ગ્રેટર નોઈડાના ઈકોટૅક-3 પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા હલદોની ગામમાંથી 6 વર્ષની બાળકીની કથિત ગળું દબાવી હત્યાની હચમચાવી નાખનારી ઘટના સામે આવી છે. બાળકી 28 ઓગસ્ટની રાત્રે ઘરેથી ગુમ થયા બાદ પરિવારજનોએ પોલીસને જાણ કરી હતી. પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી પાંચ ટીમો બનાવી બાળકીની શોધખોળ હાથ ધરી હતી.
શું બોરીમાં બાળકીનો મૃતદેહ હતો?
તપાસ દરમિયાન પોલીસે આસપાસના વિસ્તારના CCTV ફૂટેજ તપાસ્યા હતા. તેમાં એક યુવક બાળકી સાથે જતો જોવા મળ્યો હતો. ત્યારબાદ સામે આવેલા અન્ય CCTV ફૂટેજમાં એ જ યુવક બોરીમાં કંઈક લઈ જતો દેખાયો હતો. પોલીસને શંકા છે કે બોરીમાં બાળકીનો મૃતદેહ હતો. વધુ તપાસ કરતાં બાળકીનો મૃતદેહ નજીકના ખેતરમાં બોરીમાંથી મળી આવ્યો હતો.
ઘટનાને પગલે ગામમાં રોષ અને ભયનો માહોલ
પોલીસે મૃતદેહ કબજે લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. મુખ્ય શંકાસ્પદ યુવક સહિત એક પાડોશીને પોલીસે કસ્ટડીમાં લઈને પૂછપરછ શરૂ કરી છે. સેન્ટ્રલ નોઈડાના DCP શૈલેન્દ્ર સિંહે જણાવ્યું કે પીડિતાના પિતાની ફરિયાદના આધારે બંને સામે કેસ નોંધવામાં આવ્યો છે. બાળકી સાથે દુષ્કર્મ બાદ હત્યા કરવામાં આવી હોવાની આશંકા અંગે હાલ કોઈ પુષ્ટિ થઈ નથી.
પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મોતનું ચોક્કસ કારણ અને અન્ય બાબતો સ્પષ્ટ થશે. પોલીસ હત્યા પાછળનું કારણ જાણવા તમામ પાસાઓથી તપાસ કરી રહી છે. ઘટનાને પગલે ગામમાં રોષ અને ભયનો માહોલ છે. પરિવારજનોએ આરોપીઓને કડકમાં કડક સજા કરવાની માગ કરી છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગામમાં મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
આ પણ વાંચો : UP: ચિત્રકૂટમાં પૂર: યુપી અને MPનો સંપર્ક તૂટ્યો, ઘર છોડીને ભાગવા મજબૂર થયા લોકો!