાન ખાલી કરી દીધું હોવાના અહેવાલ છે.