રાજસ્થાનના જેસલમેરમાં બસ અગ્નિકાંડમાં બસને મોડિફાઈ કરનારી કંપનીના માલિક મનીષ જૈનની જેસલમેર પોલીસે ધરપકડ કરી લીધી છે. થોડા દિવસ પહેલા જ થયેલા અગ્નિકાંડે દેશભરમાં તમામ લોકોને સ્તબ્ધ કરી દીધા હતા. જેસલમેરથી જોધપુર જઈ રહેલી એક ખાનગી એસી સ્લીપર બસમાં આગ લાગવાના કારણે 21 લોકોના મોત થયા હતા, જેમાં ત્રણ બાળકો પણ સામેલ હતા.


બસમાં 5 દિવસ પહેલા જ નવું એસી યૂનિટ લગાવવામાં આવ્યું હતું

આ દુર્ઘટના 14 ઓક્ટોબરની રાત્રે થૈયત ગામની પાસે થઈ હતી, જે જેસલમેર શહેરથી લગભગ 10 કિલોમીટર દૂર છે. બસમાં કૂલ 57 મુસાફરો સવાર હતા, જેમાં ઘણા પરિવાર અને બાળકો પણ સામેલ હતા. જાણકારી મુજબ બસમાં 5 દિવસ પહેલા જ નવું એસી યૂનિટ લગાવવામાં આવ્યું હતું. મોડી રાત અચાનક જ બસમાં આગ લાગી અને જોતજોતામાં તો ભીષણ આગ આખી બસમાં પ્રસરી ગઈ, ત્યારે કેટલાક મુસાફરો બસમાંથી બહાર નીકળવા માટે સફળ રહ્યા તો કેટલાક લોકો બસમાં જ બળીને મૃત્યુ પામ્યા.

બચાવ કામગીરી કરવા માટે સેના આવી મદદે

આ દુર્ઘટના આર્મી વોર મેમેરિયલની પાસે જ બની હતી, જેના કારણે સેનાના જવાન તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચ્યા અને રાહત-બચાવ કામગીરીમાં જોડાઈ ગયા. પ્રત્યક્ષદર્શીઓ મુજબ જોરદાર ધડાકા બાદ બસમાંથી ધુમાડો ઉડતો જોવા મળ્યો, મુસાફરોને બચાવવા માટે દરવાજો તોડવામાં આવ્યો. આ ઘટના માત્ર એક દુર્ઘટના નથી પણ દેશમાં બસની સુરક્ષાની પોલ ખોલે છે. ભારતમાં દર વર્ષે ઘણી બસો ખરાબ ડિઝાઈન, બંધ દરવાજા અને સલામતીના ઢીલા નિયમો આ બસમાં મુસાફરી કરતા લોકો માટે મૃત્યુનું કારણ બને છે.

ઉલ્લેખનીય છે કે હાલમાં પોલીસ અને ફોરેન્સિક ટીમ આગ લાગવાના કારણોની તપાસ કરી રહી છે અને પ્રાથમિક આશંકા છે કે બસના એસી યૂનિટમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હશે. હાલમાં બસના માલિક અને ડ્રાઈવર સાથે પૂછપરછ કરવામાં આવી રહી છે.    

  • Follow us on: