મધ્યપ્રદેશના ગ્વાલિયરના માધૌગંજ વિસ્તારમાં એક હેરાન કરી દેનારી ચોરીની ઘટના સામે આવી છે. તસ્કરોએ બંધ મકાનમાંથી માત્ર 18 મિનીટમાં હાથફેરો કરીને 30 તોલાના સોનાના દાગીનાની ચોરી કરી હતી. ઘટનાના પગલે પોલીસ તંત્રમાં દોડધામ થઇ ગઇ હતી.

બંધ મકાન જોઇ ખાતર પાડ્યું

મળતી માહિતી પ્રમાણે યશવંત સિંહ તોમર નામના રહીશ રક્ષાબંધનનો તહેવાર મનાવવા અશોકનાગર ગયા હતા, ત્યારે 28 અને 29 ઓગસ્ટ 2026ની મધ્યરાત્રિએ તેમના બંધ મકાનને નિશાન બનાવવામાં આવ્યું હતું. 

18 મિનીટમાં જ ખેલ પાડી દીધો

ચોરોએ દિવસે રેકી કર્યા બાદ રાત્રે 1:40 વાગ્યે મોં પર રૂમાલ બાંધીને ઘરમાં પ્રવેશ કર્યો હતો અને માત્ર 18 મિનિટમાં, એટલે કે રાત્રે 1:58 વાગ્યે 30 તોલા સોનું ચોરીને ફરાર થઈ ગયા હતા.

પોલીસે 100થી વધુ CCTV કેમેરાના ફૂટેજ ફંફોસી નાંખ્યા

ચોરીની ફરિયાદ મળતા જ માધૌગંજ પોલીસે ખાસ ટીમ બનાવીને આસપાસના 100થી વધુ CCTV કેમેરાના ફૂટેજ ફંફોસ્યા હતા. તપાસ દરમિયાન ત્રણ શંકાસ્પદો એક બાઇક પર જતા નજરે પડ્યા હતા. બાઇકના નંબરના આધારે પોલીસે સઘન તપાસ હાથ ધરીને મુખ્ય સૂત્રધાર ફરહાન ખાન, રાજ ખાન અને વિવેક પ્રજાપતિની ધરપકડ કરી લીધી છે. મુખ્ય આરોપી ફરહાન અગાઉ પણ ચોરીના ગુનામાં જેલ જઈ ચૂક્યો છે અને ગુનામાં વપરાયેલી બાઇક પણ તેની જ છે.

મોટાભાગનો મુદ્દામાલ કબજે 

પોલીસે આરોપીઓ પાસેથી ચોરી કરાયેલા 5 સોનાના હાર, 10 વીંટી, 12 બંગડીઓ, 1 ચેઇન અને કાનના ટોપ્સ સહિત મોટાભાગનો મુદ્દામાલ રિકવર કરી લીધો છે. 

તસ્કરો બાઉન્ડ્રી વોલ કૂદીને પળવારમાં ચોરી કરી દેતા

આ ગેંગ બંધ મકાનોની રેકી કરીને બાઉન્ડ્રી વોલ કૂદીને ચોરી આચરતી હતી. પૂછપરછ દરમિયાન આરોપીઓએ ગ્વાલિયરના અન્ય 3 અલગ-અલગ વિસ્તારમાં પણ ચોરી કરી હોવાની કબૂલાત કરી છે. 


આ પણ વાંચો   :    Surat : રેસ્ટોરન્ટનું ભોજન ખાધા બાદ 4 વર્ષની બાળકીનું મોત, તપાસનો રિપોર્ટ આવતા કેસમાં આવ્યો ચોંકાવનારો વળાંક