નવી દિલ્હીમાં ક્રાઈમ બ્રાન્ચે નકલી પ્રોડક્ટ્સ બનાવતા એક મોટા ગેરકાયદે રેકેટનો પર્દાફાશ કર્યો છે. મધુ વિહાર વિસ્તારમાં ચાલતી આ ગેરકાયદે ફેક્ટરીમાં નકલી ENO અને Nescafé તૈયાર કરવામાં આવી રહ્યા હતા, જે દેશભરમાં સપ્લાય થતા હતા. પોલીસના જણાવ્યા મુજબ આ સમગ્ર કાર્યવાહી ક્રાઈમ બ્રાન્ચ અને સાઉદર્ન રેન્જની સંયુક્ત ટીમ દ્વારા કરવામાં આવી હતી.
https://twitter.com/CrimeBranchDP/status/2046471218875039858
500 કિલો કૉફી પાઉડર જપ્ત
મળેલી ગુપ્ત માહિતીના આધારે મધુ વિહાર વિસ્તારમાં બે ફ્લેટમાં દરોડા પાડવામાં આવ્યા હતા, જ્યાં ગેરકાયદેસર રીતે પ્રોડક્શન અને પેકેજિંગનું કામ ચાલી રહ્યું હતું. દરોડા દરમિયાન મોટી સંખ્યામાં મશીનો, પેકિંગ મટિરિયલ અને તૈયાર માલ મળી આવ્યો. પોલીસે અંદાજે 20 લાખ રૂપિયાનો માલ જપ્ત કર્યો છે, જેમાં લગભગ 1 લાખ ENO સૅશેટ્સ અને 50,000 નકલી કૉફી પૅકેટ્સનો સમાવેશ થાય છે. ઉપરાંત 500 કિલો કૉફી પાવડર, પેકેજિંગ મશીનો, ફોઈલ રોલ્સ, સ્ટીકર્સ અને કાર્ટન્સ પણ મળી આવ્યા છે.
મુખ્ય આરોપીની દેહરાદૂનથી કરાઈ ધરપકડ
આ કેસમાં ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પૂછપરછમાં જાણવા મળ્યું કે આ ફેક્ટરી છેલ્લા બે મહિનાથી ચાલી રહી હતી અને સમગ્ર રેકેટનું સંચાલન એક માસ્ટરમાઈન્ડ દ્વારા કરવામાં આવતું હતું. ટેકનિકલ સર્વેલન્સના આધારે મુખ્ય આરોપીને દેહરાદૂનમાંથી પણ ધરપકડ કરવામાં આવી છે. દિલ્હી પોલીસે આ મામલે વિવિધ કલમો હેઠળ કેસ નોંધ્યો છે અને હવે આ રેકેટના સપ્લાય ચેન અને ડિસ્ટ્રિબ્યુશન નેટવર્કની તપાસ શરૂ કરી છે. અધિકારીઓએ જણાવ્યું કે નકલી દવાઓ અને ખાદ્ય ઉત્પાદનો લોકોના આરોગ્ય માટે ગંભીર જોખમ ઊભું કરે છે, તેથી આવી પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે.
આ પણ વાંચો : Kerala : ફટાકડાની ફેક્ટરીમાં મોટો બ્લાસ્ટ, 5થી વધુ લોકોના મોત, 35થી વધુ લોકો ઘાયલ