નવી દિલ્હીના મુંડકા વિસ્તારમાં એક મોટા LPG સિલિન્ડરના કાળાબજારના રેકેટનો પર્દાફાશ થયો છે. દિલ્હી પોલીસ ક્રાઈમ બ્રાન્ચના એન્ટી-એક્સટોર્શન એન્ડ કિડનેપિંગ સેલ (AEKC)એ એક વેરહાઉસ પર દરોડા પાડ્યા અને ગેરકાયદેસર રીતે સંગ્રહિત 610 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા છે.
વેરહાઉસમાં મોટી સંખ્યામાં સિલિન્ડર મળી આવ્યા
ક્રાઈમ બ્રાન્ચને માહિતી મળી હતી કે મુંડકા વિસ્તારમાં ગેસ એજન્સીના વેરહાઉસમાં મોટી સંખ્યામાં LPG સિલિન્ડર ગેરકાયદેસર રીતે સંગ્રહિત કરવામાં આવ્યા છે. જેના પગલે પોલીસની ટીમે દરોડો પાડ્યો હતો. પોલીસે ગુરુજી ઈન્ડેન ગેસ સર્વિસના વેરહાઉસ પર દરોડા પાડ્યા. તપાસમાં જાણવા મળ્યું હતું કે એજન્સી ફક્ત ઈન્ડેન કોમર્શિયલ સિલિન્ડરોની અધિકૃત વિતરક છે, પરંતુ વેરહાઉસમાં મોટી સંખ્યામાં ભારત ગેસ અને એચપી ગેસ સિલિન્ડર પણ સંગ્રહિત કરવામાં આવ્યા હતા, જે નિયમોની વિરુદ્ધ છે. દરોડા દરમિયાન, પોલીસને કુલ 610 સિલિન્ડર મળી આવ્યા હતા, જેમાં ભરેલા અને ખાલી બંને સિલિન્ડરનો સમાવેશ થાય છે.
કઈ કંપનીના કેટલા સિલિન્ડર મળી આવ્યા?
- ઈન્ડેન- 423
- ભારત ગેસ- 92
- એચપી ગેસ- 95
શું સ્ટોકમાં કરાઈ ગોલમાલ?
આમાં 197 સિલિન્ડર ભરેલા હતા અને 392 ખાલી સિલિન્ડરનો સમાવેશ થાય છે, જ્યારે 21 નાના સિલિન્ડર પણ મળી આવ્યા હતા. તપાસમાં જાણવા મળ્યું કે આ એજન્સી પાસે ઈન્ડેન કોમર્શિયલ સિલિન્ડરનો સ્ટોક 10 માર્ચ, 2025 સુધી શૂન્ય હોવો જોઈએ, પરંતુ સ્થળ પર 133 ભરેલા સિલિન્ડર મળી આવ્યા હતા.
ગોડાઉનનો માલિક હાલમાં ફરાર
દરોડા દરમિયાન ખાદ્ય પુરવઠા અને ગ્રાહક બાબતો વિભાગના અધિકારી પણ હાજર હતા. તેમના મતે, ઇન્ડેન એજન્સીના વેરહાઉસમાં અન્ય કંપનીઓના સિલિન્ડરનો સંગ્રહ કરવો એ નિયમોની વિરુદ્ધ છે. આ મામલે ક્રાઈમ બ્રાન્ચ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી છે. દરોડા સમયે વેરહાઉસ માલિક હાજર નહોતો અને હાલમાં ફરાર છે. પોલીસ તેને શોધી રહી છે અને સમગ્ર સપ્લાય નેટવર્કની તપાસ કરી રહી છે.
આ પણ વાંચો : Epstein Caseના દાવા પર મંત્રી હરદીપ સિંહ પુરીની દીકરી પહોંચી દિલ્હી હાઈકોર્ટ, 10 કરોડની માનહાનિનો કર્યો કેસ
આ પણ વાંચો : Epstein Caseના દાવા પર મંત્રી હરદીપ સિંહ પુરીની દીકરી પહોંચી દિલ્હી હાઈકોર્ટ, 10 કરોડની માનહાનિનો કર્યો કેસ










